ક્રિકેટના સૌથી મોટો અને ભવ્યાતિભવ્ય ગણાતા ઉત્સવ તરીકે ઓળખાતી IPL ની આજે 18મી સિઝનનો આરંભ થવા જઈ રહ્યો છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાંના એક એવા કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાશે. ઓપનિંગ સેરેમનીબાદ તુરંત આ સિઝનની પ્રથમ મેચ KKR અને RCB વચ્ચે રમાશે.
કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં યોજાનાર ઉદ્ઘાટન સમારંભ આજે સાંજે 6 વાગ્યે શરૂ થશે અને લગભગ 35 મિનિટ સુધી ચાલશે. આ સિઝનની પ્રથમ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. સમગ્ર સિઝનમાં 10 ટીમો 65 દિવસ સુધી દેશના 13 શહેરોમાં કુલ 74 મેચ રમશે. ફાઈનલ 25 મેના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.
𝘾𝙪𝙧𝙩𝙖𝙞𝙣𝙨 𝙝𝙖𝙫𝙚 𝙗𝙚𝙚𝙣 𝙧𝙖𝙞𝙨𝙚𝙙 😍
— IndianPremierLeague (@IPL) March 22, 2025
🏆 Presenting the glittering trophy 🏆
Let the #TATAIPL 2025 show begin 🎬 pic.twitter.com/aLrl4abLfT
18 વર્ષની પુખ્ત થઈ આઈપીએલ
2008માં શરૂ થયેલી વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ આ વર્ષે 2025 માં 18 વર્ષની થઈ ગઈ છે. આરંભમાં IPL ના ભવિષ્ય ઉપર પ્રશ્નચિહ્ન કરનારા સૌને ખોટા ઠરાવીને IPL આજ લાંબી દોડ માટેનો ઘોડો સાબિત થઈ છે. IPL પછી ઘણી T20 લીગ આવી, ઘણીનું બાળ મરણ થઈ ગયું પરંતુ IPL જેટલી લોકપ્રિયતા અને આયુ અન્ય લિગ મેળવી શકી નથી.
IPLની 18મી સીઝનનો આજે થશે ભવ્ય અને ઝાકમઝોળ ભર્યો આરંભ
IPLની 18 મી સીઝનનું આજ એટલે કે શનિવારે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ પૈકીના એક એવા ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ભવ્યાતિભવ્ય અને ઝાકમઝોળ ભર્યો ઉદ્ઘાટન સમારંભ યોજાશે. ઉદ્ઘાટન સમારંભમાં બોલિવૂડ વિખ્યાત સ્ટાર્સ પણ પર્ફોર્મ કરશે એવા સમાચાર આવી રહ્યા છે. ઉદ્ઘાટન સમારંભ બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ આ સીઝનની અને પોતાની પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમશે.

બોલિવુડ સ્ટાર્સ કરશે પર્ફોર્મન્સ
બંગાળ ક્રિકેટ એસોસિએશનના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ઉદ્ઘાટન સમારંભનું સંચાલન અભિનેતા અને કોલકાતા ટીમના માલિક શાહરૂખ ખાન કરશે. પંજાબી પોપ ગાયક કરણ ઔજલા, પ્રખ્યાત પાર્શ્વગાયિકા શ્રેયા ઘોષાલ અને અભિનેત્રી દિશા પટ્ટણી ઉદ્ઘાટન સમારંભમાં પર્ફોર્મ કરવાના છે. આ ઉપરાંત પાર્શ્વગાયક અરિજીત સિંહ, અભિનેતા વરુણ ધવન અને અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ પરફોર્મ કરશે ચર્ચા ચાલી રહી છે. એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે બોલીવુડ અભિનેતા સલમાન ખાન પોતાની નવી ફિલ્મ ‘સિકંદર’ના પ્રમોશન માટે ઈડન ગાર્ડન્સ આવી રહ્યો છે.

વરસાદ બની શકે છે વિલન
આજે જ્યારે આઇપીએલની 18 મી સિઝનનો આરંભ થઈ રહ્યો છે ત્યારે કોલકાતાનું વાતાવરણ વિલન બને તેવી શંકાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગે શનિવારે કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. કોલકાતાનું આકાશ છેલ્લા બે દિવસથી વાદળછાયું છે અને ઝરમર વરસાદ પણ પડી રહ્યો છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને દિવસભર પિચ ઢંકાયેલી રાખવામાં આવી રહી છે અને ઈડન ગાર્ડન્સના ક્યુરેટર સુજાન મુખર્જી પોતાની ટીમ સાથે સંપૂર્ણપણે સતર્ક છે.