ભારતમાં ચાલી રહેલો આઇસીસી વન-ડે વર્લ્ડ કપ ધીમે ધીમે રોમાંચક તબક્કામાં પહોંચી રહ્યો છે. કઈ ટીમ સેમી ફાઇનલમાં પહોંચશે અને કઈ ટીમ રહી જશે તે અટકળો તેજ બની છે. અફઘાનિસ્તાનની ટીમે પાકિસ્તાનને હરાવીને અત્યાર સુધીનો સૌથી મોટો અપસેટ સર્જ્યો છે.
દરેક ટીમ સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે અને દરેક ટીમ પોતાના ખેલાડી પાસેથી તેના શ્રેષ્ઠ પ્રદર્શનની અપેક્ષા રાખી રહી છે. વન ડે મેચ એ પ્રકારની મેચ છે જેમાં પ્રત્યેક રન અને બોલ અગત્યનો છે ખાસ કરીને ટી-20 ફોર્મેટને કારણે બેટ્સમેન વધુ આક્રમક બન્યા છે ત્યારે દરેક બોલર માટે બોલિંગ અને ઓવરમાં રન આપ્યા વગરના બોલ એટલે કે ડોટ બોલ નાખવા મહત્વના અને મેચ વિનર બની રહ્યા છે.
વર્તમાનમાં ભારતમાં ચાલી રહેલા વન ડે વિશ્વ કપમાં સૌથી વધુ ડોટ બોલ નાખવાનો રેકોર્ડ ધરાવતા દસ બોલર્સનો રેકોર્ડ આવ્યો છે. ભારત માટે આનંદ અને ઉત્સાહ વર્ધક સમાચાર એ છે કે આ લિસ્ટમાં ભારતનો સ્ટાર બોલર પ્રથમ નંબર પર છે. ડોટ બોલ નાખનારા બેસ્ટ બોલર્સમાં ભારતીય ટીમનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અવ્વલ નંબર પર છે. જસપ્રીત બુમરાહે વર્લ્ડ કપમાં અત્યાર સુધી સુંદર બોલિંગ પ્રદર્શન કરતાં કુલ 188 ડૉટ બોલ નાખી ચૂક્યો છે. આ લિસ્ટમાં બીજા સ્થાન પર 165 ડોટ બોલ સાથે ન્યૂઝીલેન્ડનો ઝડપી બોલર ટ્રેન્ટ બાઉલ્ટ છે. ત્રીજા નંબર પાંચ મેચમાં 159 ડોટ બોલ સાથે ભારતનો અનુભવી અને મેચ વિનર ગણાતો ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા છે. ઓસ્ટ્રેલિયાની ટીમ આ વિશ્વ કપમાં એટલું સારું પ્રદર્શન કરી નથી શકી પરંતુ તેનો બોલર હેઝલવૂડે 156 તથા અફઘાનિસ્તાન જેવી નવી સવી ટીમ સામે શરમજનક પરાજય પામનાર પાકિસ્તાનની ટીમનો બોલર હસન અલી 155 ડોટ બોલ અત્યાર સુધી નાખી ચૂક્યો છે. ભારતનો ચાઇનામેન ગણાતો સ્પિનર કુલદીપ યાદવ પણ આ લિસ્ટમાં સામેલ છે. કુલદીપ યાદવ પાંચ મેચ રમ્યો છે અને એમાં 154 ડોટ બોલ નાખ્યા છે.