- ક્યારે શરૂ થઈ આધુનિક ઓલિમ્પિક ?
- પ્રાચીન ઓલિમ્પિક કેવી હતી ?
- કેટલા વર્ષે રમાય છે ઓલિમ્પિક ?
ઓલિમ્પિકની આરપાર : વધુ ઝડપ, વધુ ઊંચે, વધુ શક્તિ, સંગાથે…
હિમાદ્રી આચાર્ય
રમતગમતના ક્ષેત્રે સૌથી મોટી, વિશ્વસ્તરની હરીફાઈ એટલે ઓલિમ્પિક, જેમા યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં દુનિયાભરના અનેક દેશોના અગ્રીમ ક્રમના ખેલાડીઓ ભાગ લે છે. ઓલિમ્પિકમાં સ્પર્ધા જીતી દેશનું નામ વિશ્વસ્તરે ઉજ્જવળ કરવુ એ ઓલિમ્પિકમાં ભાગ લેનાર, દરેક રમતવીરનું સપનું હોય છે.
ઓલિમ્પિક રમતોનો ઇતિહાસ
ઓલિમ્પિક રમતોનો ઇતિહાસ બહુજ જુનો છે. એવું માનવામાં આવે છે કે હજારો વર્ષ પૂર્વે પ્રાચીન ગ્રીસમાં, મહાન રાજા જ્યુસ અને શાનદાર ભવ્ય મંદિરો માટે વિશ્વવિખ્યાત ઓલિમ્પિયા શહેરના 2917 મીટર ઉંચા, ઓલિમ્પિયા નામના પર્વત પર સૌ પ્રથમ ઓલિમ્પિક યોજાઈ હતી. ‛ઓલિમ્પિયા’ પરથી આ રમતોને ઓલિમ્પિયાડ તરીકે ઓળખવામાં આવતી. બાદમાં આ રમત મહોત્સવનું નામ ‘ઓલિમ્પિક’ રાખવામાં આવ્યું હતું. ઇતિહાસકારો નોંધે છે કે ઓલિમ્પિકની શરૂઆત ગ્રીસના ઈશ્વરીય રાજા જ્યુસના પુત્ર હેરાકલ્સ દ્વારા કરવામાં આવી હતી. (પરંતુ અનેક ઉલ્લેખ એવા પણ મળે છે કે આ પહેલા પણ આવા જ ભવ્ય રમત મહોત્સવનું આયોજન ગ્રીસમાં થતું રહેતુ.) ઈસવીસન પૂર્વે 776માં વિધિવત રૂપે ઓલિમ્પિક રમતની શરૂઆત થઈ જે ઈસવીસન 393 સુધી એટલે કે 1169 વર્ષ સુધી નિયમિતપણે ચાલુ રહી.
ઇતિહાસકારો ગ્રીસના આ ઓલિમ્પિક રમત મહોત્સવ યોજાવાના પ્રયોજન પાછળ અનેક કારણો દર્શાવે છે. એક માન્યતા પ્રમાણે ઈશ્વર અને ઈશ્વરના ઈશ્વર, રાજા જ્યૂસને રીઝવવા, ધાર્મિક પરંપરાના અંગરુપે આ રમત મહોત્સવનું આયોજન કરવામાં આવતું. બીજું, એ સમયનું ગ્રીસ (યુનાન) સાહિત્ય, કલા અને સંસ્કૃતિનું કેન્દ્ર ગણાતું એ અનુસંધાને એમ પણ માનવામાં આવે છે કે ઓલિમ્પિકસનો પ્રારંભ કોઈ સાંસ્કૃતિક ઉત્સવના રૂપમાં થયો હોઈ શકે. અન્ય માન્યતા મુજબ, ઓલિમ્પિક રમતના પ્રાચીન ઇતિહાસના સંબંધમાં એમ મનાય છે કે સ્પાર્ટા અને એથેન્સમાં થયેલા ભયાનક યુદ્ધના યશસ્વી અને પરાક્રમી નાયકોની સ્મૃતિ અને પ્રશસ્તિમાં સૌપ્રથમ ઓલિમ્પિકસ રમતોનું આયોજન થયું હતુ. એક માન્યતા મુજબ, ઘોડાદોડ, કુસ્તી, મૂકકેબાજી, વિવિધ પ્રકારની દોડ વગેરે રમતો વાળો આ મહોત્સવ મુખ્યત્વે દેવોની પૂજા, જનતાના મનોરંજન તેમજ સૈનિકોના પ્રશિક્ષણ અને યુદ્ધની તાલીમ રૂપે યોજવામાં આવતોપ્રાચીન ગ્રીસમાં દર ચાર વર્ષે હજારો લોકો ઓલિમ્પિક રમતોનો હિસ્સો બનતા. આ ખેલ ગ્રીસના લોકો માટે ખૂબ જ મહત્વ ધરાવતો હતો, જેમાં વિશ્વના ખૂણેખૂણાથી ભાગ લેવા રમતવીરો આવતા.
