તેલ અને ગેસનો ભંડાર ધરાવતા કુવૈત અને આરબ દેશો ભારતમાંથી અનેક ટન ગાયનું છાણ આયાત કરી રહ્યા છે. થોડા સમય પહેલા કુવૈતે ભારતને 192 મેટ્રિક ટન ગાયના છાણનો ઓર્ડર આપ્યો હતો, જે હવે પૂરો પણ થઈ ગયો છે. એ જ રીતે અન્ય આરબ દેશો પણ ભારતમાંથી મોટા પ્રમાણમાં ગાયના છાણની આયાત કરી રહ્યા છે. પરંતુ કુવૈત અને આરબ દેશો ભારતમાંથી આટલું બધું ગાયનું છાણ કેમ આયાત કરી રહ્યા છે?
કુવૈત અને આરબ દેશો ભારતથી ગાયનું છાણ કેમ આયાત કરે છે?
કૃષિ વૈજ્ઞાનિકોને એક સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે ગાયના છાણનો પાવડરના રૂપમાં ઉપયોગ કરવાથી ખજૂરનો પાક સારો થઈ રહ્યો છે. ગાયના છાણના પાવડરનો ઉપયોગ કરવાથીથી ખજૂરના ફળોના કદ અને ઉત્પાદન જથ્થામાં સારો વધારો જોવા મળ્યો હતો. જ્યારથી આ ખબર પડી ત્યારથી કુવૈત અને અરબ દેશોમાં ગાયના છાણની માંગ વધી છે અને આ દેશોમાં ભારતમાંથી ગાયના છાણની નિકાસ કરવામાં આવે છે.
ભારતમાં ગાયના છાણનું કેટલું ઉત્પાદન થાય છે?
ભારતમાં લગભગ 30 કરોડ પશુઓ છે. જે દરરોજ લગભગ 30 લાખ ટન છાણ આપે છે. ભારતમાં ગાયના છાણનો ઉપયોગ મુખ્યત્વે છાણા બનાવીને બળતણ તરીકે કરવામાં આવે છે. જો કે, ચીન અને બ્રિટન જેવા ઘણા દેશોમાં ગાયના છાણ દ્વારા વીજળી અને ગોબર ગેસનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત ગાયના છાણનો ઉપયોગ ખાતર તરીકે પણ કરવામાં આવે છે.
ગાયના છાણની કિંમત શું છે?
જો કે ગાયના છાણની કિંમત ઘણી ઓછી છે, પરંતુ હાલના સમયમાં ગલ્ફ દેશોમાં તેના વપરાશનો ટ્રેન્ડ વધ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગાયનું છાણ 30 થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. જો કે આગામી સમયમાં તેની માંગ વધશે તો તેની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે.
કુવૈત અને અન્ય ગલ્ફ દેશોમાંથી ગાયના છાણની વધતી માંગ વિશ્વભરમાં કૃષિ ક્ષેત્રે ગાયના છાણના વધતા મહત્વને દર્શાવે છે. જેમ જેમ સંશોધન પાકની વૃદ્ધિ માટે, ખાસ કરીને ખજૂર માટે ગાયના છાણના ફાયદાઓને પ્રતિપાદીત કરતું રહ્યું છે, તેમ તેમ ગાયના છાણના સપ્લાયર તરીકે ભારતની ભૂમિકાનું વિસ્તરણ થવાની સંભાવના છે. કિંમતો વધવા સાથે, ગાયનું છાણ સ્થાનિક સંસાધન અને વૈશ્વિક કૃષિ સંપત્તિ બની રહ્યું છે. ગાયના છાણની નિકાસ વૃદ્ધિ ગલ્ફ રાષ્ટ્રો સાથેના સંબંધોને તો મજબૂત બનાવશે જ સાથે સાથે ભારતના અર્થતંત્રને વેગ આપશે તેવી અપેક્ષા છે.