ઈંગ્લેન્ડમાં આયોજિત 100 બોલની ક્રિકેટ ટુર્નામેન્ટ “ધ હન્ડ્રેડ” માટે હરાજીમાં કોઈ પાકિસ્તાની ખેલાડીને ખરીદનાર મળ્યો નથી. આ ડ્રાફ્ટમાં પાકિસ્તાનના 50 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી કોઈને પણ એકેય ટીમે પસંદ કર્યો નહોતો. આ યાદીમાં નસીમ શાહ, સૈમ અયુબ અને શાદાબ ખાન જેવા જાણીતા પુરુષ ખેલાડીઓનો સમાવેશ થાય છે.
ટોચની કેટેગરીમાં નસીમ શાહ અને શાદાબ ખાનનો સમાવેશ થાય છે, જેની બેઝ પ્રાઈસ 120,000 પાઉન્ડ (આશરે રૂ. 1.35 કરોડ) હતી, જ્યારે સૈમ અયુબને 78,500 પાઉન્ડ (લગભગ રૂ. 88 લાખ)ની કેટેગરીમાં મૂકવામાં આવ્યો હતો.
મહિલા ખેલાડીઓમાં આલિયા રિયાઝ, ફાતિમા સના, યૂસરા આમિર, ઈરમ જાવેદ અને જવેરિયા રઉફ જેવા નામ સામેલ હતા, તેમને પણ કોઈ ટીમે પસંદ કર્યા નહોતા.
No takers for all 50 Pakistan cricketers in Hundred Draft https://t.co/H3aqdEletW #Pakistan
— Deccan Chronicle (@DeccanChronicle) March 15, 2025
ધ હન્ડ્રેડ લીગમાં IPLની ટીમોની વધતી ભાગીદારી
“ધ હન્ડ્રેડ” લીગમાં આઠમાંથી ચાર ટીમોની માલિકી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઈઝી ધરાવે છે. અગાઉ આ લીગની તમામ ટીમો ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) ની માલિકીની હતી, પરંતુ આ સિઝનથી ઘણી IPL ફ્રેન્ચાઇઝીઓએ તેમાં હિસ્સો ખરીદ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સે “ધ ઓવલ ઈન્વિન્સીબલ્સ” ટીમમાં 49% હિસ્સો, લખનૌ સુપરજાયન્ટ્સ “માન્ચેસ્ટર ઓરિજિનલ”માં 70% હિસ્સો, દિલ્હી કેપિટલ્સ “સધર્ન બ્રેવ”માં 49% હિસ્સો અને અમેરિકન બિઝનેસમેન સંજય ગોવિલે “વેલ્શ ફાયર”માં 50% હિસ્સો ખરીદ્યો છે. સૌથી મોટો સોદો સનરાઇઝર્સ હૈદરાબાદના માલિક સન ગ્રૂપે કર્યો છે અને તેમણે “નોર્ધન સુપરચાર્જર્સ” ને સંપૂર્ણપણે હસ્તગત કરી લીધી છે.

નિષ્ણાતોનું માનવું છે કે આ હરાજીમાં પાકિસ્તાની ખેલાડીઓની અવગણનાનું મુખ્ય કારણ IPL ફ્રેન્ચાઈઝીનો વધતો પ્રભાવ છે. પાકિસ્તાની ખેલાડીઓ 2008ની પ્રથમ IPL સિઝનમાં રમ્યા હતા, પરંતુ 2009 પછી તેમને તેમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી. હવે SA20 અને ધ હન્ડ્રેડ જેવી લીગમાં IPL ટીમોની ભાગીદારી વધવાને કારણે પાકિસ્તાની ખેલાડીઓને તક મળી રહી નથી.
જોકે આમ કહેવું પણ ઉચિત નથી કે IPL ટીમોની ભાગીદારી વધવાને કારણે પાકિસ્તાની ખેલાડીઓને તક મળી રહી નથી કારણ કે તાજેતરમાં સમાપ્ત થયેલી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટોચના 15 બેટ્સમેન કે બોલરોમાં પાકિસ્તાનના એક પણ ખેલાડીનું નામ નથી જોવા મળતું.
આ હરાજી દર્શાવે છે કે હવે ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં ટીમના માલિકોનો પ્રભાવ વધી રહ્યો છે અને ખેલાડીઓની પસંદગીમાં તેમના હિત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. પાકિસ્તાની ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમનું પ્રદર્શન પણ એક પડકારજનક સ્થિતિ બની શકે છે, કારણ કે વિશ્વની ટોચની સ્થાનિક લીગ પ્રદર્શન ધ્યાનમાં રાખીને ખેલાડીને લે છે અને તેમના કારણે તેમને વિશ્વની ટોચની સ્થાનિક લીગમાં મર્યાદિત તકો મળી રહી છે. જો કે, જો તેઓ તેમના પ્રદર્શનમાં સુધારો કરે અને બોર્ડ સ્તરે નીતિગત ફેરફારો થાય, તો ભવિષ્યમાં તેમના માટે તકો ખુલી શકે છે.
