- જુલાઈ ’20 મહિનામાં સરકારે આપી સૈદ્ધાંતિક મંજુરી
- બ્રહ્મપુત્રા નદી નીચેથી પસાર થશે ટનલ
- નદી નીચેથી પસાર થતી સૌથી લાંબી ટનલ
- અરૂણાચલ પ્રદેશ અને અસમ વચ્ચે અંતર ઘટશે
સરકારે આપી સૈદ્ધાંતિક મંજુરી
દેશમાં નદી નીચેથી પસાર થતી 14.85 કિલોમીટર લાંબી સૌપ્રથમ ટનલને ભારત સરકાર દ્વારા ગત જુલાઈ મહિનામાં સૈદ્ધાંતિક મંજુરી આપી છે.
ચીન સરહદ પર ઇન્ફ્રાસ્ટ્રકચર નિર્માણમાં આવી ઝડપ
ભારત સરકાર દ્વારા સરહદે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનું કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યું છે. ભારત ચીન વચ્ચે સૌથી લાંબી સરહદ ધરાવે છે તથા આ સરહદ લાંબી તથા પહાડ, જંગલ, નદી, નાળાઓથી ભરપુર હોઈ ભારત ચીન સરહદે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ ખુબ જ જરૂરી છે. 2018 માં ભારત દ્વારા બ્રહ્મપુત્રા નદી ઉપર બોગીબિલ પુલનું નિર્માણ પુરું કરી દેવામાં આવ્યું હતું જે વ્યુહાત્મક રીતે સૈન્યને માટે ઘણું જ મહત્વપૂર્ણ છે.

બોગીબીલ પુલ બાદ ભારત બનાવશે નદીની નીચે 14.85 કિલોમીટર લાંબી ટનલ
ભારત સરકાર દ્વારા સૈદ્ધાંતિક રીતે મંજૂર કરવામાં આવેલી યોજના હેઠળ બ્રહ્મપુત્રા નદી નીચે 14.85 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે. ચાર માર્ગીય ટનલ આસામના ગોહપુર અને નુમાલીગઢ નગરોને સીધા જોડશે. આ ટનલ દ્વારા આસામ અને અરૂણાચલ પ્રદેશ વચ્ચે અંતર ઘટાડી શકાશે.
બ્રહ્મપુત્રા નદી નીચેથી પસાર થતી ટનલનું વ્યુહાત્મક મહત્વ
14.85 કિલોમીટર લાંબી આ ચાર માર્ગીય ટનલમાં લગભગ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પરિવહન થઈ શકશે. ટનલ તૈયાર થતા સૈન્યના વાહનો, હથિયારો, હથિયારોથી સજ્જ વાહનોનું પરિવહન ઝડપી બનશે.
NHAIDCL તથા અમેરિકન કંપની સાથે મળીને બનાવશે ટનલ

ભારતના નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અમેરિકન કંપની લુઈસ બર્જર સાથે રહીને આ ટનલ તૈયાર કરશે જે સૌથી લાંબી હશે. લુઈસ બર્જર કંપની દ્વારા આ ટનલને લગતો પ્રી-ફિઝીબલીટી રિપોર્ટ તથા ડીપીઆર તૈયાર કરી લેવામાં આવ્યો છે.
નદીની નીચેથી પસાર થતી સૌથી લાંબી ટનલ
ભારત દ્વારા બ્રહ્મપુત્રા નદી નીચેથી પસાર થતી 14.85 કિલોમીટર લાંબી ફોર લેન ટનલ સૌથી લાંબી ટનલ હશે. આ પહેલા ચીનના જિયાંગશુ પ્રાંતના તૈહુ સરોવર નીચેથી પસાર થતી 10.79 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવી હતી જે સૌથી લાંબી પાણી નીચેથી પસાર થતી ટનલ ગણાય છે.
ક્યારે શરૂ થશે ટનલનું બાંધકામ ?
અરૂણાચલ પ્રદેશ, આસામની ભારત ચીન સરહદ સૈન્ય પરિવહનને ઝડપી બનાવવા માટે વ્યુહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાય એવી આ ટનલનું બાંધકામ ત્રણ તબક્કામાં કરવામાં આવશે જે લગભગ ડિસેમ્બર 2020થી શરૂ થશે અને ત્રણ વર્ષમાં પુરું કરાશે એવી જાણકારી મળી રહી છે.