ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 14 ડિસેમ્બરથી ગાબા ખાતે રમાઈ રહી છે. વરસાદના વિઘ્ન વચ્ચે પહેલા દિવસની રમત પૂરી નહોતી થઈ શકી. બીજો દિવસ વરસાદના વિઘ્ન વગરનો રહ્યો. બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો ભારતના બોલરો ઉપર હાવી થયેલા જોવા મળ્યા હતા. જો કે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે કપિલ દેવનો એક રેકોર્ડ તોડીને એ રેકોર્ડ પોતાના નામે કરી દીધો હતો.
બીજા દિવસની રમત દરમિયાન ભારતીય બોલર જસપ્રીત બુમરાહ ફોર્મમાં જોવા મળ્યો હતો. જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી અને પાંચ વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહે ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન જેવા બેટ્સમેનોની વિકેટ ઝડપી ઑસ્ટ્રેલિયાને તકલીફમાં મુકી દીધું હતુ. બુમરાહે જ્યારે પાંચમી વિકેટ ઝડપી ત્યારે તે એશિયા બહાર સૌથી વધુ વખત પાંચ વિકેટ ઝડપનાર ભારતીય બોલર બની ગયો હતો. આ પહેલા આ રેકોર્ડ ભારતના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો હતો. બુમરાહે અત્યાર સુધીમાં એશિયાની બહાર 10 વખત પાંચ વિકેટ ઝડપી છે, જ્યારે કપિલ દેવે એશિયાની બહાર 9 વખત પાંચ વિકેટ ઝડપી હતી.
જસપ્રીત બુમરાહના નામે આ મેચમાં વધુ એક મોટી સિદ્ધિ નોંધાઈ હતી. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ પાંચ વિકેટ ઝડપનાર બીજો ભારતીય બોલર પણ બન્યો હતો આ પહેલા આ રેકોર્ડ ઝહીર ખાનના નામે હતો. ઝહીરે 11 વખત પાંચ વિકેટો ઝડપી હતી. બુમરાહે 12મી વખત પાંચ વિકેટ ખેરવીને આ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. હવે બુમરાહ બીજા સ્થાને આવી ગયોન છે જ્યારે ત્રીજા સ્થાને ઝહીર ખાન છે. આ રેકોર્ડમાં પ્રથમ સ્થાન ઉપર કપિલ દેવ આવે છે. કપિલ દેવે ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. કપિલદેવે 23 વખત પાંચ વિકેટ ઝડપી છે. આ યાદીમાં 11 વખત પાંચ વિકેટ સાથે ચોથા સ્થાન ઉપર ઈશાંત શર્મા છે.
પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બે બેટ્સમેનોએ સદી ફટકારી હતી. ટ્રેવિસ હેડે 160 બોલમાં 152 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે સ્ટીવ સ્મિથે પણ 190 બોલમાં 101 રન બનાવ્યા હતા. તેના સિવાય એલેક્સ કેરી 47 બોલમાં 45 રન બનાવીને અણનમ છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 101 ઓવરમાં 405/7 રન બનાવી લીધા હતા. જસપ્રીત બુમરાહ સિવાય ભારતના તમામ બોલરો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. બુમરાહ ઉપરાંત સિરાજ અને રવિન્દ્ર જાડેજાને 1-1 સફળતા મળી હતી.