પ્રાચીન રમતોત્સવમાં રમતોની સાથે ઓલિમ્પિક મશાલ પ્રગટાવવામાં આવી હતી. આ મશાલનો ઉપયોગ તે સમયે ઓલિમ્પિક રમતોના પ્રતીક તરીકે થતો હતો. કારણ, પ્રાચીન ગ્રીસમાં અગ્નિને દેવ માનતા હતા.ઓલિમ્પિકની મશાલ ગ્રીસના ઓલિમ્પિયાના હેરાના મંદિરની જ્યોતમાંથી પ્રગટાવી રમતના સ્થળે લઈ જવાતી. દંતકથાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે તે સમયે સૂર્યના કિરણો દ્વારા ઓલિમ્પિક મશાલ પ્રગટાવવામાં આવી હતી. રમતો સમાપ્ત થાય ત્યાં સુધી આ મશાલ પ્રજ્વલિત રાખવામાં આવતી.આ ઓલિમ્પિક મશાલ શુદ્ધતા, જીવંતતા, શૌર્ય અને પોતાને શ્રેષ્ઠતા તરફ લઈ જવાના પ્રયત્નોનું પ્રતીક ગણાતી. ઓલિમ્પિકમાં જીત મેળવવી એ ખુબજ મોટી ઘટના ગણાતી. રમતમાં જીતનારને ઓલિવની માળા તેમજ ગ્રીસના દેવતાઓની મૂર્તિઓ આપવામાં આવતી. તેમજ પોતાના નગરમાં તેનું ભવ્ય સ્વાગત થતું. અલબત્ત, પ્રાચીન ઓલિમ્પિક રમતોત્સવ અનેક સંઘર્ષોથી બાધિત થઈ સમાપ્ત થઈ ગયો. ઇ.સ. 393માં રોમના સમ્રાટ થિડોસીસે, આ રમત પ્રત્યેની લોકોની ઘેલછા તેમની ધાર્મિક શ્રદ્ધા પર અસર કરે છે તેમજ ઓલિમ્પિકને મૂર્તિપૂજા માટે બાધક બતાવીને તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો.
આધુનિક ઓલિમ્પિક
ઇ.સ. 394 બાદ, સદીઓ પછી 19મી સદીમાં નવેસરથી ફ્રેન્ચ ઇતિહાસકાર અને અધ્યાપક પિયરે ડી કુબર્તિનના પ્રયાસોને કારણે આધુનિક ઓલિમ્પિકની શરૂઆત થઈ. પિયરે ડી કુબર્તિને પ્રાચીન ઇતિહાસના આ ખેલ મહોત્સવ વિશે ખૂબ જ વાંચ્યું અને સાંભળ્યું હતું અને તેમના મનમાં હંમેશા આ ખેલ ફરી શરૂ કરાવવાના વિચારો આવતા હતા. આ રમતો ફરી શરુ કરાવવા પાછળનો તેમનો મુખ્ય ઉદ્દેશ વિશ્વશાંતિ, સોહાર્દ અને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ અલગ દેશો વચ્ચે રમતોમાં સહભાગી થવા થકી સહકારની ભાવના સ્થાપવાનો હતો.અને, ઈ.