Spread the love

નવરાત્રીના દ્વિતીય દિવસની આરાધ્યા દેવી બ્રહ્મચારિણી

– હિમાદ્રી આચાર્ય દવે

નવરાત્રિ ઉત્સવ એટલે દૈવી શક્તિઓનાં નારી સ્વરૂપની આરાધનાનું પર્વ. માતા-દુર્ગાની ઉપાસનાની ભક્તિનો સૌથી શુભ અને અનન્ય અવસર માનવામાં આવે છે. પશ્ચિમી સાયન્સ ફિક્શન ફિલ્મો કરતા અનેકગણી રોમાંચક અને અભિભૂત થઈ જઈએ એવી મા દુર્ગાની ઉત્પતિની કથા છે. અનેક બ્રહ્માંડિય શુભ અને કલ્યાણકારી મહાશક્તિઓએ, અશુભોંના નાશ અને શુભત્વનાં રક્ષણ કાજે, સંયુક્તપણે પોતાની વિશિષ્ટ સિદ્ધિઓ કે શક્તિઓને દુર્ગાતત્વમાં સ્થાપિત કરીને આ બ્રહ્માંડનાં સર્વોચ્ય શકિતતત્વનું નારીરૂપે સૃજન કર્યું. એ શક્તિ એટલે મા દુર્ગા.


નારીતત્વની પૂજા એટલે કે અહોભાવ, પ્રાગૈતિહાસિક કાળથી થતી રહી હોવાના પુરાવા મળે છે. આમ, નારીશક્તિની પુજા વૈદિક યુગ પહેલાથી ચાલી આવે છે. ઋષિઓના વૈદિક યુગથી, ગાયત્રી સાધના નવરાત્રી દરમિયાન ભક્તિપ્રથાનું મુખ્ય સ્વરૂપ રહ્યું. સમાંતરે દુર્ગાપૂજા પણ. મા દુર્ગાને પાપ વિનાશીની કહેવામાં આવે છે. અહીં, પાપનો અર્થ બહુ વિશાળ છે, દેખીતા પાપ ઉપરાંત સુષુપ્તપણે આંતરિક ચેતનામાં પોષાતી વિકૃત વૃત્તિઓએ કે જેણે આચરણ કે વ્યવહારનું રુપ લીધું નથી, એવા સૂક્ષ્મ પાપોનો પણ દુર્ગા નાશ કરે છે, બીજા અર્થમાં, તેના શરણમાં રહેનારની બુદ્ધિને મા દુર્ગા શુદ્ધ રાખે છે. નવદુર્ગા, સનાતન ધર્મમાં, માતા દુર્ગા અથવા માતા પાર્વતીના નવ સ્વરૂપનાં સમુહ સૂચવે છે. નવદુર્ગા હિંદુ ધર્મમાં શક્તિ ઉપાસનાની પરંપરાનાં દેવી છે. શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચન્દ્રઘંટા, કુષ્માંડા, સ્કન્દમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિદ્ધિદાત્રી… આ છે દુર્ગાના નવ સ્વરૂપ જેને ઉપર મુજબનાં ક્રમમાં નવ દિવસની નવરાત્રીમાં આરાધવામાં આવે છે. પ્રથમ દિવસ શૈલપુત્રીની આરાધના અને દ્વિતીય દિવસ મા બ્રહ્મચારિણીની આરાધનાનો હોય છે.

પ્રથમ નવરાત્રિના દેવી માતા શૈલપુત્રી

પ્રથમ દેવી શૈલપુત્રી છે, જેની આરાધના નવરાત્રીના પ્રથમ દિવસે કરવામાં આવે છે. સનાતન ધર્મની ઉદાત્ત વિભાવના છે કે અહીં સમસ્ત જડ પદાર્થને પણ દેવી સ્વરૃપનો દરજ્જો આપ્યો છે, પ્રકૃતિ તરફ અહોભાવનો આ મહાયાગ છે પથ્થર, માટી, પાણી, વાયુ, અગ્નિ, આકાશ એ તમામ શૈલપુત્રીનાં સ્વરૂપ છે. અર્થાત, દરેક જડ પદાર્થમાં પરમાત્માની અનુભૂતિની વિભાવના અહીં છે. અને જ્યાં આદર છે ત્યાં તેની સુરક્ષા આપોઆપ આવે જ છે એટલે આડવાત એ કરવી છે કે આપણે અનેક સનાતન મૂલ્યોની, જેમ પ્રકૃતિની રક્ષા ભૂલી ગયા છીએ જે આપણને બહારથી શીખવાડવામાં નહોતું આવતું પણ આપણી પરંપરા, આપણી જીવનશૈલી હતી અને નાગરિકની ફરજથી પણ ઊંચો, એને ધર્મનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

