Spread the love

આજે ગુરુપૂર્ણિમા, વ્યાસપૂર્ણિમા….

હિમાદ્રિ આચાર્ય


પૂર્ણિમા એટલે પૂર્ણતાનો પવિત્ર દિવસ. સનાતન સંસ્કૃતિમાં અનેક ઋષિમુનિઓ, દિવ્ય ચેતનાઓનું અવતરણ પૂર્ણિમાના દિવસે થયું છે. શ્રાવણી પૂર્ણિમાને દિવસે મા ગાયત્રીનું અવતરણ( જોકે આ વિશે ઘણા મતમતાંતર છે) અશ્વિની પૂર્ણિમાએ વાલ્મિકી મુનિનું અવતરણ, કાર્તિક પૂર્ણિમાએ ગુરુનાનક, માઘ પૂર્ણિમાએ સંત રોહીદાસ, ચૈત્રી પૂર્ણિમાએ હનુમાન જયંતી, વૈશાખ પૂર્ણિમાએ બુદ્ધ જયંતિ, જેઠ પૂર્ણિમા સંત કબીરનું અવતરણ અને અષાઢિ પૂર્ણિમાએ એટલે કે આજે વ્યાસજયંતિ, ઋષિપુરુષ, મહાજ્ઞાની કૃષ્ણદ્વૈપાયન ‘વેદ વ્યાસ’ની આજે જન્મજયંતિ.આપણા દેશમાં ગુરુ મહિમાની વિશેષ અને સુંદર પરંપરા રહી છે. ગુરુ ફક્ત સ્થૂળ શિક્ષા આપે એ નહિ, પણ જીવનની સમસ્યાઓ વચ્ચે જૂજતાં આપણને એ બધાથી પાર ઉતરવાનું શીખવી માનસિક–આધ્યાત્મિક–ચૈતસિક, એમ સર્વાંગી ઉત્થાનના માર્ગે લઈ જાય એ છે. વેદવ્યાસે આ વિશ્વને પોતાના જ્ઞાન અને સર્જન વડે એટલુ બધું શીખવ્યું છે કે એમને ‘આદિગુરુ’નો દરજ્જો આપીને એમના જન્મદિવસને આપણે ગુરુપૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ.
એક કથા પ્રમાણે, પોતાના દીર્ઘ જીવનકાળ સુધી અપરણિત રહેનાર ઋષી પરાશરને લાગ્યું કે દ્વાપરયુગના અંતે, કળીયુગમાં કોઈ મંત્રદ્રષ્ટા ઋષી અવતરિત નહિ થાય તો એ સમયે, કળીયુગના મનુષ્યને વેદનો યથાર્થ કોણ સમજાવશે? આ મનોમંથન બાદ તેમણે કળીયુગમાં માનવને કલ્યાણમાર્ગે ઉન્નત કરવા હેતુ પૃથ્વી પર એક એવી તેજોમય, જ્ઞાનમય પ્રતિભાને અવતરિત કરવાનું નક્કી કર્યું કે જે તેમના માનવ કલ્યાણના આ હેતુને સુપેરે પાર પાડી શકે. એ સાક્ષાત જ્ઞાનજ્યોત કોઈ સામાન્ય સ્ત્રીની કુખે ન ઉજરી શકે એ માટે એમણે સત્યવતીને પસંદ કર્યા. અને ઋષી પરાશાર તેમજ સત્યવતીના આ દિવ્ય સંતાનનું નામ રાખવામાં આવ્યું કૃષ્ણદ્વેપાયન, જેઓ વેદવ્યાસના નામે ઓળખાયા. તો બીજી એક માન્યતા, પ્રાચીન ગ્રંથો અનુસાર, વેદવ્યાસ સ્વયં ઈશ્વર છે. જેની પુષ્ટિ કરતો એક શ્લોક,व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे।नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नम:।।અર્થાત, વ્યાસ વિષ્ણુરૂપ છે તથા વિષ્ણુ જ વ્યાસ છે. એવા વસિષ્ઠ મુનિના વંશજને હું નમન કરું છું.
