ગણેશ ઉત્સવનો ઈતિહાસ ઘણો પ્રાચીન છે. ગણેશજીને વિઘ્નોનો નાશ કરનાર માનવામાં આવે છે. તેનું પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ છે. આ ઉત્સવની શરૂઆત છત્રપતિ શિવાજી મહારાજે પુનામાં કરી હતી. શિવાજી મહારાજે ખૂબ જ ઉત્સાહ સાથે ગણેશોત્સવની શરૂઆત કરી હતી, તેમણે આ ઉત્સવ દ્વારા જનજાગૃતિ ફેલાવી હતી. એવું કહેવાય છે કે કસ્બા ગણપતિના નામથી પ્રસિદ્ધ ગણપતિની સ્થાપના શિવાજી મહારાજનાં માતા જીજાબાઈએ કરી હતી. જોકે સમય જતા આ તહેવારની ઉજવણી નબળી પડતી ગઈ અને તે ફક્ત મંદિરો અને રાજવી પરિવારો પૂરતી સીમિત રહી.
સ્વાધીનતાના પ્રણેતા લોકમાન્ય તિલક, સાર્વજનિક ગણેશોત્સવની પરંપરાથી ખૂબ પ્રભાવિત હતા અને 1893માં તેને સ્વાધીનતાનો દીવો પ્રગટાવતા પોતાના સામયિક ‘કેસરી’માં દર્શાવવામાં આવ્યો હતો. તેમણે તેમના સામયિક ‘કેસરી’ના કાર્યાલયમાં તેની સ્થાપના કરી અને લોકોને તેમની પૂજા-અર્ચના કરવા વિનંતી કરી, જેથી રાષ્ટ્રની સ્વાધિનતામાં આવતા અવરોધોનો નાશ થાય. તેમણે શ્રી ગણેશજીને લોકોના ભગવાન તરીકે સંબોધ્યા. લોકોએ આ બદલાવ ખૂબ જ ઉત્સાહથી સ્વીકાર્યો, ત્યારબાદ ગણેશ ઉત્સવ જન આંદોલનનું માધ્યમ બની ગયો. લોકમાન્ય બાલ ગંગાધર ટિળકે ગણેશોત્સવને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બનાવ્યો. લોકમાન્ય ટિળકના આ પ્રયાસ પહેલાં ગણેશપૂજા પરિવાર સુધી સીમિત હતી. ગણેશપૂજાને લોકમાન્ય ટિળકે સાર્વજનિક મહોત્સવમાં પરિવર્તિત કર્યો એટલું જ નહીં ગણેશોત્સવને માત્ર ધાર્મિક કર્મકાંડ સુધી જ સીમિત ન રાખી તેને સ્વાધીનતાની લડાઈ, અસ્પૃશ્યતા અને ઊંચનીચના ભેદ દૂર કરવા અને હિંદુ સમાજનું એકત્રિકરણ કરવા તથા સામાન્ય વ્યક્તિને ભક્તિ, જ્ઞાન અને સ્વાધિનતા સાથે જોડવાનું માધ્યમ બનાવ્યો. ટિળકજીએ 1893માં ગણેશોત્સવને સાર્વજનિક રૂ૫ આપ્યું.
લોકમાન્ય તિલકે ‘કેસરી’ પત્રમાં (તારીખ 26 સપ્ટેમ્બર, 1893) આનંદપૂર્વક લખ્યું કે “આ વર્ષે અહીં ગણપતિને પધરાવવાની વિધિ દર વર્ષની સરખામણીએ વધુ અસામાન્ય છે અને વધુ સાર્વજનિક બની છે.ગણપતિને સર્વ જ્ઞાતિ, જાતિના હિંદુઓ પૂજે છે ત્યારે ગણપતિ આગમનનો આ સમારંભ સાર્વજનિક થતા અનાયાસે જ સમગ્ર હિન્દૂ સમાજમાં એકસાથે આવવાની જે પ્રવૃત્તિ શરુ થઈ છે તેને વેગ મળશે. આ સાર્વજનિક ગણેશ ઉત્સવમાં જે ગૃહસ્થોએ આગળ રહીને કાર્ય કર્યું છે એમનો આભાર માનવો જોઈએ.’
વીર સાવરકરે ગણેશોત્સવ વિશે લખ્યું છે કે ગણેશોત્સવનો ઉપયોગ સ્વાધીનતાની લડાઈ માટે થઈ રહ્યો છે એવી વાત આખા મહારાષ્ટ્રમાં ફેલાઈ ગઈ હતી. પછી નાગપુર, વર્ધા, અમરાવતી વગેરે શહેરોમાં પણ ગણેશોત્સવે સ્વાધીનતાનું નવું જ આંદોલન છેડી દીધું. ગણેશોત્સવથી લોકોમાં આવેલી એકતાએ બ્રિટિશરોને ચિંતામાં નાખી દીધા હતા, અંગ્રેજો પણ ભારતીય સમાજમાં આવી રહેલા જાગરણ અને ભેદ દૂર કરી એકત્રિત થવાની ભાવનાથી ગભરાઈ ગયા. એક રિપોર્ટમાં આ બાબત ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. તેમાં લખાયું હતું કે ગણેશોત્સવ દરમિયાન યુવાનોની ટોળીઓ અંગ્રેજ શાસન વિરોધી ગીતો ગાતી ગાતી શહેરમાં ફરે છે, શાળાનાં બાળકો લોકોમાં જાગરણ માટેની પત્રિકાઓ વહેંચી રહ્યાં છે.
લોકમાન્ય ટિળકે ગણેશોત્સવને સામાન્ય ભારતીયો સાથે જોડીને તેમને સ્વાધીનતા મેળવવા માટે જનચેતનાને જાગૃત કરવાનું માધ્યમ બનાવ્યું અને તેમાં તેઓ સફળ રહ્યા. વીર સાવરકર, લોકમાન્ય ટિળક, નેતાજી સુભાષચંદ્ર બોઝ, બરિસ્ટર જયકર, રેંગલર પરાંજપે, પંડિત મદન મોહન માલવીય, મૌલીચંદ્ર શર્મા, બરિસ્ટર ચક્રવર્તી, દાદાસાહેબ અને સરોજિની નાયડુ જેવા રાષ્ટ્રીય નેતાઓ ગણેશોત્સવમાં ભાષણો આપતાં હતાં. વર્તમાનમાં માત્ર મહારાષ્ટ્રમાં જ 50 હજાર કરતાં પણ વધારે સાર્વજનિક ગણેશોત્સવ મંડળો છે. સમગ્ર મહારાષ્ટ્ર આ તહેવારનું કેન્દ્રબિંદુ છે, પરંતુ હવે દેશના દરેક ભાગમાં પણ આ તહેવાર ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાય છે અને દેશને એકસસૂત્રતાના તારથી જોડે છે.