Spread the love

કચ્છીઓનું નવું વર્ષ અષાઢી બીજ તેમજ જગન્નાથ અને કર્ણાવતીની રથયાત્રાનો અનોખો ઇતિહાસ

હિમાદ્રી આચાર્ય દવે

અષાઢ, અષાઢ મહિનો એટલે ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકોને રાહત આપવા ખુશનુમા વાતાવરણની ભેટ લઈને આવતો, ઉનાળાની લૂ અને વંટોળિયા વચ્ચે સુકીભઠ્ઠ, મેલીઘેલી થઈ ગયેલી ધરતીને પોતાનું અસલનું સ્વરૂપ પરત કરવા અનરાધાર વરસાદની હેલી લઇને ધરતીને નવડાવી જાણે ધરતીને લીલીછમ્મ ચાદર ઓઢાડવા આવેલો મહિનો. અષાઢ એટલે ખેતરોમાં વાવણીની ઋતુ અને પ્રાણીઓનો પ્રજનનકાળ એટલે કે નવસર્જનનો મહિનો. અષાઢ મહિનો એટલે કવિ કાલિદાસ, અલકાપુરી, યક્ષ અને તેની વિરહિણીને અંજલિ આપવા નિમિત્તે જગતભરના પ્રેમીઓની સંવેદનાને વાચા આપતો મહિનો. અષાઢ મહિના એટલે હર્ષોલ્લાસ સાથે શરૂ થતાં હિન્દુ તહેવારોનું પ્રવેશદ્વાર, ચાતુર્માસનો પ્રારંભ, જગતજનની મા દુર્ગાના સાધકો, તંત્રવિદ્યાના સિદ્ધપુરુષો માટે ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ… એક બાજુ જ્યાં દેવશયની એકાદશીના દિવસથી સમગ્ર ક્રિયાકાંડ, વિધિવિધાનના કાર્યો બંધ થાય છે ત્યાં બીજી તરફ સંખ્યાબંધ તહેવારોની હારમાળાની શરૂઆત, જાણે ઈશ્વર પોતાના બાળકોને પોતાની ભક્તિમાંથી થોડા નિવૃત્ત કરીને પ્રકૃતિ અને સંસ્કૃતિને માણવાના અવસર પૂરો પાડે છે. 

અષાઢ મહિનો. એટલે કચ્છીઓના નવા વર્ષ અષાઢી બીજ, ઉત્તર ભારતના ત્રીજ તહેવારો, દેવશયની એકાદશી, ગૌરી વ્રત કે જયા પાર્વતી, મોળાવ્રત, ગુરુપૂર્ણિમા કે વ્યાસ જયંતી, એવરત-જીવરત… અનેક તહેવારો લઈને આવતા અષાઢ મહિનામાં, અને તેના પછી આવનાર શ્રાવણના આગમનની સુખદ પ્રતિક્ષામાં લોકોમાં ઉત્સાહની લાગણી હિલ્લોળે ચડે છે. એમાંય અષાઢી બીજ તો ત્રણ-ત્રણ લોકોત્સવને લઇને આવે છે. કચ્છીઓનું નવું વર્ષ, જગન્નાથ પુરીની રથયાત્રા અને કર્ણાવતી (અમદાવાદ)ની રથયાત્રા….

કચ્છડો બારેમાસ…. અષાઢી બીજ

કચ્છ,

કચ્છને સંભારતાં જ રંગબેરગી-ભાતીગળ સંસ્કૃતિ સાથોસાથ શુદ્ધ ઘીની કચ્છી મીઠાઈઓ જેવી જ મધુ નીતરતી, રસ ઝરતી સુકાભઠ્ઠ રણની લીલીછમ્મ કચ્છી પ્રજાનું સ્મરણ થઈ આવે. જાંબાઝ દરિયાખેડુ, દિલાવર દાતારો, સાહસિક વેપારીઓની ભૂમિ કચ્છ… ભગ્ન ખંડિયર સમ થઈ ગયેલા નગરોને ભવ્યતાની કક્ષાએ લઈ જવાની વિકાસની ગાથા એટલે કચ્છ… આધુનિકતાને આવકાર સાથોસાથ પરંપરા, લોકસંસ્કૃતિને આજ પણ પોતાના શ્વાસમાં ધબકતી રાખનાર કચ્છ….