કૃષ્ણ દ્વેપાયનનું કાર્ય ફલક એટલું વિશાળ છે કે તેને વર્ણવવામાં ગ્રંથ વરચાઈ જાય. તેમણે વિશ્વને આપેલ જ્ઞાન ધરોહર સદીઓ સુધી ન ખૂટે એટલી સમૃદ્ધ અને તે જ્ઞાનનો સમજણપૂર્વક અમલ કરવામાં આવે તો સમગ્ર માનવજાતને સ્વહિત સાથે સમાજોત્થાનના કલ્યાણ યજ્ઞમાં સમીધ બની રહે તેટલી પવિત્ર અને સુદ્રઢ છે. પરમ ચૈતન્ય અથવા સાક્ષાત બ્રહ્મ જેના નામમાં જ વસેલ છે એ વિશાળતાના સ્વામી વેદવ્યાસ એ વ્યક્તિ માત્ર ન હતા. વિભૂતિ શ્રેષ્ઠ કે જ્ઞાની પુરુષ નહિ, સ્વયં ‘જ્ઞાન’ રૂપ છે. આજના યુગમાં પણ સનાતન ધર્મનું સૌંદર્ય, તેની સાત્વિકતા, તેનું અધ્યાત્મ, તેની તંદુરસ્ત પરંપરાઓ ટકી રહી છે એ સનાતન ધર્મના અસ્તિત્વ યજ્ઞની સફળતામાં કૃષ્ણ દ્વેપાયનનો સિંહફાળો છે. તેમણે જ ગૂઢ પૌરાણિક સાહિત્ય તેમજ વેદો સાધારણ મનુષ્ય સુધી પહોંચી શકે એવા, સરળ બનાવવા ગૂઢાર્થ વાળી વિભાવનાઓને લોક સમક્ષ સરળ સાહિત્ય રૂપે મૂકી. કહેવાય છે કે પહેલા વેદ એક જ હતો. અને તેને સમજવો સાધારણ મનુષ્યની ક્ષમતા બહારની વાત હતી.વેદને પ્રમાણમાં સરળતાથી સમજી શકાય, લોકભોગ્ય બને એ માટે કૃષ્ણ દ્વેપાયને વિષય અનુસાર, તેને સરળ બનાવી એક વેદનો ચાર વેદમાં વ્યાસ (વિસ્તાર/વિભાજન) કર્યો. એટલે તેઓ વેદવ્યાસ કહેવાયા! વેદાંત દર્શન બાદ તેમણે વેદોની સરળ સમજૂતી માટે તેમણે પુરાણોની રચના કરી. ઉપનિષદો ના સાર સત્વ સમજાવવા માટે તેઓએ ‘બ્રહ્મસૂત્ર’ની રચના કરી. તેમના ઉપર અનેક પ્રાચીન ધર્મચાર્યોએ ભાષ્યો લખ્યા. તો સમગ્ર વેદ ઉપરાંત સમષ્ટિ, લૌકિક-અલૌકિક-ચૈતસિક-ભૌતિક-અભૌતિક-વ્યવહારિક જીવનના સારરૂપ, સમગ્રને આવરી લે તેવાં અદ્દભૂત- અદ્વિતીય ગ્રંથ ‛મહાભારત’ની રચના કરી. સમગ્ર સૃષ્ટિ, બ્રહ્માંડ, ખગોળ-ભૂગોળ, ચર-અચર, ભૂત-ભવિષ્ય-વર્તમાન, પરા-અપરા, અખિલ બ્રહ્માંડ કે બ્રહ્માંડોનો એક પણ વિષય એવો નથી કે ‛મહાભારત’માં જેના વિશે છણાવટ કે સમજૂતી ન અપાઈ હોય! લોક સમસ્તનું, પૂર્ણ સમષ્ટિ, સમગ્રનું કલ્યાણ કરવાવાળી દિવ્ય હરિમુખ વાણી શ્રીમદ્દ ભગવદ ગીતાને મહાભારતના માધ્યમે રજુ કરી વેદવ્યાસે વિશ્વ સમગ્રને લાભન્વિત કર્યું. આ ઉપરાંત પતંજલિના મહાન ગ્રંથ ‛યોગસૂત્ર’ પર વેદવ્યાસે લખેલ ‛વ્યાસ ભાષ્ય’ વિશ્વની સાહિત્યિક ધરોહરમાં અગ્રીમસ્થાને ગણના પામ્યું છે. આમ, ચાર વેદનો વ્યાસ-વિસ્તાર, અઢાર મહાપુરાણો, બ્રહ્મસૂત્રો અને વિશ્વ પ્રસિદ્ધ મહાકાવ્ય ‘મહાભારત’ના તેઓ રચયિતા જ નહીં, એ ઘટનાઓના સાક્ષી રહ્યાં છે એમ કહેવાય છે. અને તેમના મુખે બોલાયેલ અમૃતવાણી કિંમતી રત્ન જેવી અમૂલ્ય, શુદ્ધ અને પવિત્ર તેમજ સમષ્ટિ માટે કલ્યાણકારી છે.