સ.1896માં છઠ્ઠી એપ્રિલે પ્રાચીન ઓલિમ્પિકની જન્મભૂમિ ગ્રીસના એથેન્સમાં પ્રથમ અર્વાચીન ઓલિમ્પિકનું આયોજન થયું. જેમાં 14 દેશોના 241 ખેલાડીઓએ વિભિન્ન રમતોમાં ભાગ લીધો હતો. અલબત્ત, એકપણ મહિલા ખેલાડીએ ભાગ લીધો નહોતો, 14 રમતો અને 43 ઇવેન્ટ આ ઓલિમ્પિકમાં થયા હતા. જો કે ભારતે આ રમતોત્સવમાં ભાગ લીધો ન હતો અને શરૂઆતમાં આ રમતો માટે દુનિયાએ વધુ દિલચસ્પી દેખાડી ન હતી. પ્રથમ ઓલિમ્પિકનું આયોજન વ્યવસ્થિત રીતે થઇ પણ શક્યું ન હતું. વિશ્વની મહાશક્તિ એવા અમેરિકા અને રશિયા ઉપરાંત દુનિયાના અનેક દેશોએ ઓલિમ્પિક પ્રત્યે નીરસ હતા. ઇતિહાસના એક ભૂલાયેલા પ્રકરણ સમા પ્રાચીન ગ્રીકના રમતોત્સવ પરથી ઉતરી આવેલા આ આયોજનમાં કોઈને વધુ રસ પડતો ન હતો. અને એટલે જ ઓલિમ્પિકને શક્ય બનાવનાર આ આયોજનના પ્રણેતાઓએ શરૂઆતના વર્ષોમાં ઓલિમ્પિકના અસ્તિત્વને ટકાવી રાખવા અને લોકોને આ તરફ આકર્ષિત કરવા ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમ છતાં પિયરે ડી કુબર્તિને હાર ન માની અને ઓલિમ્પિકનું આયોજન સતત ચાલુ રાખ્યું હતું. કારણ, તેને આશા હતી કે વિશ્વની આ પ્રાચીન પરંપરાને એક દિવસ લોકો જરૂર સ્વીકારશે તેમજ આ રમતોત્સવ લોકભોગ્ય બનશે. અને કુબર્તિનની આ આશા ફળતી હોય તેમ એ દિવસ પણ આવી ગયો.
ઓલિમ્પિકનું વધતું જતું મહત્વ
પ્રથમ ત્રણ ઓલિમ્પિકમાં અલ્પ ઉત્સાહના વાતાવરણ બાદ લંડનમાં આયોજિત ચતુર્થ ઓલિમ્પિકને દુનિયાભરમાંથી ખૂબ જ નોંધપાત્ર માન્યતા મળી. જેમાં લગભગ 2000 ખેલાડીઓએ ભાગ લીધો અને ધીરે ધીરે આ ખેલ પ્રસિદ્ધ થવા લાગ્યો. ત્યારબાદ, દુનિયાની મહાશક્તિ અમેરિકા અને રુસ પણ આ ખેલમાં જોડાતા આ રમતોત્સવની આન, બાન અને શાનમાં અભૂતપૂર્વ વધારો થયો. હવે આ ખેલમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરતાં ભાગ લેવો એ વિશ્વસ્તરીય પ્રતિષ્ઠાના રુપમાં લોકો જોવા લાગ્યા. ઉત્તરોત્તર વધતી પ્રતિષ્ઠા સાથે પેરિસમાં યોજાયેલા 1924ના આઠમાં ઓલિમ્પિક મહોત્સવ બાદ આ રમત વધુ પ્રતિષ્ઠિત થઈ. એ વર્ષે આ રમતમાં લગભગ ત્રણ હજાર રમતવીરો સાથે 44 દેશોએ ભાગ લીધો જેમાં સૌથી વધુ મહિલાઓ હતી. આ ઉપરાંત આ ઓલિમ્પિકમાં પહેલી વાર ક્લોઝિંગ સેરેમની પણ કરવામાં આવી હતી.ભારતે પ્રથમ વખત 1900માં ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો, જેમાં રમતવીર નોર્મન પ્રિચાર્ડ એએથ્લેટિક્સમાં રજતપદક જીત્યા હતા અને આ સાથે ભારત, ઓલિમ્પિક ચંદ્રક જીતનાર પ્રથમ એશિયન રાષ્ટ્ર બન્યું હતું.