 અનેક આગવી વિશેષતા ધરાવતો હોવા છતાં, જ્યાં ગુજરાત અને ગુજરાતીપણાની અસ્મિતા પૂરેપૂરી જળવાયેલી છે એ, જિલ્લો ઍટલે કે ગુજરાતમાં આવેલો કચ્છ જિલ્લો અને કચ્છીઓ અષાઢીબીજને નવા વર્ષ તરીકે ઉજવે છે તેની પાછળ એક કરતાં વધુ એટલે કે અનેક રસપ્રદ વાતો છે.

 ગુજરાતમાં મૂળરાજના સમકાલીન એવા લાખો ફુલાણી કચ્છના એક સમર્થ પ્રગતિશીલ અને વિચારવંત રાજવી હતા. મહાન દાનેશ્વરી, પ્રજાવત્સલ તેમજ પ્રકૃતિ પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને પ્રેમ ધરાવનાર આ રાજવીના માનસમાં અનેકોનેક સર્જનાત્મક અને ચિંતનાત્મક વિચારો આવતા. એકવાર એમને વિચાર આવ્યો કે આ પૃથ્વીનો છેડો ક્યાં હશે? અને તેમના વિચારોને/સવાલોને યોગ્ય સમાધાન આપવા તેઓ સૃષ્ટિભ્રમણ પર ચાલી નીકળ્યા. લાખાજીના આ પ્રયાસને લોકો ‘સૂરજની’ના નામથી ઓળખે છે. લાંબી શોધખોળને અંતે પણ તેમના મનમાં સતત ઘૂમરાતા આ સવાલનો કોઈ જવાબ પ્રાપ્ત થયો નહીં અને અંતે તેઓ નિરાશ વદને પાછા ફર્યા. તે સમયે અષાઢ માસ શરૂ થયેલો અને અનરાધાર વરસાદના કારણે પ્રકૃતિનું રૂપ ખીલી ઉઠ્યું હતુ. ચોમેર ખીલી ઊઠેલી હરિયાળી અને આહ્લાદક શીતળતામાં તેઓનું મન અતિ પ્રસન્ન થઈ ગયું અને જાણે કે તેમને તેમના સવાલનો તાર્કિક નહિ પણ તાત્વિક જવાબ મળી ગયો કે, જ્યાં મનને રાહત મળે , જ્યાં ચિત્ત પ્રસન્ન થઇ ઊઠે એ જ પૃથ્વીનો છેડો! અને તેમણે પોતાની આ પ્રસન્નતાની ઉજવણી રૂપે કચ્છનું નવું વર્ષ અષાઢી બીજથી શરુ કરવા સમગ્ર કચ્છમાં ફરમાન મોકલ્યું. આમ, લગભગ અગયારસો વર્ષથી અષાઢી બીજ ધામધૂમથી કચ્છમાં ઉજવાય છે. અમુક મત મુજબ, જામ રાયધણજીને કચ્છની ગાદી મળી અને ગુરુ ગોરખનાથે તેમને મંત્રદીક્ષા આપી એ દિવસ હતો અષાઢી બીજનો. એટલે ત્યારથી અષાઢીબીજે નવું વર્ષ ઉજવવાની શરુઆત થઈ એવું કહેવાય છે. એક વાત એવી છે કે ભુજની સ્થાપનાનાં સમયથી આષાઢીબીજને નવા વર્ષ તરીકે ઉજવાય છે. અન્ય મત મુજબ, પિતાએ કોઈ કારણોસર આપેલો દેશવટો આપ્યા બાદ લાખો ફુલાણી કચ્છ છોડી પાટણ તરફ વસ્યા. આ તરફ તેમના ગયા પછી, કચ્છમાં અભૂતપૂર્વ દુષ્કાળ પડ્યો. સતત હોનારત સર્જાવા લાગી. રાજ પરિવારના વડીલો મૃત્યુ પામ્યાં. વરસાદ તો લાખાની હકાલપટ્ટીથી જેમ કે વરસાદ રિસાઈ ગયો હોય તેમ કચ્છનો રસ્તો જ ભૂલી ગયો. ખેડૂતો બેહાલ થયાં. પશુપાલકો કાઠિયાવાડ તેમજ સિંધમાં ઉતરી ગયાં કચ્છના રાજવી પરિવારના કુંવરો નિસ્તેજ પુરવાર થયાં. લોકોને થયુ કે કચ્છનું ભવિષ્ય લાખોકુમારના હાથમાં જ સુરક્ષિત રહેશે. તેથી તેમણે લાખાને કહેણ મોકલ્યાં. કચ્છના આવા સમાચાર સાંભળી, કચ્છની પ્રજાના કહેણ પર લાખાકુમાર વતનમાં પરત થયાં. લાખાકુમારના આગમન સાથે જ કચ્છની સુક્કીભઠ ધરતી પર અનરાધાર વરસાદ થયાં. ધરતી હરિયાળી થઈ ખીલી ઉઠી. પશુપાલકો પાછા ફર્યા. લાખો કુમાર પરત ફર્યા એ દિવસ કહેવ અષાઢનો પહેલો દિવસ હતો. અને તેના બીજા દિવસે કચ્છની હેતાળ પ્રજાએ, માલધારીઓએ લાખાનો રાજા પદે સ્વીકાર કર્યો. આ ઘટનાના પરિણામ રુપે અષાઢી બીજ ઉજવાય છે. વળી અમુક વિદ્વાનોનું માનવું છે કે, અષાઢ મહિનો બેસતાં જ દરિયાખેડુઓ દરિયો ખેડીને પાછાં આવે છે. તેમના આગમનથી થતાં આનંદ-ઉલ્હાસની ઉજવણી રુપે આ દિવસે નવું વર્ષ ઉજવવાની પરંપરા શરુ થઇ.

