કર્ણાટક હાઈકોર્ટે (Karnataka High Court) 16 કલાકની શિફ્ટ દરમિયાન નિદ્રા લેવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો તે કોન્સ્ટેબલ ચંદ્રશેખરનું સસ્પેન્શન રદ કર્યું છે. કોર્ટે આરામ અને ઊંઘના અધિકારને માન્યતા આપી છે.
શું તમે ઓફિસમાં કામ કરતી વખતે ઊંઘી જાઓ છો તો શું તમારા સહકર્મીઓ અથવા બોસ તમને પરેશાન કરે છે? જો એમ હોય તો તમારે હાઈકોર્ટ (High Court)નો આ નિર્ણય વાંચવો જ જોઈએ. કર્ણાટકના કોન્સ્ટેબલ ચંદ્રશેખરનો ઉંઘમાં ઝોકુ ખાતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

ત્યારબાદ આખો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો કોર્ટમાં કોન્સ્ટેબલે કરેલી દલીલો પર હાઈકોર્ટના ન્યાયાધીશે જણાવ્યું હતું કે, બંધારણ હેઠળ લોકોના ઊંઘ અને આરામના અધિકારને માન્યતા આપવામાં આવી છે અને સમયાંતરે આરામ અને ઊંઘના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. ન્યાયાધીશે વધુમાં જણાવ્યું હતું કે આથી આ કેસમાં અરજદાર ફરજ પર સૂતા છે તેમાં તેમની કોઈ ભૂલ માની શકાય નહીં.
કર્ણાટક સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KKRTC) ના ટ્રાન્સપોર્ટ કોન્સ્ટેબલ ચંદ્રશેખરને સતત બે મહિના સુધી 16 કલાકની શિફ્ટમાં કામ કર્યા પછી 10 મિનિટની નિદ્રા લેવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. હવે આ મામલે કોન્સ્ટેબલને હાઈકોર્ટ (High Court) માંથી રાહત મળી છે. કોર્ટે KKRTC દ્વારા આપવામાં આવેલ સસ્પેન્શન ઓર્ડરને રદ કર્યો છે.
જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ કહ્યું કે KKRTC મેનેજમેન્ટ પોતે જ દોષિત છે કારણ કે તેઓએ કોન્સ્ટેબલને બે મહિના સુધી બ્રેક વિના દિવસમાં બે શિફ્ટમાં કામ કરવાની ફરજ પાડી હતી.
A Karnataka transport constable, suspended for taking a 10-minute nap after working 16-hour shifts continuously for two months, has received relief from the High Court. #Karnataka #HCVerdict #KKRTC #CopSuspension #RightToRest #LaborRights #WorkLifeBalance #BreakingNews #Justice pic.twitter.com/avqg4SHDhR
— Fatafat News (@FatafatNews2020) February 26, 2025
હાઈકોર્ટે (High Court) શું આદેશ આપ્યો?
હાઈકોર્ટે (High Court) આદેશ કર્યો છે કે અરજદારને પગાર સહિતના તમામ લાભો મળશે. જો અરજદાર શિફ્ટમાં ફરજ પર હોય ત્યારે સૂઈ ગયો હોત તો ચોક્કસપણે ખોટું ગણાત. ન્યાયાધીશે કહ્યું કે આ કેસમાં અરજદારને 60 દિવસ સુધી કોઈ પણ વિરામ વિના દરરોજ 16 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી.
ચંદ્રશેખર 13 મે 2016ના રોજ કોપ્પલ ડિવિઝનમાં કર્ણાટક સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોન્સ્ટેબલ તરીકે નોકરીમાં જોડાયા હતા. 23 એપ્રિલ 2024ના એક રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે અરજદાર નોકરી પર સૂતો જોવા મળ્યો હતો. ચંદ્રશેખરને 1 જુલાઈ, 2024ના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
કોર્ટમાં કોન્સ્ટેબલે શું દલીલો કરી?
સસ્પેન્શનના આદેશને પડકારતાં કોન્સ્ટેબલ ચંદ્રશેખરે હાઈકોર્ટ (High Court) માં દલીલ કરી હતી કે તેને સતત બે મહિના સુધી શિફ્ટમાં વારંવાર કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી, ઊંઘવાની તક પણ આપવામાં આવી નથી અને તેથી તે નોકરી પર સૂઈ ગયો હતો.

કામના કલાકો પર ન્યાયાધીશે શું કહ્યું?
જસ્ટિસ નાગપ્રસન્નાએ નોંધ્યું કે ST કોન્સ્ટેબલના કામના કલાકો દિવસના આઠ કલાક છે. કામના ભારે બોજને કારણે ચંદ્રશેખરને બે શિફ્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણાનો આર્ટિકલ 24 જણાવે છે કે દરેકને આરામ અને રજાનો અધિકાર છે, જેમાં કામના કલાકોની વાજબી મર્યાદાઓ અને વેતન સાથે સમયાંતરે રજાઓનો સમાવેશ થાય છે. જેનો ભારત એક ભાગ છે તે ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન પણ વર્ક-લાઈફ બેલેન્સને માન્યતા આપે છે. અસાધારણ સંજોગો સિવાય કામના કલાકો અઠવાડિયામાં 48 કલાક અને દિવસમાં 8 કલાકથી વધુ ન હોવા જોઈએ.
ન્યાયાધીશે વધુમાં જણાવ્યું હતું કે KKRTCના પોતાના દોષ માટે સસ્પેન્શનની કાર્યવાહી નિઃશંકપણે એક એવી ક્રિયા છે જે સદ્ભાવનાના અભાવથી પીડાય છે. ન્યાયાધીશે કહ્યું કે આ આદેશ રદ કરવો જોઈએ. અરજદાર સસ્પેન્શનના સમયગાળા માટે સેવાનું સાતત્ય અને પગાર સહિત તમામ પરિણામલક્ષી લાભો મેળવવા માટે હકદાર છે.