દ્વિતીય નવરાત્રીના દેવી માતા બ્રહ્મચારિણી

આજે આપણે દુર્ગાનાં બીજા સ્વરૂપ, મા બ્રહ્મચારિણી વિશે વાત કરીશું જેની આરાધના નવરાત્રીના દ્વિતીય દિવસે કરવામાં આવે છે.


.બ્રહ્મચારિણી

दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलू। 
देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा॥ 

જડ તત્વમાં જ્ઞાનની ચિનગારી, ચેતનાનું પ્રસારણ એ ભગવતીના બીજા સ્વરૂપનો પ્રાદુર્ભાવ છે, જડ-ચેતનનો સંયોગ છે. આદિશક્તિ-સ્વરૂપા દેવી દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી છે. પૌરાણિક કથાઓ અનુસાર, દેવી પાર્વતીએ ભગવાન શંકરને તેમના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેથી તેણીને તપશ્ચરિણી તરીકે પણ ઓળખવામાં આવે છે, મા પાર્વતીનું તપોમય સ્વરૂપ એટલે બ્રહ્મચારિણી દેવી. નામ અનુસાર જ, બ્રહ્મતત્વને આરાધનારી, બ્રહ્મતત્વનું ધ્યાન ધરનારી, બ્રહ્મને અનુસરનારી, બ્રહ્મત્વનું આચરણ કરનારી છે.
ઉપર કહ્યું તેમ, પૂર્વજન્મની દેવી સતીએ હિમાલયની પુત્રી પાર્વતીના રુપે પુનર્જન્મ ધર્યોવઅને નારદજીના ઉપદેશથી ભગવાન શંકરને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આકરી તપસ્યા કરી હતી. આ કઠિન તપસ્યાને લીધે તેણીનું નામ તપશ્ચરિણી એટલે કે બ્રહ્મચારિણી પડ્યું. મા પાર્વતીની કઠોર તાપશ્ચર્યાની વાત કરીએ તો, એક હજાર વર્ષ સુધી તેણે માત્ર ફળ-ફૂલ પર વિતાવ્યાં. કંઈ સો વર્ષ સુધી તે માત્ર જમીન પર જ શયન કરીને શાકભાજી પર વિતાવ્યાં. ત્રણ હજાર વર્ષ સુધી, દેવીએ ખરી ગયેલાં બિલ્વપત્ર પર દેહનિર્વાહ કર્યો અને અવિરત શિવની આરાધના કરતાં રહ્યા. આ પછી દેવીએ ખરી ગયેલા બિલ્વપત્રનો પણ ત્યાગ કર્યો અને કેટલાંય હજાર વર્ષો સુધી, તેણીએ નિર્જળા અને નિરાહાર રહીને શંકરનું ધ્યાન ધર્યું. બિલ્વપત્રનાં ત્યાગનાં કારણે જ દેવી પાર્વતીનું એક નામ અપર્ણા પડ્યું. કઠોર તપશ્ચર્યાને કારણે દેવીનું શરીર સંપૂર્ણપણે ક્ષીણ થઈ ગયું. દેવતાઓ, ઋષિઓ, સિદ્ધો, ઋષિઓએ બ્રહ્મચારિણીની તપસ્યાને અભૂતપૂર્વ પુણ્ય કાર્ય ગણાવી, પ્રશંસા કરી અને કહ્યું- હે દેવી, આજ સુધી આટલી કઠોર તપસ્યા કોઈએ કરી નથી. તે ફક્ત તમારા દ્વારા જ શક્ય હતું. તમારી મનોકામના પૂર્ણ થશે અને ભગવાન ચંદ્રમૌલી શિવ તમને પતિના રૂપમાં મળશે. ત્યારબાદ દેવાધિદેવ શિવે પાર્વતીનો સ્વીકાર કર્યો.


દેવીનું આ સ્વરૂપ તપના તેજથી અતિ દૈદિપ્યમાન અને ખૂબ જ ભવ્ય છે. દેવી ગહન તપમાં લિન છે. મુખ પર દિવ્ય પ્રતિભા છે. મુખ પર કઠોર તપસ્યાને કારણે અદ્ભુત તેજ અને અદ્વિતીય તેજનો વિશિષ્ટ સંગમ છે, આ એ જ વિશ્વજ્યોતિ છે જેના કારણે ત્રણે લોક પ્રકાશિત થઈ રહ્યા છે.ધાર્મિક માન્યતાઓ અનુસાર, શ્વેત પીળો અને ગુલાબી રંગ મા બ્રહ્મચારીને પ્રિય રંગ છે. શ્વેત જાસૂદ, કમળ,તથા અન્ય શ્વેત અને સુગંધિત પુષ્પ માતા બ્રહ્મચારિણીને પ્રિય છે. દેવીના જમણા હાથમાં જપની માળા છે અને ડાબા હાથમાં કમંડલ છે.આ બંને ઘટકો તેમના તપસ્વીની સ્વરૂપના ઉદઘોષક છે. દેવી બ્રહ્મચારિણી સાક્ષાત બ્રહ્માનું સ્વરૂપ છે, એટલે કે તપશ્ચર્યાનું મૂર્ત સ્વરૂપ છે. બીજા અર્થમાં કહીએ તો મા બ્રહ્મચારીણી સંયમ અને જ્ઞાનની દેવી છે. કઠિન તપશ્ચર્યા બાદ મળેલું પરિણામ એટલે જ સાધના સિદ્ધિ કે જે બુદ્ધિની સ્થિરતા તથા ધ્યેયપ્રાપ્તિ માટે એકાગ્રતા અને તલ્લીનતાની અનિવાર્યતા સૂચવે છે. એટલે જ મા બ્રહ્મચારીણીને સરસ્વતી સ્વરૂપ પણ કહેવામાં આવે છે. મનુષ્યમાં સદબુદ્ધિ પ્રેરિત કરનારી આ દેવીનું એક નામ બ્રાહ્મી પણ છે.


દેવી બ્રહ્મચારિણીની યોગ્ય ઉપાસનાથી સાધકમાં દ્રઢતા, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમ વધે છે. દેવી દુર્ગાના આ બીજા સ્વરૂપની કરુણાને કારણે સાધકની તમામ સમસ્યાઓ અને પરેશાનીઓનો નાશ થાય છે અને તેને દરેક જગ્યાએ સફળતા અને વિજય મળે છે. અધ્યાત્મના માર્ગમાં કુંડલિની શકિત જાગૃતિ માટે નવરાત્રીની નવ દેવીની પૂજાનો મહિમા છે નવરાત્રીનાં બીજા દિવસે, સાધકો તેનાં મનને ‘સ્વાધિસ્થાન’ ચક્રમાં સ્થાપિત કરે છે.


ચિકિત્સા અને દેવી દુર્ગાના નવ સ્વરૂપ

મા દુર્ગા વિભિન્ન નવ સ્વરૂપે પોતાના ભક્તોનું કલ્યાણ કરીને તેમની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે. પ્રકૃતિમાં ઉપલબ્ધ ઔષધીય વનસ્પતિઓ મા દુર્ગાના વિવિધ સ્વરૂપો તરીકે ઓળખાય છે. નવદુર્ગાના નવ ઔષધીય સ્વરૂપો સૌપ્રથમ માર્કંડેયપુરાણમાં ચિકિત્સાપદ્ધતિના રૂપમાં દર્શાવવામાં આવ્યા હતા અને બ્રહ્માજીના ઉપદેશમાં ચિકિત્સાપદ્ધતિના આ રહસ્યને દુર્ગાકવચ કહેવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ ઔષધિઓ તમામ જીવોના રોગોને હરાવવા અને તેમનાથી રક્ષણ માટે ઢાલ તરીકે કામ કરે છે, તેથી તેને દુર્ગા કવચ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને વ્યક્તિ અકાળ મૃત્યુથી બચીને સો વર્ષ જીવી શકે છે.

બ્રહ્મચારિણી એટલે કે વનસ્પતિ બ્રાહ્મી – બ્રાહ્મી દેવી બ્રહ્મચારીણીનું વાનસ્પતિક સ્વરુપ છે. બ્રાહ્મી બુધ્ધિ પ્રતિભા માટે અમોઘ ઔષધિ છે. તેનાથી ઉંમર અને યાદશક્તિ વધે છે, લોહીના વિકારનો નાશ થાય છે અને અવાજ મધુર બને છે. તેથી બ્રાહ્મીને સરસ્વતી પણ કહેવામાં આવે છે. બ્રાહ્મી મન અને મગજને શક્તિ પ્રદાન કરે છે, વાયુ તેમજ મૂત્રરોગોની મહત્વની ઔષધિ છે. માર્કન્ડેય પુરાણ અનુસાર, સ્વયં બ્રહ્મા કહે છે કે આ રોગોથી પીડિત વ્યક્તિએ બ્રહ્મચારિણીની પૂજા કરવી જોઈએ.


બ્રહ્મચારિણી દેવીની પૂજા કર્યા પછી સાધકોએ સ્તોત્ર અને કવચનો પાઠ કરવા એવું દેવી પુરાણમાં સૂચવ્યું છે. જેના કારણે દેવી પ્રસન્ન થાય છે. બ્રહ્મચારિણી દેવીના સ્તોત્રનો પાઠ કરવાથી જ્ઞાન અને શાંતિ મળે છે. દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. સાથે જ વિચારેલા કાર્યો પણ પૂરા થાય છે બ્રહ્મચારિણી કવચ સ્તોત્રનો પાઠ કરવાથી માનસિક વ્યગ્રતાથી રક્ષણ મળે છે, તણાવ દૂર થાય છે અને કોઈ અનિચ્છનીય ઘટના થતી નથી. અકસ્માતો સામે પણ રક્ષણ મળે છે. દશે દિશાઓ અને પ્રકૃતિનું એક એક તત્વ મનુષ્યનું રક્ષણ કરે છે, જે કોઈ ચમત્કાર નથી પણ મંત્રશક્તિનું વિજ્ઞાન છે જેના વિશે ફરી ક્યારેક વાત કરીશું.


બ્રહ્મચારિણી સ્તોત્ર

तपश्चारिणी त्वंहि तापत्रय निवारणीम्।
ब्रह्मरूपधरा ब्रह्मचारिणी प्रणमाम्यहम्॥
शंकरप्रिया त्वंहि भुक्ति-मुक्ति दायिनी।
शान्तिदा ज्ञानदा ब्रह्मचारिणीप्रणमाम्यहम्॥

બ્રહ્મચારિણી કવચ સ્તોત્ર

त्रिपुरा में हृदयं पातु ललाटे पातु शंकरभामिनी।
अर्पण सदापातु नेत्रो, अर्धरी च कपोलो॥
पंचदशी कण्ठे पातुमध्यदेशे पातुमहेश्वरी॥
षोडशी सदापातु नाभो गृहो च पादयो।
अंग प्रत्यंग सतत पातु ब्रह्मचारिणी।

મા બ્રહ્મચારિણીનો ધ્યાનમંત્ર

वन्दे वांच्छितलाभायचन्द्रर्घकृतशेखराम्।
जपमालाकमण्डलुधराब्रह्मचारिणी शुभाम्॥
गौरवर्णास्वाधिष्ठानास्थितांद्वितीय दुर्गा त्रिनेत्राम्।
धवल परिधानांब्रह्मरूपांपुष्पालंकारभूषिताम्॥
पद्मवंदनापल्लवाराधराकातंकपोलांपीन पयोधराम्।
कमनीयांलावण्यांस्मेरमुखीनिम्न नाभि नितम्बनीम्॥

બ્રહ્મચારિણી બીજ મંત્ર

ॐ ब्रां ब्रीं ब्रौं ब्रह्मचारिणीय नमः।
ऐं ह्रीं क्लीं ब्रह्मचारिण्यै नम ॥


Spread the love