કચ્છી પરંપરામાં, જુના સમયમાં આ દિવસે નવા સિક્કા બહાર પાડવામાં આવતાં. રાજાશાહી વખતમાં 562 રજવાડા માંથી ફક્ત 13 રજવાડાઓને સિક્કા બહાર પાડવાની મંજૂરી હતી એ એમાંના ઍક, કચ્છ રજવાડાની ટંકશાળમાં કચ્છ રાજ્યનું તત્કાલીન ચલણી નાણું છપાતું અને દર અષાઢીબીજે નવા સિક્કા તેમજ નવું પંચાંગ બહાર પાડવામાં આવતાં. ઉપરાંત કચ્છના રાજવી અષાઢી બીજે ભુજનાં હમીરસર તળાવેથી રાજાને સત્તર તોપની સલામી આપવામાં આવતી, શહેરમાં નગરયાત્રા નીકળતી, દરબાર ભરાતો જેમાં રાજા માટે યથાશક્તિ ભેટસોગાદો લઈ સૌ નગરજનો આવતાં. આજે તો આ પરંપરા ફક્ત ઇતિહાસના પાને છે. અલબત્ત, કચ્છી માડુઓ વિશે કહેવાય છે કે,

કચ્છડો ખેલે ખલક મેં, જીં મહાસાગર મેં મચ્છ.

જિત હિકળો કચ્છી વસે, ઉત્તે ડિયાણી કચ્છ

જગન્નાથ પુરી

ભારત, સનાતન પરંપરા, અધ્યાત્મ અને જ્ઞાનની ભૂમિ, સાત્વિકતાની ભૂમિકા પર સાયુજ્ય, સહકાર, શાંતિ, શ્રદ્ધા, શ્રમ, કર્મનો મર્મ સમજાવી જગત આખાને ગીતાના જ્ઞાનનું અમૃતપાન કરાવનાર જગતગુરુ, યોગેશ્વર શ્રીકૃષ્ણની ભૂમિ. ભારતવર્ષના પશ્ચિમી સમુદ્ર કિનારાના છેવાડે દ્વારિકા નગરીના રાજા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશ સ્વરૂપે પૂજાય છે તો ભારતના પૂર્વીય સમુદ્રકિનારે, ઓડીસ્સામાં, ચારધામમાંના એક પુરીના જગન્નાથ મંદિરમાં ભગવાન વિષ્ણુના અવતાર જગન્નાથ સ્વરૂપે પૂજાય છે. જગન્નાથ એટલે રાધા-કૃષ્ણનું યુગલ સ્વરૂપ એમ પણ માનવામાં આવે છે. જગન્નાથ અહીં મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે.

