હાલમાં સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE માં ચાલી રહેલી ILT20, 2025 ક્રિકેટ ટુર્નામેન્ટમાં મચેલું રણમાં રનનું રમખાણ ઘણી ચર્ચાઓ છે. ILT20, 2025 આ સીઝન 11 જાન્યુઆરીથી શરૂ થઈ હતી જેમાં 8મી મેચ 17 જાન્યુઆરીએ રમાઈ હતી. આ મેચમાં રનની હેલી થઈ હતી પરંતુ અંતે ટાર્ગેટનો પીછો કરતી ટીમ જીતવામાં સફળ રહી હતી.
આ રોમાંચક મેચ રમાઈ હતી શારજાહ વોરિયર્સ અને દુબઈ કેપિટલ્સ વચ્ચે, જેમાં બંને ટીમોએ રણમાં રનનું રમખાણ મચાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દુબઈ કેપિટલ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 201 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. દુબઈના દિગ્ગજ બેટ્સમેન શે હોપે 52 બોલમાં 83 રનની અણનમ તોફાની ઈનિંગ રમી હતી. આ ઇનિંગમાં દુબઈના બેટસ્મેન હોપે 3 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય કેપ્ટન સિકંદર રઝાએ 28 રન અને રોવમેન પોવેલે 27 રનનું યોગદાન આપ્યું હતું. શારજાહ વોરિયર્સ તરફથી કેપ્ટન ટીમ સાઉથીએ 2 વિકેટ ઝડપી હતી.
અવિષ્કા ફર્નાન્ડોએ મચાવ્યું રણમાં રનનું રમખાણ
દુબઈ કેપિટલ્સના 201 રનનો પીછો કરવા ઉતરેલી શારજાહ વોરિયર્સની શરૂઆત શાનદાર રહી હતી. જેસન રોય અને જોન્સન ચાર્લ્સની ઓપનિંગ જોડીએ સ્કોરબોર્ડ સતત ફરતું રાખ્યું અને માત્ર 5 ઓવરમાં 50થી વધુ રન બનાવ્યા હતા. જોન્સન ચાર્લ્સ 37 રન બનાવી ઓલી સ્ટોનનો શિકાર બન્યો હતો.
ત્યાર બાદ ક્રિઝ પર આવેલા 26 વર્ષીય શ્રીલંકાના બેટ્સમેન અવિષ્કા ફર્નાન્ડોએ મોરચો સંભાળ્યો અને પહેલા જ બોલથી ઝુડવાનું શરુ કરીને રણમાં રનનું રમખાણ મચાવી દીધું હતુ. અવિષ્કા ફર્નાન્ડોએ રોકેટ ગતિથી બેટિંગ કરતા માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે અવિષ્કા ફર્નાન્ડો પાકિસ્તાનના આઝમ ખાનના 18 બોલમાં અડધી સદી ફટકારવાનો રેકોર્ડ તોડીને ILT20માં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો.
Avishka Fernando makes history in Sharjah! 🔥
— FanCode (@FanCode) January 17, 2025
Coming on as an impact player, Fernando smashed the fastest fifty in league history and powered the Sharjah Warriorz to a league record chase with his 81 off 27 balls!#ILT20onFanCode pic.twitter.com/1u6wQD61zQ
300ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા રન
એક તરફ અવિષ્કા ફર્નાન્ડો રણમાં રનનું રમખાણ મચાવી રહ્યો હતો ત્યાં 8મી ઓવરમાં જેસન રોય 26 રન બનાવીને આઉટ થયો. ઓપનિંગ જોડી પેવેલિયન પરત ફર્યા બાદ પણ ફર્નાન્ડોના બેટમાંથી રનનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. ફર્નાન્ડોને બીજા છેડેથી રોહન મુસ્તફાનો ભરપૂર સાથ મળ્યો, જેનો ફાયદો ઉઠાવીને શ્રીલંકાના આ બેટ્સમેને માત્ર 27 બોલમાં 81 રનની તોફાની ઇનિંગ રમી અને 202 રનનો લક્ષ્યાંક માત્ર 18.1 ઓવરમાં હાંસલ કરી લીધો.
આ તોફાની ઇનિંગ દરમિયાન, ફર્નાન્ડોએ ગુલબદિન નાયબની 1 ઓવરમાં 27 રન ફટકારીને શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. આ રીતે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી મોંઘી ઓવર નાખવાનો શરમજનક રેકોર્ડ ગુલબદ્દીન નાયબના નામે નોંધાયો હતો. અવિષ્કા ફર્નાન્ડોએ 300ના સ્ટ્રાઈક રેટથી 6 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગાની મદદથી 81 રન ફટકાર્યા. અવિષ્કા ફર્નાન્ડોની આ રણમાં રનનું રમખાણ મચાવ્યું હોય તેવી ઇનિંગના સહારે શારજાહની ટીમે માત્ર 2 ઓવર બાકી હતી ત્યારે 200થી વધુ રનના લક્ષ્યનો પીછો કરીને મેચ જીતી લીધી હતી.