વધુ, વ્યાસનો અર્થ થાય છે, સુત્રોનું આખ્યાનરૂપે વર્ણન અથવા વિચાર વિસ્તાર. વ્યાસનો બીજો અર્થ છે, બ્રહ્માંડ રૂપી વર્તુળની પરિધિના બંને કિનારાને સ્પર્શનાર. શુક્ષ્મ અર્થમાં કહીએ તો માયા અને બ્રહ્મ બંને અંતિમોને જાણનાર. અગાઉ કહ્યું તેમ, વર્તુળના એવા બે બિંદુ કે જે સમગ્ર વર્તુળમાં એકબીજાથી મહત્તમ અંતરે આવેલા છે તેને વર્તુળના કેન્દ્રમાંથી વીંધીને જોડનાર એટલે વ્યાસ. એટલે કે વ્યાસ શબ્દનો સૂક્ષ્મ અર્થ એ પણ ખરો ને કે વ્યાસથી સંલગ્ન રહીને જગતના બે અંતિમો, માયાથી લઈને બ્રહ્મ સુધી પહોંચી શકાય! આ જ અર્થમાં અધ્યાત્મ તેમજ ઈશ્વરીય જ્ઞાન આપતી ગાદીને વ્યાસપીઠ કહેવાય છે. યોગદર્શનમાં ભગવાન પતંજલિએ ઈશ્વરને ‘પરમગુરુ’ કહ્યો છે. તો વ્યાસજી પણ પોતાના ભાષ્યમાં આ જ વાત લખે છે. શંકરાચાર્યે ઈશ્વરને સઘળા યે ‛ગુરુઓના ગુરુ’ કહ્યા છે. અને આ ઈશ્વર સુધી પહોંચવું એટલે કે સ્વમાં ઈશ્વરીય તત્વને ઉજાગર કરવું, તો મહર્ષિ વેદવ્યાસ રચિત સમગ્ર જ્ઞાનનિધિ એ ત્યાં પહોંચવાનું વાહન છે. ટૂંકમાં, વ્યક્તિ જે અંતિમેં પહોંચવા માંગે ત્યાં તેને પોતાના જ્ઞાનાંજનથી પહોંચાડતું તત્વ એટલે વ્યાસ!  
આધુનિકતા અને ભૌતિકતાનાં વંટોળ વચ્ચે ઉછરી રહેલી પેઢીમાં યથાર્થ શિક્ષણના અભાવે ઘણીવાર એવું જોવા મળે છે કે તેઓ ભારતિય સંસ્કારમૂલ્યોને અવૈજ્ઞાનિક કે પછાત સમજે છે. અથવા આ વિશે કશું જાણતા જ નથી. પોતાની સંસ્કૃતિ, ભારતિય મૂલ્યો, આપણું અંધશ્રદ્ધા રહિત અણીશુદ્ધ વૈજ્ઞાનિક અધ્યાત્મ તેમજ સંસ્કૃતિએ વિશ્વને આપેલો વૈશ્વિક વારસો, એ વિશે એમને વધું ખબર જ નથી હોતી તો સ્વાભાવિક છે કે એ ભવ્યતાની ઓળખ કે જ્ઞાન વગર સંસ્કૃતિ પ્રત્યે સન્માન કે ગૌરવ ક્યાંથી ઉદ્દભવે…!? તેમને સંસ્કૃતિથી પરિચિત કરવાની પહેલી ફરજ માબાપની છે. વિશ્વ ગુરુ વેદવ્યાસે સ્વયં માને જગતની સર્વશ્રેષ્ઠ ગુરુનો દરજ્જો આપતા કહ્યું છે કે“पितुरप्यधिका माता   गर्भधारणपोषणात् ।अतो हि त्रिषु लोकेषु नास्ति मातृसमो गुरुः”॥ 