રથયાત્રાની પરંપરા અને દંતકથાઓ

જગન્નાથની રથયાત્રાનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે. બ્રહ્મપુરાણ, પદ્મપુરાણ અને સ્કંદપુરાણમાં આ રથયાત્રાનું વર્ણન છે. કપિલ સંહિતામાં પણ રથયાત્રાનો ઉલ્લેખ મળે છે. આ રથયાત્રા પાછળની અનેક દંતકથાઓ છે. એક દંતકથા મુજબ પૂરીમા વસેલ સુભદ્રા ભાઈ શ્રીકૃષ્ણ સમક્ષ દ્વારકાનગરીનું દર્શન કરવાની ઈચ્છા દર્શાવે છે ત્યારે ભગવાન જગન્નાથ એમને દ્વારિકાના બદલે પુરીના દર્શનાર્થે લઈ જાય છે એ નિમિત્તે રથયાત્રા કાઢવામાં આવે છે. બીજી એક દંતકથા મુજબ પુરીના નાથ, જગન્નાથ તેમની પ્રજાના દુઃખદર્દ જોવા, તેમને સમજવા નગરમાં નીકળે છે. એક દંતકથા એવી પણ છે કે દ્વારિકામાં કૃષ્ણની રાણીઓ રાજમાતા રોહિણીને ફરિયાદ કરે છે કે અમે તન, મનથી કૃષ્ણમય છીએ તેમ છતાં કૃષ્ણ રાધા માટે જ કેમ વિશેષ પ્રીતિ ધરાવે છે. રોહિણી રાણીઓના મનનું સમાધાન કરવા તૈયાર થાય છે. પણ શરત એટલી છે કે રાણીઓએ ધ્યાન રાખવાનું છે કે કૃષ્ણ અને બલરામ આ વાત સાંભળી ન જાય. રાણીઓ આ માટે પૂરી તકેદારી રાખે છે પણ બહારથી પરત ફરેલા કૃષ્ણ અને બલરામ યેનકેન પ્રકારે માતા રોહિણીને રાધાકૃષ્ણના દિવ્યપ્રેમ- ચરિત્રનું વર્ણન કરતાં સાંભળી જાય છે અને રોમાંચિત થઈ અનન્ય પ્રેમભાવમાં ડૂબી જાય છે ત્યારે તેમના અંગો સંકોચાઈ જાય છે. બરાબર ત્યારે જ નારદનું આગમન થાય છે. તેઓ ભગવાનને, તેમના આ વિશિષ્ઠ સ્વરૂપને વિશ્વ સમક્ષ દેખાડવાની વિનંતી કરે છે, આ નિમિત્તે રથયાત્રાની પરંપરા શરૂ થાય છે.

જગન્નાથની રથયાત્રા

દર વર્ષે અષાઢી બીજના દિવસે જગન્નાથની રથયાત્રા નીકળે છે. અનેક ધાર્મિક-સાંસ્કૃતિક વિધિવિધાનો, વિશિષ્ટ પરંપરાઓ સાથેની આ રથયાત્રા અનેરા અવસર સમાન છે અલગ-અલગ રથમાં વિરાજમાન ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નગરચર્યાની આ રથયાત્રા વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું ગૌરવ ધરાવે છે. જેમાં દેશ-વિદેશથી અનેક શ્રદ્ધાવાન, જિજ્ઞાસુઓ, અભ્યાસુઓ, સહેલાણીઓ લાભાન્વિત થવા સામેલ થાય છે. ભગવાન જગન્નાથની રથયાત્રા, ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ, વિશાળ જનમેદની, દિવ્યતા અને ભવ્યતાના અનેરા સંગમ સમી અનેક ઘટનાઓ, હજારોની સંખ્યામાં આવતા ભક્તોને ભોજન પૂરું પાડતા ત્યાંના રસોઈગૃહો, મંદિર વિશેની અનેક રહસ્યમય-ચમત્કારી વાતો તો એક સ્વતંત્ર લેખનો વિષય છે. તે વિશે ભવિષ્યમાં ક્યારેક…

