“નારી શક્તિ વંદના” મહિલા આરક્ષણ બિલ ગઈકાલે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું જેમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. બુધવારે ગૃહમાં આ બિલ ઉપર ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટે સોમવારે જ વડાપ્રધાનની આગેવાનીમાં મળેલી કેબિનેટ મીટિંગમાં મહિલા અનામત બિલને મંજૂરી આપી દીધી હતી. જે બિલને મંગળવારે લોકસભાની પ્રથમ બેઠકમાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે નવા સંસદ ભવનમાં આ બિલ રજૂ કર્યું હતું. મહિલા અનામત માટેના આ બિલને ‘નારી શક્તિ વંદના એક્ટ’ નામ આપવામાં આવ્યું છે.
ગૃહમાં બિલ રજૂ કરતાં કાયદામંત્રી અર્જુન મેઘવાલે જણાવ્યુ હતું કે, “આ બિલ મહિલા સશક્તિકરણને લગતું છે. બંધારણના અનુચ્છેદ 239AAમાં સુધારો કરીને, દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCT)માં મહિલાઓ માટે 33 ટકા બેઠકો આરક્ષિત કરવામાં આવશે. અર્જુન મેઘવાલે એમ પણ કહ્યું કે નારી શક્તિ વંદન એક્ટ પસાર થયા બાદ લોકસભામાં મહિલાઓની બેઠકોની સંખ્યા વધીને 181 થઈ જશે.
મહિલા અનામત બિલ ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ પર આજે લોકસભામાં લગભગ સાત કલાક સુધી ચર્ચા થશે. આ બિલ પર ચર્ચાનો સમય આજે સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, માહિતી સામે આવી રહી છે કે કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધી મુખ્ય વક્તા તરીકે ગૃહને સંબોધશે, જ્યારે સરકાર તરફથી નિર્મલા સીતારમણ આ બિલ પર બોલશે. આ સિવાય સ્મૃતિ ઈરાની,ભારતી પવાર, અપરાજિતા સારંગી, સુનિતા દુગ્ગલ અને દિયા કુમારી સહિત ઘણા નેતાઓ આજે આ બિલ પર ચર્ચા કરશે.
મહિલા અનામત બિલને રાજ્યની 50 ટકા વિધાનસભાઓ દ્વારા પસાર કરવાની જરૂર નથી. સંસદમાં પસાર થયા બાદ અને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર થયા બાદ આ કાયદો બની જશે. આ પછી, વસ્તી ગણતરી અને સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી તેનો અમલ કરવામાં આવશે.