ઓલિમ્પિક રમતોમાં મશાલ
શરૂઆતની ઓલિમ્પિક રમતોમાં મશાલ પ્રગટાવવાની પરંપરા ન હતી. પ્રાચીન ઓલિમ્પિકની, પ્રાચીન ગ્રીસની મશાલ પરંપરા પુનઃ 1928ના આઠમા ઓલિમ્પિકના યજમાન દેશ એમ્સ્ટર્ડમમાં શરુ થઇ, જ્યાં પહેલીવાર ઓલિમ્પિક મશાલ પ્રગટાવવામાં આવી, જેને સમગ્ર ખેલ દરમિયાન પ્રજ્વલિત રાખવામાં આવી. ત્યારબાદ એ પરંપરા આજ સુધી યથાવત રહી છે. ઓલિમ્પિક રમતોત્સવની શરૂઆતના થોડા દિવસો પહેલા ગ્રીસના ઓલિમ્પિયા ગામના ઝિયસના મંદિરમાંથી ઓલિમ્પિક મશાલ લાવવામાં આવે છે. આ મશાલથી સ્ટેડિયમની મશાલ પ્રગટાવવામાં આવે છે. અને તેમાં ઉમેરો એ વાતનો થયો છે કે 1936માં બર્લિન ઓલિમ્પિકમાં પહેલીવાર મશાલ યાત્રા શરૂ થઈ. જેમાં આયોજક દેશ ઉપરાંત અન્ય દેશોમાં પણ મશાલ ઘુમાવવાની શરૂઆત થઈ. 1952ના ઓસ્લો ઓલિમ્પિકમાં ઓલિમ્પિક મશાલે પહેલીવાર હવાઈમાર્ગે યાત્રા કરી. 1956ના સ્ટોકહોમ ઓલિમ્પિકમાં ઘોડાની પીઠ પર મશાલ યાત્રા સંપન્ન કરવામાં આવી.1968ના મેક્સિકો ઓલિમ્પિકમાં દરિયાઈ માર્ગે મશાલ યાત્રા કરવામાં આવી. 1976 મોન્ટ્રીયલ ઓલિમ્પિકમાં કેનેડાથી શરુ થયેલી મશાલ યાત્રાનું લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવ્યું.1994 નોર્વે ઓલિમ્પિક મશાલ યાત્રામાં પેરા જમ્પિંગ કરવાવાળા ખેલાડીઓએ પહેલીવાર હવામા મશાલનું આદાન-પ્રદાન કર્યું. 2000ની સિડની ઓલિમ્પિકમાં મશાલને ગ્રેટ બેરિયર રીફની પાસેના સમુદ્રની ઊંડાઈમાં ઉતારવામાં આવી. ઓલિમ્પિક મશાલ ગેસ દ્વારા પ્રજવલિત રહે છે. સમયની સાથે-સાથે તેના સ્વરૂપો રંગ અને તેની બનાવટના સ્વરૂપમાં ફેરફાર થયો છે. પરંતુ પ્રાચીન સમયથી લઈને આજ સુધી તેનું મુળ સ્વરુપ બદલાયું નથી. 2000ની સિડનીની મશાલને સિડની ઓપેરા હાઉસનો આકાર આપવામાં આવ્યો હતો. બીજીંગ ઓલિમ્પિકની મશાલ કોમ્પ્યુટર કંપની લીનોવોના 30 ડિઝાઇન સ્પેશિયાલિસ્ટે તૈયાર કરી હતી. ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ જણાવ્યું છે કે આ વખતની મશાલને ચેરી બ્લોસમનો આકાર આપવામાં આવ્યો છે જેમાં બુલેટ ટ્રેનની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આધુનિક ઓલિમ્પિકનાં પ્રતીક
આધુનિક ઓલિમ્પિકનાં પ્રતીક ની વાત કરીએ તો*ધ્વજ*ઓલિમ્પિક રમતને તેમનો પોતાનો ધ્વજ છે. જેનો રંગ સફેદ હોય છે.1914માં પિયર ડી કુબર્તીનના સુચન અને માર્ગદર્શન મુજબ સૌપ્રથમ ઓલિમ્પિક ધ્વજ બનાવવામાં આવ્યો, જે સર્વ પ્રથમ 1924 એન્ટવર્પ ઓલિમ્પિકમાં ફરકાવવામાં આવ્યો. ઓલિમ્પિક ધ્વજ સિલ્કનો બનાવવામાં આવે છે.
