ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં અવકાશ-ક્ષેત્રે અભિયાનોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ શ્રેણીમાં ગગનયાન મિશન (Gaganyaan Mission) ને સફળ બનાવવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ISRO એ આ મિશન માટે આંધ્ર પ્રદેશમાં ઈસરોના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં હ્યુમન રેટેડ લોન્ચ વ્હીકલ માર્ક-3 (HLVM3) એસેમ્બલ કરવાનું શરૂ કરી દીધું છે.
દેશના મહત્વાકાંક્ષી ગગનયાન હ્યુમન સ્પેસફ્લાઇટ મિશન હેઠળ આ પ્રથમ ક્રુ વગરના મિશનની શરૂઆત છે. ISRO એ S200 સોલિડ રોકેટ મોટરને નોઝલ એન્ડ સેગમેન્ટ્સના સ્ટેકીંગ સાથે એસેમ્બલ કરવાનું શરૂ કર્યું છે. HLVM3 ખાસ કરીને માનવ અવકાશ ઉડાન માટે રચાયેલ છે. અંદાજે 53 મીટર ઊંચાઈ અને 640 ટન વજન ધરાવતું આ LVM3 રોકેટનું અદ્યતન સંસ્કરણ છે. ત્રણ તબક્કાનું રોકેટ લગભગ 10 ટનનો લોડને લો અર્થ ઓર્બિટમાં લઈ જવા સક્ષમ છે. તેમાં હ્યુમન-રેટેડ ડિઝાઇન તેમજ પરત આવતી વખતે કોઈ ખામી સર્જાય તો ક્રૂ મોડ્યુલને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય તે માટે ક્રૂ એસ્કેપ સિસ્ટમ (CES) પણ સામેલ છે.
ભારત 2035 સુધીમાં અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાની પણ યોજના ધરાવે છે. ગયા અઠવાડિયે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે આ સ્ટેશનનું નામ ‘ભારત સ્પેસ સ્ટેશન’ હશે. તેમણે કહ્યું કે, “આપણું પોતાનું સ્પેસ સ્ટેશન બનવા જઈ રહ્યું છે. તેને ભારત સ્પેસ સ્ટેશન કહેવામાં આવશે. તેનું નિર્માણ 2035 સુધીમાં પુરુ કરવામાં આવશે. આપણે 2040 સુધીમાં ચંદ્ર પર ભારતીયને ઉતારી શકીશું.” દેશના પ્રથમ માનવ સહિત અવકાશ ઉડાન મિશન ગગનયાન (Gaganyaan) અંગે સિંહે કહ્યું કે 2026ની શરૂઆતમાં આ મિશન હેઠળ પ્રથમ ભારતીય અવકાશયાત્રીને અવકાશમાં મોકલવામાં આવશે. છેલ્લા એક દાયકામાં ભારતે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી 397 વિદેશી ઉપગ્રહો લોન્ચ કર્યા છે.
તાજેતરમાં ISROના વડા, એસ સોમનાથે કહ્યું હતું કે દેશના એસ્ટ્રોનોટ મિશન પહેલાં ઘણી માનવ રહિત ટેસ્ટ ફ્લાઇટ્સ હાથ ધરવામાં આવશે. ગગનયાન મિશનની તૈયારીને લઈને ઈસરો સંપૂર્ણ સાવધાની રાખી રહ્યું છે. આ મિશન સાથે ભારત અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બની જશે. આ મિશનમાં એક કે બે અવકાશયાત્રીઓને પૃથ્વીથી લગભગ 400 કિલોમીટર ઉપર લો અર્થ ઓર્બિટમાં લઈ જવામાં આવશે.