Waqf Bill
Spread the love

સરકાર સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં વકફ સંશોધન બિલ (Waqf Bill) લાવવાની તૈયારી કરી રહી છે. આ વક્ફ બિલ (Waqf Bill) 2 એપ્રિલે લોકસભામાં રજૂ થઈ શકે છે. સંસદીય બાબતો અને અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી કિરેન રિજિજુએ 8 ઓગસ્ટ, 2024ના રોજ લોકસભામાં આ વક્ફ બિલ (Waqf Bill) રજૂ કર્યું હતું, પરંતુ વિપક્ષના હોબાળાને કારણે તેને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલવામાં આવ્યું હતું.

જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલ હતા. વક્ફ બિલ (Waqf Bill) જેપીસી સમીક્ષામાંથી પસાર થઈ ચૂક્યું છે. કમિટીના રિપોર્ટ બાદ કેબિનેટ દ્વારા સંશોધિત વક્ફ બિલને (Waqf Bill) મંજૂરી મળી ચૂકી છે. હવે જો સરકાર તેને સંસદમાં લાવે છે, તો તેને પસાર કરવું સરળ હશે કે નહીં હોય તે પ્રશ્ન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

શું છે લોકસભાની નબર ગેમ?

હાલમાં લોકસભામાં કુલ 542 સભ્યો છે. બીજેપીમાં 240 સાંસદો હોવાથી તે સૌથી મોટી પાર્ટી બની છે. ભાજપની આગેવાની હેઠળનું નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) કુલ 293 સાંસદો સાથે બહુમતીમાં છે. આ કોઈપણ બિલ પસાર કરવા માટે જરૂરી સંખ્યા 272 કરતા વધુ છે.

વિપક્ષમાં કોંગ્રેસ પાસે 99 સાંસદો છે. ઈન્ડિયા બ્લોકમાં સમાવિષ્ટ તમામ પક્ષો સહિત, તેમની કુલ સંખ્યા માત્ર 233 સુધી પહોંચે છે, જે બહુમતી કરતા ઓછી છે. આ સિવાય આઝાદ સમાજ પાર્ટીના એડવોકેટ ચંદ્રશેખર અને શિરોમણી અકાલી દળના હરસિમરત કૌર બાદલ જેવી કેટલીક પાર્ટીઓ છે જે ન તો એનડીએમાં છે કે ન તો ઈન્ડિયા બ્લોકમાં. કેટલાક અપક્ષ સાંસદો એવા પણ છે જેઓ ખુલ્લેઆમ કોઈપણ ગઠબંધનની તરફેણમાં નથી.

રાજ્યસભાની સભ્ય સંખ્યા

હાલમાં રાજ્યસભામાં કુલ 236 સભ્યો છે તે જોતા કોઈપણ બિલ પાસ કરાવવા માટેની સભ્ય સંખ્યા 119 હોવી જોઈએ. રાજ્યસભામાં ભાજપના 98 સાંસદો છે. જો ગઠબંધનની દ્રષ્ટિએ જોતા NDA પાસે લગભગ 115 સાંસદો છે. આ ઉપરાંત, 6 મનોનિત સભ્યો પણ છે, જે સામાન્ય રીતે સરકારની તરફેણમાં મતદાન કરતા હોય છે. જેને ઉમેરીએ તો NDAનું સંખ્યાબળ 121 સુધી પહોંચે છે, જે કોઈપણ બિલ પસાર કરવા માટે જરૂરી 119ના આંકડા કરતાં બે વધુ છે.

વિપક્ષ તરફ દ્રષ્ટિ કરીએ તો કોંગ્રેસ પાસે 27 સાંસદો છે અને ઈન્ડિયા બ્લોકમાં અન્ય પક્ષોના 58 સભ્યો છે. એટલે કે વિપક્ષ પાસે કુલ 85 સાંસદો છે. આ સિવાય રાજ્યસભામાં YSR કોંગ્રેસના 9, BJDના 7 અને AIADMKના 4 સભ્યો છે. કેટલાક નાના પક્ષો અને અપક્ષો સહિત, 3 સભ્યો એવા છે જે ન તો સત્તાધારી NDAમાં છે કે ન તો વિપક્ષી ઈન્ડિયા બ્લોકમાં છે.