પંચ વલયાકૃત પ્રતીક
આ ધ્વજ પર પરસ્પર જોડાયેલા પાંચ વર્તુળો હોય છે .એમાં અનુક્રમે વાદળી, પીળો, કાળો, લીલો અને લાલ પૂરેલા હોય છે. ઓલિમ્પિકના પાંચ વર્તુળો ઉત્તર અને દક્ષિણ અમેરિકા, એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા આ પાંચ મહાદ્વીપને દર્શાવે છે જે પરસ્પર જોડાયેલા હોવાથી આંતરરાષ્ટ્રીય સદભાવના અને મૈત્રીનો સંદેશ આપે છે
મૅસ્કોટ
સૌપ્રથમ 1968માં આયોજિત સોળમા ઓલિમ્પિકમાં, શુભંકર, લોગો કે મૅસ્કોટની શરૂઆત થઈ. આ મૅસ્કોટ જે દેશમાં ઓલમ્પિકનું આયોજન હોય તે, જે-તે પ્રદેશના પશુ-પક્ષી કે અથવા તો જે-તે પ્રદેશના સાંસ્કૃતિક મૂલ્યો કે ભૌગોલિક વિશેષતા દર્શાવતો હોય છે. 1968 પછી દરેક ઓલિમ્પિકમાં અલગ-અલગ લોગો કે મૅસ્કોટ રાખવામાં આવ્યા છે. સૌ પ્રથમ માસ્કોટ પ્લોમા નામનું કબૂતર હતું.
ઓલિમ્પિક ગાન
જેવી રીતે દરેક દેશને પોતાનું રાષ્ટ્રગીત હોય છે તેવી રીતે ઓલિમ્પિકને તેનું પોતાનું એક ગીત છે. આ ઓલિમ્પિક ગીતની રચના 19મી શતાબ્દીમાં સંગીતકારો સ્પિરોઝ સામારાસ અને કોસ્તિમ પાલા એ કરી હતી. 1958માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ એ આ ગીતને ઓલિમ્પિક ગીત તરીકે માન્યતા આપી ત્યારબાદ આ ગીત દરેક ઓલિમ્પિકના ઉદઘાટન અને સમાપન સમારોહ વખતે ગાવા-વગાડવામાં આવે છે.
ઓલિમ્પિક સંસ્કરણો
વિન્ટર ઓલિમ્પિક અને સમર ઓલિમ્પિક એટલે કે ગ્રીષ્મકાલીન અને શિતકાલીન, પેરા ઓલિમ્પિક તેમજ યુવા ઓલિમ્પિક. આમ બહુસ્તરીય આયોજનમાં ઓલિમ્પિકમાં યોજાય છે
સમર ઓલિમ્પિક
સમર ઓલિમ્પિક બહુરમતીય આયોજન છે. જે સામાન્યપણે દર ચાર વર્ષે આયોજિત કરવામાં આવે છે જેમાં તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિંટન, બાસ્કેટબોલ, મુક્કાબાજી, કેનોઇંગ, સાયકલિંગ, ડ્રાઇવીંગ, ઘોડેસવારી, હીકી, ફેન્સીંગ, ફૂટબોલ,, જિમ્નેસ્ટિક્સ, ગોલ્ફ, હેન્ડબોલ, જુડો, આધુનિક પેન્ટાથલોન, રોઇંગ, રગ્બી સેવેન્સ, સેઇલિંગ, શૂટિંગ, સર્ફિંગ, સ્વિમિંગ, સિંક્રોનાઇઝ્ડ સ્વિમિંગ, ટેબલ ટેનિસ, તાઈકવોન્ડો, ટેનિસ, ટ્રાઇથલોન, વોલીબોલ, વોટર પોલો, વેઈટ લિફ્ટિંગ, રેસલિંગ વગેરે રમતો રમાય છે. *શીતકાલીન ઓલિમ્પિક*
શીતકાલીન ઓલિમ્પિક રમતોમાં અલ્પાઇન સ્કીઇંગ, બેથલોન, બોબસ્લેય, ક્રોસ-કન્ટ્રી સ્કીઇંગ, કર્લિંગ, ફિગર સ્કેટિંગ, ફ્રી સ્ટાઇલ સ્કીઇંગ, આઇસ હોકી, લ્યુજ, નોર્ડિક કમ્બાઈન્ડ, શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટીંગ, સ્કી જમ્પિંગ, સ્નોબોર્ડિંગ, સ્પીડ સ્કેટિંગ વગેરે જેવી, બરફની રમતો અને બરફ ઉપર રમવામાં આવતી રમતો રમાય છે જેનું આયોજન પણ દર ચાર વર્ષે કરવામાં આવે છે. પહેલો શિતકાલીન ઓલિમ્પિક 1924માં ફ્રાન્સમાં યોજાયો હતો.