કર્ણાવતી અને જગન્નાથની રથયાત્રા

પૂરીના જગન્નાથ યાત્રાની જેમ જ ગુજરાતના કર્ણાવતીમા(અમદાવાદ) યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા અનેરી છે. લોકવાયકા એવી છે કે સાડા ચારસો વર્ષ પહેલાં રામાનંદી સાધુ હનુમાનદાસ આખા ભારતવર્ષમાં ભ્રમણ કરતા રહેતા. ભારતના અનેક પ્રદેશોમાં વિહાર કર્યા બાદ ગુર્જરીના કર્ણાવતી શહેરની સાબરમતી નદીના કિનારાનુ માનવ કોલાહલ રહિત, રમ્ય અને સાત્વિક વાતાવરણ તેમને પોતાની ભક્તિ માટે સ્થાયી થવા યોગ્ય લાગ્યુ અને તેઓએ અહીં (આજનું જમાલપુરા) નાનકડી કુટીર બનાવી નિવાસ કર્યો. અમુક સમય બાદ અહીં હનુમાનજી સ્વયંભૂ પ્રગટ્યા અને નગરજનોએ ત્યાં મંદિરની સ્થાપના કરી. સાધુ હનુમાનદાસના શિષ્ય સારંગદાસજી ભગવાન જગન્નાથના પરમ ભક્ત અને ગુરૂની જેમ તેઓ પણ સમગ્ર ભારત વર્ષમાં જ્ઞાનની ખોજમાં સતત વિહાર કરતા રહેતા. આવા જ એક જ્ઞાનભ્રમણ દરમ્યાન તેઓ પુરીના જગન્નાથ ધામમાં સાત વર્ષ રહ્યા. તેઓ પોતાનું સમગ્ર જીવન ભગવાન જગન્નાથના સાનિધ્યમાં અહીં પૂરીમાં જ વિતાવવા ઈચ્છતા હતા. પણ કહેવાય છે કે એક રાત્રીએ ભગવાન જગન્નાથજીએ સાધુ સુરંગદાસના સ્વપ્નમાં આવીને આદેશ કર્યો કે તું મારા સાનિધ્યમાં અહીં પુરીમાં ન રહેતાં કર્ણાવતી જા. ત્યાં મારું મંદિર બનાવી મારી, સુભદ્રાજી અને બળરામજીની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કર અને ત્યાં જ મારા સાનિધ્યમાં પાછલી જિંદગી પૂર્ણ કરજે. જગન્નાથ પ્રભુનો આદેશ મળતાં જ સ્વામી સારંગદાસજીએ કર્ણાવતી (અમદાવાદ)ના તેમના આશ્રમમાં પરત ફરી જમાલપુરાના હનુમાન મંદિર પાસે જ ભગવાન જગન્નાથ મંદિરનું નિર્માણ કર્યું.

કર્ણાવતીમાં જગન્નાથ મંદિર નિર્માણ

આ મંદિર માટેની મૂર્તિઓનું સ્વરૂપ પુરીમાં બિરાજમાન મૂર્તિઓ જેવું જ રાખવામાં આવ્યું અને મૂર્તિનિર્માણનું કામ પુરીમાં જ સોંપવામાં આવ્યું. જગન્નાથજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાના સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમની સ્વયંસૂઝ અને સેવકોના સહકારથી સારંગદાસજીના શિષ્ય નરસિંહદાસજીએ કર્યું. આ માટેના વિશેષ ધાર્મિક વિધિવિધાન નરસિંહદાસજી સ્વયં પુરીમાં જઈને શીખી આવ્યા. પુરીની પરંપરા અનુસાર પ્રભુનું પૂજન-અર્ચન કરી મૂર્તિઓને શણગારેલા બળદગાડામાં મૂકવામાં આવી અને કર્ણાવતીમાં વાજતે-ગાજતે તેમની શોભાયાત્રા નીકળી. પછી વૈદિક વિધિથી મંદિરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળરામજીની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ. આમ, હર્ષોલ્લાસ સાથે પુરીથી અમદાવાદ જગતના નાથનું આગમન થયું. 

રથયાત્રા પ્રારંભ….

મંદિરની સ્થાપનાના અમુક વર્ષો બાદ, સૌ પ્રથમ, વર્ષ 1878માં મંદિરના તે સમયના મહંત શ્રી નરસિંહદાસજી મહારાજના નિર્દેષાનુસાર જગન્નાથજીની રથયાત્રા નીકળી. નગરચર્યા અર્થે રથયાત્રાએ નીકળેલ ભગવાનને એ સમયે બળદગાડામાં બિરાજમાન કરવામાં આવેલા. પછીના વર્ષોમાં, લોકવાયકા મુજબ ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભક્તોએ રથયાત્રાની જવાબદારી તેમના શિરે લીધી હતી. તેમણે નાળિયેરીના ઝાડમાંથી ત્રણ રથ તૈયાર કર્યા હતા. અને તેમાં ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને પ્રભુ જગન્નાથજીને પધરાવ્યા હતા. તે રથને ખલાસ ભાઈઓ ખેંચીને યાત્રા કરાવી હતી. ત્યારથી આજ દિન સુધી રથ ખેંચવાનું કામ ખલાસ ભાઈઓ કરે છે. ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ, ભગવાન બલભદ્રના રથને બહલધ્વજ અને બેન સુભદ્રાના રથને કલ્પધ્વજ નામ આપવામાં આવ્યું.