શા માટે સરકાર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે?

સરકારનું કહેવું છે કે વકફ એમેન્ડમેન્ટ બિલ (Waqf Bill) દ્વારા વકફ પ્રોપર્ટી સંબંધિત વિવાદોને ઉકેલવાનો અધિકાર આપશે. તેનાથી વકફ મિલકતોનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાશે અને મુસ્લિમ સમુદાયની મહિલાઓને પણ ફાયદો થશે. બીજેપી સાંસદ જગદંબિકા પાલની આગેવાની હેઠળની સંયુક્ત સંસદીય સમિતિ (JPC)એ NDAના ઘટક પક્ષો દ્વારા આપવામાં આવેલા 14 સુધારાઓને સામેલ કરીને સંસદમાં તેનો અહેવાલ રજૂ કર્યો હતો. જોકે, જેપીસીએ વિપક્ષ દ્વારા પ્રસ્તાવિત 44 સુધારાને ફગાવી દીધા હતા. આ સૌથી મોટુ કારણ છે જેને લઈને વિપક્ષ આ વક્ફ બિલનો (Waqf Bill) વિરોધ કરી રહ્યો છે અને તેને વિવાદાસ્પદ ગણાવી રહ્યો છે.

તેલુગુ દેશમ પાર્ટીનું સ્ટેન્ડ

રાજકીય વર્તુળોમાં ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીના વલણ ઉપર વિશેષ ચર્ચા ચાલી રહી છે ત્યારે આજે વકફ એમેન્ડમેન્ટ બિલ પર, તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રેમ કુમાર જૈને કહ્યું કે, “સમગ્ર મુસ્લિમ સમુદાય વકફ એમેન્ડમેન્ટ બિલ રજૂ થવાની રાહ જોઈ રહ્યો છે…અમારો પક્ષ તેને સમર્થન આપશે. ચંદ્રબાબુ નાયડુએ પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે અમે મુસ્લિમ સમુદાયના હિતમાં કામ કરીશું. કાલે, બિલ રજૂ કરવામાં આવશે, પછી જ અમે તેના પર કોઈ ટિપ્પણી કરીશું. હું તમને ખાતરી આપું છું કે ચંદ્રબાબુ નાયડુ મુસ્લિમોના પક્ષમાં છે…”

વક્ફ બિલ (Waqf Bill) સામેના મુખ્ય વાંધા

હાઈકોર્ટમાં અપીલ કરવાનો અધિકાર – હવે વકફ પ્રોપર્ટી સંબંધિત કોઈપણ વિવાદ હાઈકોર્ટમાં અપીલ કરી શકાશે, જ્યારે અગાઉ વકફ ટ્રિબ્યુનલનો નિર્ણય અંતિમ માનવામાં આવતો હતો.

વક્ફ કર્યા વિના મિલકત પર દાવો નહીં – હવે વક્ફ મેળવ્યા વિના કોઈપણ મિલકતનો દાવો કરી શકાશે નહીં. અગાઉ જો વકફ બોર્ડ કોઈ મિલકતનો દાવો કરે તો તેને વકફ મિલકત ગણવામાં આવતી હતી.

મહિલાઓ અને અન્ય ધર્મના સભ્યો – હવે વકફ બોર્ડમાં એક મહિલા અને અન્ય ધર્મના એક સભ્ય હોવા ફરજિયાત રહેશે. અગાઉ બોર્ડમાં કોઈ મહિલા કે અન્ય કોઈ ધર્મના સભ્યો નહોતા.

કલેક્ટરના અધિકારો – હવે કલેક્ટર વકફ મિલકતનો સર્વે કરી શકશે અને કોઈ મિલકત વકફની છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર તેમને હશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *