વર્તમાન વિશ્વમાં કાન વગરના મનુષ્ય જીવનની જરા કલ્પના કરી શકાતી નથી અને કરીએ તો ખબર પડે કે જીવન કેટલું એકલું અટુલુ લાગશે. ચહેરો પણ કેવો વિચિત્ર લાગશે. દરેક વ્યક્તિ જાણે છે કે કાન આપણા બધા માટે કેટલા મહત્વપૂર્ણ છે. પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણા બે કાનની ઉત્પત્તિ કેવી રીતે થઈ હશે?
વિજ્ઞાન (Science) સતત નવી થિયરીઓ અને તેને લગતા તર્ક મુજબની શોધો કરતું જ રહે છે. હવે મનુષ્યના કાન વિશે વૈજ્ઞાનિકોએ ચોંકાવનારી શોધ કરી છે. વૈજ્ઞાનિકોએ નવા સંશોધનમાં આ ચોંકાવનારી વાત કહી છે તે મુજબ, મનુષ્યના બાહ્ય કાન લાખો વર્ષો પહેલા માછલીઓના ગિલ્સ સાથે સંબંધ ધરાવતા હોઈ શકે છે. આ અભ્યાસ મુજબ, માછલીની ગિલ્સની કોમલાસ્થિ (Cartilage) સમયાંતરે વિકસિત થઈ અને આપણા કાનનો એક ભાગ બની ગઈ.
મનુષ્યના કાન અને માછલીની ગિલ્સ વચ્ચે સીધો સંબંધ
યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના પ્રોફેસર ગેજ ક્રમ્પ અને તેમની ટીમે આ ચોંકાવનારું સંશોધન કર્યું છે. તેણે કહ્યું કે મનુષ્યના બાહ્ય કાન કેવી રીતે વિકસિત થયા… તે અત્યાર સુધી રહસ્ય હતું. પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આપણા કાનનો આધાર પ્રાચીન માછલીઓમાં જોવા મળે છે.
માછલીના ગિલ્સમાં ખાસ કોમલાસ્થિ જોવા મળ્યા
મનુષ્યના બાહ્ય કાન અને અન્ય સસ્તન પ્રાણીઓના કાન એક ખાસ પ્રકારના કોમલાસ્થિ (Cartilage) થી બનેલા છે. જેને ‘ઈલાસ્ટીક કાર્ટિલેજ’ કહે છે. તે અન્ય કોમલાસ્થિ કરતાં વધુ લચીલા છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે આ સ્થિતિસ્થાપક કોમલાસ્થિ માછલીઓના ગિલ્સમાં પણ જોવા મળે છે.
The outer ear is a mammalian innovation but where did it come from? In our study in @Nature, @MathiThiru95 and colleagues find that the outer ear arose from modification of an ancestral gill program first originating in marine invertebrates. https://t.co/i05me2SXI4
— Crump Lab (@CrumpLab) January 9, 2025
1/n pic.twitter.com/pYxa9q1xN8
જીન એડિટિંગ દ્વારા પ્રાપ્ત થઈ નવી માહિતી
વૈજ્ઞાનિકોએ જીન એડિટિંગ તકનીકનો ઉપયોગ માછલીના ગિલ્સ અને માનવ કાન વચ્ચે શું જોડાણ છે તે શોધવા માટે કર્યો હતો. તેમણે જોયું ઝેબ્રા માછલી અને એટલાન્ટિક સૅલ્મોન જેવી માછલીની પ્રજાતિઓમાં માનવના બાહ્ય કાન જેવી જ સ્થિતિસ્થાપક કોમલાસ્થિ ઉપસ્થિત છે. ત્યાર બાદ વૈજ્ઞાનિકોએ ઉંદરમાં માછલીનું જનીન દાખલ કર્યું અને પરીક્ષણ કર્યું કે આ કોમલાસ્થિ કાનના વિકાસને કેવી રીતે અસર કરે છે.

31.5 કરોડ વર્ષ પહેલા શરૂ થયું હશે પરિવર્તન
આ સંશોધનમાં એ વાત પણ સામે આવી કે ઈલાસ્ટીક કોમલાસ્થિનો વિકાસ 31.5 કરોડ વર્ષ પહેલા શરૂ થયો હતો. તે સમયે, આ કોમલાસ્થિ ધીમે ધીમે માછલીના ગિલ્સમાંથી બહારના કાન તરફ વિકસિત થવા લાગી. આ પ્રક્રિયા સરિસૃપ અને ઉભયજીવી પ્રાણીઓમાં પણ જોવા મળી હતી.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ શોધ માનવ ઉત્ક્રાંતિની સફરને સમજવામાં મદદ કરે છે. તેમણે સમજાવ્યું કે કેવી રીતે સમાન માળખું વિવિધ કાર્યો કરવા માટે સમય જતાં વિકસિત થઈ શકે છે. માછલીના ગિલ્સમાંથી કાનની રચનાની આ પ્રક્રિયા દર્શાવે છે કે કુદરત કેવી રીતે નવા અવયવો નિર્માણ કરે છે.