યુવા ઓલમ્પિક ખેલ
યુવા ઓલમ્પિક ખેલ એ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા આયોજન કરવામાં આવતો 14 થી 18 વર્ષની ઉંમરના એથલીટલીટસ માટેનું આયોજન છે જે દર ચાર વર્ષે યોજવામાં આવે છે.
પેરા ઓલિમ્પિક
પેરાઓલિમ્પિક રમતો મલ્ટિ-સ્પોર્ટ ઇવેન્ટ છે જેમાં સ્નાયુઓની ક્ષતિગ્રસ્ત પરિસ્થિતિ(દા.ત. પેરાપ્લેજિયા અને ક્વાડ્રિપિલિઆ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, પોસ્ટ-પોલિઓ સિન્ડ્રોમ, સ્પાઇના બાયફિડા), હલનચલનની નિષ્ક્રિયતા અંગવિચ્છેદન અથવા ડિસ્મેલિયા), દ્રષ્ટિની તેમજ બૌદ્ધિક ક્ષતિ વાળા દિવ્યાંગ લોકો આ રમતોમાં ભાગ લે છે.
ઓલિમ્પિક રમતોનું નિયંત્રણ સ્વિટ્ઝર્લેન્ડના જિનિવા શહેરમાં સ્થિત તેના હેડક્વાર્ટર દ્વારા થાય છે. ઓલિમ્પિક્સને લગતા તમામ નિર્ણયો, રમતોની પસંદગી, આગામી ઓલિમ્પિક કયા-કયા દેશોમાં યોજવા તે અંગેના નિર્ણયો આ કમિટી લે છે.આ કમિટીમાં સો સભ્યો હોય છે જેમાં વિવિધ દેશના નેશનલ ઓલિમ્પિક કમિટીના મેમ્બર સભ્ય બને છે.
ઓલિમ્પિક રમતોમાં પ્રથમ સ્થાન મેળવનાર ખેલાડી માટે ગોલ્ડ મેડલ, બીજા સ્થાનના ખેલાડી માટે રજત પદક અને ત્રીજા સ્થાનના ખેલાડીને બ્રોન્ઝ મેડલ અપાય છે. ચોથાથી આઠમા ક્રમે રહેલા ખેલાડીઓને કેવળ પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. જીત એ તો દરેક રમતનો અંતિમ ધ્યેય હોય જ પરંતું ઓલિમ્પિક રમતોમાં ભાગ લેવા મળે એ પણ ખૂબ મહત્વની વાત છે. કારણ કે વિજય ખેલાડીના સ્ટેડિયમ પરના પ્રયત્નો પર આધારિત છે. જયારે ઓલિમ્પિકસમાં પ્રવેશ મળવો એ વર્ષોની તપ, સાધના અને આકરી મહેનતનું ફળ છે. વિશ્વસ્તરે યોજાતા આ ખેલમાં પ્રદર્શન કરવા પોતાનુ સ્થાન બનાવવું એ સ્વયંમાં ઇનામ જીતવા જેટલું જ મહત્વપૂર્ણ છે.
.ઓલિમ્પિક્સનું સૂત્ર છે – Citius, Altius, Fortius (અલ્ટીયસ, સિટીઅસ, ફોર્ટિયસ) આ લેટિન શબ્દનો અર્થ છે, વધુ ઝડપી, વધુ ઉચ્ચ, વધુ બળવાન… આ સૂત્રમાં કોરોના પેન્ડેમીક બાદ વૈશ્વીક સદ્ભાવની અનિવાર્યતા દર્શાવતો શબ્દ Communis ઉમેરવામાં આવ્યો છે એટલે નવું સૂત્ર Citius, Altius, Fortius – Communis (faster, higher, stronger – together”) છે.
હાલમાં, ટોક્યો ઓલિમ્પિક 2020 શરુ થઇ ચુક્યો છે ત્યારે વિશ્વભરના રમતવીરોને શુભેચ્છાઓ.
હિમાદ્રી આચાર્ય