दिने दिने नवं नवं नमामि नन्दसम्भवम्॥જે નિત્ય નવીન લાગે છે એવા નંદના લાલને વંદન…
ભગવાન શ્રીકૃષ્ણનું વર્ણન કરતા શકરાચાર્યજી કહે છે. શ્રીકૃષ્ણ ભૂમિનો ભાર ઉતારનારા, દુર્જનોનો સંહાર કરી ધરા પરથી બોજ દૂર કરનારા, ભવસાગર પાર ઉતારનારા અને જે નિત્ય નવીન લાગે છે એવા નંદના લાલને વંદન… ‘दिने दिने नवं नवं नमामि नन्दसम्भवम्॥‘ભગવાન શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ એટલે આકર્ષણનું અભિનવ પ્રતિક, શ્રીકૃષ્ણ એટલે कर्षति आकर्षति ईति कॄष्ण: જોતાવેંત આકર્ષિત કરે છે તે એટલે શ્રીકૃષ્ણ.
ભગવાન શ્રીકૃષ્ણ સંપૂર્ણ રાજનીતિ છે. સમાજનવરચનામાં ક્રાંતિકારી ફેરફારો કરનારા છે. ગેડીદડાની રમત હોય કે માખણચોરી હોય, પૂતનાનો નાશ હોય કે કંસનો વધ હોય અર્જુનને આદેશ આપતા હોય સર્વમાં આપણને કૃષ્ણની વિરાટ છબીના દર્શન થાય છે. પરંતુ શ્રીકૃષ્ણએ સમાજજીવન અને માનવ્ય માટે કરેલી ક્રાંતિ ધ્યાન બહાર રહી જાય છે અર્થાત્ ‘ક્રાંતિકારી કૃષ્ણ’ આ અનેક કૃષ્ણમાં એવી રીતે ઓતપ્રોત થયેલા છે કે ઝડપથી ધ્યાનમાં આવતા જ નથી.
શ્રીકૃષ્ણની ક્રાંતિ બાળપણથી જ શરૂ થયેલી દેખાઈ આવે છે જે અધર્મના નાશ અને ધર્મ સંસ્થાપના માટેના કુરુક્ષેત્રના સંગ્રામમાં શ્રીમદ ભગવદગીતાનો બોધ આપતા એના ચરમ પર દેખાય છે. ક્રાંતિને સફળ બનાવવા માટે સૌથી આવશ્યક બે બાબતો છે. એક, કુશળ નેતૃત્વ અને કાર્યકર્તા ઉપર આત્યંતિક વિશ્વાસ. આ બન્ને ગુણો શ્રીકૃષ્ણમાં દેખાઈ આવે છે. જેના અગણિત ઉદાહરણો શાસ્ત્રોમાં મળી રહે છે.
શ્રીકૃષ્ણની ક્રાંતિનો આરંભ બાળપણથી થયેલો જોઈ શકાય છે. શ્રીકૃષ્ણનું બાળપણ ગોકુળમાં વિત્યુ જે સર્વવિદિત છે. એ વખતે કંસના આપખુદ શાસનમાં પ્રત્યેક ગામમાંથી આકરો કર વસુલવામાં આવતો, ગામમાં જેટલું દૂધ, માખણ, ઘીનું ઉત્પાદન થાય તે કંસના દરબારમાં ફરજિયાત પહોંચાડવાનું રહેતું, જેનાથી ‘ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો’ જેવી સ્થિતિ નિર્માણ થતી હતી, જેનાથી સામાન્ય લોકો ત્રસ્ત હતા પરંતુ કંસના આપખુદ શાસન સામે અવાજ ઉઠાવવાની હિંમત નહોતું કરતું ત્યારે શ્રીકૃષ્ણએ ગોવાળિયાઓની સાથે રમત રમતમાં ક્રાંતિના મંડાણ કર્યા અને ગોપીઓ જ્યારે દૂધ, માખણ, ઘી વગેરે લઈને કંસના દરબારમાં આપવા જાય ત્યારે તે મટુકી ફોડી નાખીને ગોવાળિયાઓ ખાઈ જતા અને કંસના દરબારમાં જતું અટકાવી દેતા એટલું જ નહીં ઘરમાં રાખેલુ માખણ પણ બીજા દિવસે કંસના દરબારમાં જઈ શકે એમ સમજીને તે ચોરીને ગોવાળીયાઓને ખવડાવી દેતા. શાસ્ત્રો કહે છે શ્રીકૃષ્ણએ માખણ ચોરીને ગોવાળીયાઓને જ ખવડાવ્યુ છે. ગોવાળીયાઓ એટલે કે બાળકોને સાથે લઈને કંસના અત્યાચારી શાસન સામે ક્રાંતિના મંડાણ કર્યા. આ એવી ક્રાંતિ હતી જેનાથી ગોકુળના લોકોમાં કંસનો ડર દૂર થવાની શરૂઆત થઈ. આ વિશ્વની પ્રથમ અને એક માત્ર ક્રાંતિ ગણી શકાય જે બાળકોએ કરી હતી બીજી રીતે કહીએ તો સમાજમાં રહેલી માન્યતા કે બાળક નિર્બળ ગણાય તેથી તે કશું કરી શકે નહીં તે માન્યતાને મરણતોલ ફટકો પડ્યો. ગોવાળીયાની ક્રાંતિના પરિણામ સ્વરૂપ ગોપીઓ પણ શ્રીકૃષ્ણની ક્રાંતિમાં જોડાઈ.
વ્રજ, ગોકુળ વાસીઓ માટે બાલકૃષ્ણના એ ક્રાંતિકારી કાર્યએ આનંદ ઉભો કર્યો, એનુ વર્ણન કરતા શ્રીમદ શંકરાચાર્યજી કહે છે,
समस्तगोपनन्दनं हृदम्बुजैकमोदनं
नमामि कुंजमध्यगं प्रसन्नभानुशोभनम् ।
निकामकामदायकं दृगन्तचारुसायकं
रसालवेणुगायकं नमामि कुंजनायकम् ॥
શ્રીકૃષ્ણની બીજી ક્રાંતિ તેમણે નારીશક્તિને સાથે રાખીને કરી છે. શ્રીકૃષ્ણ અને ગોપીઓની વાત આવે એટલે અને કૃષ્ણએ ગોપીઓ સાથે આત્મીયતાનો એવો નાતો જોડ્યો છે જેનાથી આજે પણ સનાતન દ્વેષ ધરાવતા લોકો પોતાની ભ્રમિત મતિથી સમાજને ભ્રમિત કરવાનું કરતા રહ્યા છે. પરંતુ શું ખરેખર એવું છે કે પછી તદ્દન વિપરિત બાબત છે ? દામોદર સ્તોત્રમાં કહે છે,
गृहे गृहे गोप वधु कदम्बा,सर्वे मिलित्व समवाप्य योगम् ।
पुण्यानी नामानि पठन्ति नित्यम्,गोविन्द दामोदर माधवेति ॥
ગોપીઓ ઘેર ઘેર જાય છે, સૌને મળે છે અને શ્રીકૃષ્ણના નામનો જાપ કરે છે. આ બાબત જોતા એવું લાગે છે કે શ્રીકૃષ્ણએ ગોવાળીયાઓને સાથે રાખીને વ્રજવાસીઓનો કંસ પ્રત્યેનો ભય દૂર કરવાની જે ક્રાંતિ કરી છે તેનું પરિણામ છે કે ગોપીઓ ઘેર ઘેર જઈને નિર્ભિક રૂપે કૃષ્ણનો સંદેશ સૌને આપતી થઈ છે. જેનું ચિત્રણ દામોદર સ્તોત્રમાં સુંદર રીતે થયું છે…
विक्रेतु कामा किल गोप कन्या,मुरारि – पदार्पित – चित्त – वृति ।
दध्यादिकम् मोहवशाद वोचद्,गोविन्द दामोदर माधवेति ॥
વિપરિત અને ભ્રમિત પ્રચાર શુરા લોકો માટે શ્રીકૃષ્ણએ ગોપીઓ સ્નાન કરતી હોય તે વખતે વસ્ત્રચોરીનો પ્રસંગ હાથવગો છે ભ્રમણા ફેલાવવા માટે પરંતુ ઝીણી અને એરણ નજરથી જોઈએ તો સમજાય છે કે પ્રાચીન લખાણમાં રૂપકોના આવરણથી ઢંકાયેલા છે તેને તેના મૂળ સ્વરૂપમાં જોવા જોઈએ. એ રીતે જોતા સમજાય કે સ્નાન એ સ્વચ્છતાનું પ્રતિક છે અને વસ્ત્ર એ લજ્જાનું પ્રતિક છે અર્થાત્ શ્રીકૃષ્ણ જ્યારે સ્નાન કરતી ગોપીઓના વસ્ત્ર ચોરે છે એવો ઉલ્લેખ એવું કહે છે તેમ જણાય છે કે સમાજને કંસના મેલાઘેલા, અત્યાચારી વિચાર અને રાજથી મુક્ત કરીને નવીન વિચારના નિર્મળ સમાજનું પુનરુત્થાન કરવાની વાત છે અને તે ક્રાંતિ માટે શ્રીકૃષ્ણ જેમને સાધન બનાવે છે તે નારીશક્તિ છે અને સામાજિક ક્રાંતિ માટે જ્યારે નારી આગળ આવે ત્યારે પોતાના સ્વ ઉપર આત્યંતિક વિશ્વાસ અને પોતે જે નેતૃત્વ અને તેના વિચારને સમાજના હિત માટે સમાજમાં પ્રસ્થાપિત કરવાનું બીડુ ઝડપ્યુ છે ત્યારે સમાજમાંથી ઉઠતા પ્રશ્નો પ્રતિ લજ્જા રાખવાથી સમાજના થતા રહેલા અહિતમાં ભાગીદાર બનવા જેવું થશે તેથી સમાજમાંથી ઉઠતા પ્રશ્નો પ્રતિ લજ્જા નો અનુભવ ન કરતા ધર્મ, સમાજ, અને માનવ્ય માટે મજબુત રહેવું. આ અર્થમાં કહેવાયું હોવું જોઈએ.
આ રીતે શ્રીકૃષ્ણએ ગોવાળો અને ગોપીઓ અર્થાત્ બાળ અને નારીશક્તિને જાગૃત કરીને સાથે લઈને એવી ક્રાંતિ કંસના રાજ્યમાં ઊભી કરી હતી તેનું પરિણામ આપણે જ્યારે કંસ શ્રીકૃષ્ણ અને ભાઈ બલરામને મથુરામાં મલ્લયુદ્ધ માટે આમંત્રણ આપે છે અને તે વખતે શ્રીકૃષ્ણ ચાણુર આદિ મલ્લોને હરાવીને કૂદકો મારતા જ્યાં સિંહાસન ઉપર રાજા કંસ બેઠો હોય તે ઉંચી જગ્યાએ પહોંચી જાય છે અને કંસનો વધ કરી નાંખે છે. તે વખતે કંસના રાજ્યમાંથી એક પણ વ્યક્તિ કંસના સમર્થનમાં નથી આવતી એટલું જ નહીં કંસના અંગરક્ષકો પણ કંસને બચાવવા નથી આવતા. સમગ્ર સમાજના વિચારોમાં ક્રાંતિકારી પરિવર્તન આવેલું જોઈ શકાય છે.