*રથયાત્રાની પૂર્વે કરવામાં આવતા ઉત્સવો પરંપરાઓ*

રથયાત્રા અગાઉ, જેઠ સુદ પૂનમના દિવસે જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ જળયાત્રાનું સરઘસ સાબરમતી નદી પર આવી ગંગાની માનસ પૂજા કરે છે તેમજ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ત્રણેય ભગવાનનું ષોડષોપચાર પૂજન કરીને તેમને પ્રતીકાત્મક રીતે મામાના ઘરે મોકલવામાં આવે છે. આ દિવસથી મંદીર બંધ રાખવામાં આવે છે. યાત્રાના બે દિવસ પહેલા નેત્રોત્સવની ઉજવણી કરવામાં આવે છે મોસાળમાં વધુ પડતું ખાઈને નેત્રદાહ ગયો છે તેવું માનીને ભગવાનને નેત્ર રાહત થાય તેવી સારવાર વિધિઓ પૂજા દ્વારા કરવામાં આવે છે.

રથયાત્રાનો વૈભવ

 પુરીમાં, ભગવાન જ્યારે નગરચર્યા માટે નીકળે ત્યારે રાજા તેમનો રસ્તો સાફ કરવા માટે આવે છે તેવી લોકવાયકા છે આથી અમદાવાદની રથયાત્રામાં પણ આ ‘પહિંદ વિધિ’ યોજવામાં આવે છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી સોનાની સાવરણી લઇને ભગવાનનો રસ્તો સ્વચ્છ કરે છે. સૌથી વધુ વખત પહિંદ વિધિ કરવાનો વિક્રમ વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીજીનો છે. 144 વર્ષ પહેલાં શરુ થયેલી આ રથયાત્રા તેના કદ અને રૂટમાં ઉત્તરોત્તર મોટી થતી ગઈ છે. રથયાત્રાના દર્શન કરવા માટે અમદાવાદ શહેર, ગુજરાતના અલગ અલગ વિસ્તારો ઉપરાંત દેશભરમાંથી ભક્તો આવે છે. વિશાળ પ્રમાણમાં ઉમળકા સહિત ઉમટેલી જનમેદની, હૈયેહૈયુ દળાય તેટલી ભીડમાં પણ ભક્તોની સ્વયંશિસ્ત અને સ્થાનિક સત્તા, પોલીસનું સુનિયોજિત આયોજન દાદ માગી લે તેવું હોય છે. નગરચર્યાએ નિકળેલા જગન્નાથજીનું ભક્તો દ્રારા ભવ્ય સ્વાગત કરાય છે. શણગારેલા, સજાવેલા ગજરાજો(હાથી), ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી વિવિધ થીમ સાથે શણગારેલી ટ્રકો, અંગ કસરતના દાવ બતાવતા અખાડા, ભજન મંડળીઓ, બેન્ડવાજા, રથ ખેંચવા માટે ખુબ જ મોટી સંખ્યામાં, લગભગ બેઍક હજાર જેટલા ખલાસભાઈઓ, દેશભરમાંથી આવેલા અનેક સાધુ-સંતો ભાગ લે છે  

