ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની છે. આ માટે કમલમમાં સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. ભાજપનું પોતાના સંગઠન માટેના નવા સીમાંકનનું આયોજન કરી રહ્યું છે. મંડળ કક્ષાના સંગઠનનું વિસ્તરણ કરવાની પાર્ટીની યોજના છે. હાલ ભાજપમાં આંતરિક રીતે 580 મંડળ અસ્તિત્વમાં છે. જેને વધારીને 800 કરવાનું પક્ષનું આયોજન છે. આ વચ્ચે મોટી ખબર એ છે કે, કેટલાક શહેરોને એક નહિ, બે પ્રમુખ મળવાના છે. જેમાં ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદને પણ બે શહેર પ્રમુખ મળશે.
ગુજરાતમાં ભાજપ સંગઠનની દ્રષ્ટિએ નવું સીમાંકન બનાવવા જઈ રહ્યું છે. ભાજપ દ્વારા અમદાવાદ શહેરને બે વિભાગમાં વહેંચવાની તૈયારી કરાઇ રહી છે. મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેરના વધેલા વ્યાપને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવશે. કર્ણાવતી પૂર્વ અને પશ્ચિમ ભાગ કરી તેમાં બે પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે. બે પ્રમુખોની નીચે સંગઠનનું માળખું રચાશે. આ સાથે વિવિધ મોરચાઓમાં હોદ્દેદારોની પણ નિમણૂંક કરવામાં આવશે. તેમાં વોર્ડ પ્રમુખથી લઈ તમામ મોરચા અને સભ્યો નિમાશે.અમદાવાદ શહેરના વધતા વ્યાપને લઇ સંગઠન મજબૂત કરવા માટે આયોજન કરાયું હોવાનું મનાય છે.
અમદાવાદ ઉપરાંત સુરત મહાનગર, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાને પણ 2 સંગઠન પ્રમુખ મળશે. 50થી 70 બુથના એક મંડળ કે વોર્ડ પ્રમુખ બનાવવાની દિશામાં ભાજપ કામગીરી કરી રહ્યું છે.
ગુજરાતમાં ભાજપ સંગઠનની દ્રષ્ટિએ નવું સીમાંકન બનાવી રહ્યું છે. જે અંતર્ગત કચ્છ અને બનાસકાંઠા જિલ્લાને 2 સંગઠન પ્રમુખ મળશે. અમદાવાદ અને સુરત મહાનગરને પણ 2 સંગઠન પ્રમુખ બનશે. 50 થી 70 બુથના એક મંડળ કે વોર્ડ પ્રમુખ બનાવવાની દિશામાં ભાજપ કામગીરી કરી રહ્યું છે. આ કારણે સંગઠનની દ્રષ્ટિએ નવું સીમાંકન થયા બાદ વોર્ડ અને મંડળ પ્રમુખ જાહેર કરવાના હોવાથી હાલ પ્રક્રિયા અટકાવી છે.
વિસ્તારો કેવી રીતે વહેંચવા તે હવે નક્કી થશે, નવા કાર્યકરને તક મળશે અમદાવાદ શહેરને પૂર્વ અને પશ્ચિમમાં વહેંચવા માટે સાબરમતી નદીના બન્ને કાંઠે આવેલા વિસ્તારને પૂર્વ પશ્ચિમમાં વહેંચવા કે એક આભાસી રેખાને આધારે વસતી અને વોર્ડની ગણતરી કરીને તેની વહેંચણી કરવી તે મુદ્દે હવે નિર્ણય લેવાશે. આ નક્કી કરવા માટે અમદાવાદ મહાનગર પાલિકાના સત્તાધીશો, કોર્પોરેટરો સહિતના લોકોનો અભિપ્રાય લેવાઇ શકે છે. આ વહેંચણી પાછલનો મુખ્ય ઉદ્દેશ પક્ષમાં વર્ષોથી કાર્ય કરનારા અને સારું કાર્ય કરતા કાર્યકર્તાઓ અને આગેવાનોને હોદ્દો આપી શકાય અને સાથે નવી નેતાગીરી પણ ઊભી કરી શકાશે.