અર્થાત, ગર્ભધારણ અને પાલનપોષણ કરવા સક્ષમ હોવાથી મા પિતા કરતા તો અનેકગણી શ્રેષ્ઠ છે જ પરંતુ ત્રણે લોકમા માતા સમાન કોઈ ગુરુ નથી. આમ, માતા–પિતા સંતાનનાં પહેલા ગુરુ છે. વળી, ગુરુ,અજ્ઞાનનાં અંધકારમાં બંધ થયેલી આંખોને જ્ઞાનરૂપી આંજણ આંજી એ આંખને ‘ઉઘાડે’ છે. ગુરુ આપણને આપણી ઓળખ કરાવે છે. એ અર્થમાં વ્યવહારિક- શૈક્ષણિક જ્ઞાન સાથે-સાથે અને માત્ર ભૌતિક જ નહીં, પુર્ણ વ્યક્તિત્વનાં ઉર્ધ્વગમન માટે સંતાનને દરેક દિન વિશેષનું, ભારતીય સંસ્કૃતિ- ઉચ્ચ ભારતીય મૂલ્યોનુ, વેદવ્યાસની જ્ઞાનપ્રસાદી રુપ એમનાં ભવ્ય સાહિત્યનું જ્ઞાન-ઓળખ કરાવવાનું ‘ગુરુકર્મ’ માતા-પિતા કરે એ જ વેદવ્યાસનું યથાર્થ સન્માન છે. 
બીજું, વેદવ્યાસ શાંતિપર્વમાં કહે છે કે ‛પ્રાણીમાત્ર પર દયા, ક્ષમા, શાંતિ,અહિંસા, સત્ય, વાણીમાં સરળતા, અશત્રુતા, નિરાભિમાનીપણુ, શ્રદ્ધા, સહનશીલતા અને શમન… આ તત્વોનું અનુસરણ એ જ મનુષ્યધર્મ, જેના દ્વારા મનુષ્ય પરમ બ્રહ્મની પ્રાપ્તિ કરી શકે છે. તેમનો એક બીજો શ્લોક, नास्ति विद्या समं चक्षू नास्ति सत्य समं तप:।नास्ति राग समं दु:खम् नास्ति त्याग समं सुखम्।।જેમાં જીવનનું તત્વજ્ઞાન ભારોભાર ભરેલું છે, એવા તેમના એક એક કથન, મીમાંસા રચી શકાય એટલા ભરપૂર, એક એક શ્લોક, માત્ર સુખીજીવન જ નહીં, ઉન્નતી/ સ્વ ઉત્થાનની કેડી છે. ધર્મ અને કર્મની આવી ઉદાત, ઉદાર અને વિશાળ છતાં સરળ વિભાવના આપનાર વેદવ્યાસના દેશમાં આપણે જન્મ્યા એના ગૌરવ અનુભવીએ અને તેમની જ્ઞાન પરંપરાને આગળ ધપાવીએ. 
પરમ તેજોમય, અસીમ શક્તિ અને અસાધારણ અલૌકિક ગુણોથી યુક્ત વેદવ્યાસનું આપણી સંસ્કૃતિ પર મોટું ઋણ છે. મહર્ષિ પરમજ્ઞાની વેદવ્યાસ રચિત સનાતન ભારતીય સંસ્કૃતિની આધ્યાત્મિક-સાહિત્યિક ધરોહર થકી આજ વિશ્વફલક પર ભારતિય સંસ્કૃતિની અસ્મિતા-ગરિમા દૈદીપ્યમાન છે. આપણું ભવ્ય સંસ્કૃત વાંઙમય તેમના થકી સમૃદ્ધ છે, જેની અસરો આપણા વિવિધ ભાષાના સાહિત્ય પર આજે ય છે. જગતને ગીતાજ્ઞાન આપીને જેઓ વિશ્વગુરુનો દરજ્જો પામ્યા છે એવા ભગવાન શ્રીકૃષ્ણે સ્વયં તેની વાણીમાં જેમના માટે કહ્યું છે કે ‘‘मुनीनामप्यहं व्यास:।’’ અર્થાત, ‘મુનિઓમાં હું વ્યાસ છું,’ તેઓ જગત આખાને જ્ઞાનનું અમૃત આપનાર, આપણા સ્મૃતિ–શ્રુતિ– ઇતિહાસ–પુરાણના વ્યાખ્યાતા છે એવા વેદવ્યાસને જવાબદારીપૂર્વક નમન હો!
नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्रः।

येन त्वया भारततैलपूर्णः प्रज्ज्वालितो ज्ञानमयप्रदीपः।।

અર્થાત, જેમણે મહાભારત રૂપી જ્ઞાનદીપને પ્રજ્વલિત કર્યો એ વિશાળ બુદ્ધિ વાળા મહર્ષિ વેદવ્યાસને મારા નમસ્કાર હો! 

હિમાદ્રિ આચાર્ય


Spread the love