સરસપુર, ભગવાનનું મોસાળ

144 વર્ષ પહેલા શરૂ થયેલી, પ્રથમ રથયાત્રામાં, અમદાવાદ તે વખતે દરવાજાઓ અને કોટનું નગર ગણાતું. આખાએ નગરને આવરી લે તેવી રીતે રૂટનું આયોજન કરાયું. અનેક સાધુ-સંતો એ આ રથયાત્રા ભાગ લીધો હતો. સમગ્ર નગરને આવરી લેતી આ રથયાત્રાના વિસામા તરીકે સરસપુરમાં આવેલા રણછોડરાય મંદિરને નક્કી કરવામાં આવ્યું. કારણ કે સાધુ નરસિંહદાસજીના ગુરુભાઈ જમનાદાસ એ સમયે સરસપુરના રણછોડરાય મંદિરના મહંતપદે હતા. સરસપુરમાં આવેલ રણછોડજી મંદિરમાં તમામ સાધુસંતોનું રસોડુ રાખવામાં આવ્યું હતું, ત્યારથી સરસપુર ભગવાન જગન્નાથજીનું મોસાળ ગણાય છે અને હવે રણછોડજી મંદિરમાં દર વર્ષે ભગવાનનું મોસાળુ કરાય છે. ભાણેજો મામાની ઘરે લાડકોડ પામે એ જ રીતે અહીં ભગવાન જગન્નાથ, બલરામજી અને બહેન સુભદ્રાને વિવિધ વસ્ત્ર પરિધાન, સોના-ચાંદીના આભૂષણો તેમજ અનેક સામગ્રીઓ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે, જેની તૈયારીઓ મહિનાઓ અગાઉ શરૂ થઈ જાય છે. આ ઉપરાંત સરસપુરની તમામ પોળોના રહિશો રથયાત્રામાં ભાગ લેનારા તમામ ભાવિક ભક્તોને ખુબજ ભાવથી અને પ્રેમથી આતિથ્ય કરી ભક્તિપૂર્વક જમાડે છે. લાખ્ખોની સંખ્યામાં આવેલા રથયાત્રીકોને અહી પ્રેમથી પ્રસાદી આપીને પછી જ વિદાય કરાય છે અને જાણે કે ભગવાન મામાના ગામ મોસાળ આવ્યા હોય તેવું અદભૂત વાતાવરણ અહીં સર્જાય છે.

રથયાત્રાનો પ્રસાદ અને વાતાવરણ

ભગવાન જગન્નાથના મંદિરમાં પ્રસાદ તરીકે માલપુઆ અપાય છે જ્યારે રથયાત્રા દરમિયાન મોટા પ્રમાણમાં સુકામેવા, જથ્થાબંધ ઘી, ચોખા તેમજ અન્ય અનાજ દ્વારા તૈયાર કરાયેલો વિશિષ્ટ પ્રકારનો ખીચડો, ખીચડી, ફણગાવેલા કઠોળ, જાંબુ, કાચી કેરી, કાકડી, દાડમ… વગેરે પ્રસાદને છૂટા હાથે વહેચવામાં આવે છે. ભગવાનનો પ્રસાદ મેળવીને ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે. માર્ગમાં ઠેરઠેર ઠંડી છાશ, પાણી, ઠંડા પીણા, ચોકલેટ અને અનેક વ્યંજનો ભરપૂર પ્રમાણમાં વેચવામાં આવે છે. રથયાત્રા દરમ્યાન ઠેરઠેર નામી-અનામી કલાકારો તેમજ સામાન્ય જનતા દ્વારા ગવાતા ભજનો, ગરબાઓ, કીર્તનોની રસધારાના ભક્તિમય / સંગીતમય વાતાવરણમાં ભક્તો જગન્નાથમય બની જાય છે. દિવસભર ચાલતી આ રથયાત્રા સવારે 7 વાગ્યે નિકળી અમદાવાદના 22 કિલોમીટર લાંબા માર્ગ પર ફરીને રાત્રે 8.30 વાગ્યે નીજ મંદિરે પરત ફરે છે.

લગભગ 144 વર્ષ બાદ, 2020માં પહેલી વાર કોરોનાના સંકટકાળને ધ્યાનમાં રાખીને રથયાત્રાને મંદિરમાં જ, મંદિરની અંદર જ ફેરવીને પ્રતીકાત્મક રીતે સંપન્ન કરાઇ હતી. આ વખતે પણ કોરોનાના સંકટને ધ્યાનમાં રાખીને સામાન્ય જનતા કે ભક્તગણોને ભાગ લેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો અને બહુ જ ઓછા માણસો તેમજ પ્રતિબંધો સાથે રથયાત્રા સંપન્ન કરવામાં આવી. આ વર્ષે તારીખ 20 જુનના રોજ 146મી ભવ્ય રથયાત્રા સંપન્ન થવા જઈ રહી છે ત્યારે રથયાત્રાનો ઉપરોકત રસપ્રદ ઇતિહાસ આપની સમક્ષ પીરસ્યો છે. જય જગન્નાથ! 

હિમાદ્રી આચાર્ય દવે


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *