સુપ્રીમ કોર્ટે ભારતના બંધારણની પ્રસ્તાવનામાંથી ‘સેક્યુલર’ અને ‘સમાજવાદી’ શબ્દોને દૂર કરવાની માંગ કરતી અરજીને સુનાવણી માટે મોટી બેંચને મોકલવાનું નકારી દીધું હતું. સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે અને આગામી તારીખ 25 નવેમ્બર આપી છે. 42મા સુધારા દ્વારા 1976માં બંધારણની પ્રસ્તાવનામાં ઉમેરવામાં આવેલા આ શબ્દો અંગે સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે બંધારણની પ્રસ્તાવનામાં જે 1976ના સુધારા દ્વારા ‘સમાજવાદી’, ‘સેક્યુલર’ અને ‘અખંડિતતા’ જેવા શબ્દો ઉમેરવામાં આવેલા તેની ન્યાયિક સમીક્ષા કરવામાં આવી છે. જો કે એમ ન કહી શકાય કે કટોકટી દરમિયાન સંસદે જે પણ કર્યું તે નિરર્થક હતું. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ સંજય કુમારની બેન્ચે રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય સુબ્રમણ્યમ સ્વામી, વકીલ વિષ્ણુ શંકર જૈન અને કેટલાક અન્ય લોકોની અરજીઓ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
બંધારણની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’ અને ‘સેક્યુલર’ શબ્દો પર પ્રશ્ન
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી આ બહુ ચર્ચિત અરજીઓમાં બંધારણની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’ અને ‘સેક્યુલર’ શબ્દોના સમાવેશને પડકારવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન CJI જસ્ટિસ ખન્નાએ કહ્યું, ‘આ કોર્ટ દ્વારા ઘણી વખત સંબંધિત સુધારા (42મા સુધારો)ની ન્યાયિક સમીક્ષાકરવામાં આવી છે. સંસદે હસ્તક્ષેપ કર્યો છે. અમે એમ ન કહી શકીએ કે ઈમરજન્સી દરમિયાન સંસદે જે કર્યું તે નિરર્થક હતું.’ સુપ્રીમ કોર્ટ આ મુદ્દે 25 નવેમ્બરે પોતાનો આદેશ આપશે.
25 જૂન, 1975થી 21 માર્ચ, 1977 સુધી સમગ્ર દેશ ભયંકર કટોકટીના સકંજામાં હતો
શ્રીમતિ ઈન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળની સરકારે 42મા બંધારણીય સુધારા હેઠળ 1976માં ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’, ‘સેક્યુલર’ અને ‘અખંડિતતા’ શબ્દો ઉમેર્યા હતા. 42મા બંધારણીય સુધારા દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં ભારતનું વર્ણન ‘સાર્વભૌમ, લોકશાહી પ્રજાસત્તાક’ થી બદલીને ‘સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક’ કરવામાં આવ્યું હતું. ભારતમાં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 25 જૂન, 1975ના રોજ ઈમરજન્સી જાહેર કરી હતી જેને 21 માર્ચ, 1977 સુધી ચાલુ રાખ્યા બાદ હટાવવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે આ કેસને સુનાવણી માટે મોટી બેંચને મોકલવાનું નકારી દીધું
સુનાવણી દરમિયાન અરજદારે કેસને મોટી બેંચને મોકલવા વિનંતી કરતા સુપ્રીમ કોર્ટની બેન્ચે તેનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે ભારતીય અર્થમાં ‘સમાજવાદી હોવુ’ એટલે ‘કલ્યાણકારી રાજ્ય’ માનવામાં આવ્યું છે. એડવોકેટ જૈને જણાવ્યું કે નવ ન્યાયાધીશોની બંધારણીય બેંચના તાજેતરના ચુકાદામાં બહુમતી અભિપ્રાય સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશો – જસ્ટિસ વી આર ક્રિષ્ના ઐયર અને ઓ ચિનપ્પા રેડ્ડી દ્વારા પ્રતિપાદિત ‘સમાજવાદી’ શબ્દની વ્યાખ્યા પર શંકા વ્યક્ત કરી હતી.
વિશ્વમાં સમાજવાદનો ઉપયોગ વિવિધ સંદર્ભોમાં થાય છે
ખંડપીઠે કહ્યું, ‘અમે ભારતમાં સમાજવાદને જે રીતે સમજીએ છીએ તે અન્ય દેશો કરતા ઘણો અલગ છે. આપણા સંદર્ભમાં, સમાજવાદનો અર્થ મુખ્યત્વે કલ્યાણકારી રાજ્ય છે બસ એટલું જ. તેનાથી પ્રાઈવેટ સેક્ટરને ક્યારેય અટકાવાયું નથી, તે સરસ રીતે વિકસી રહ્યું છે. તેનાથી આપણને સૌને ફાયદો થયો છે. જસ્ટિસ ખન્નાએ કહ્યું કે સમાજવાદ શબ્દનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં વિવિધ સંદર્ભોમાં થાય છે અને ભારતમાં તેનો અર્થ એ છે કે રાજ્ય કલ્યાણલક્ષી છે અને તેણે લોકોના કલ્યાણ માટે કાર્યરત રહેવું જોઈએ અને સમાન તકો પૂરી પાડવી જોઈએ.
બંધારણમાં 1976નો સુધારો લોકોનો અભોપ્રાય સાંભળ્યા વિના પસાર કરવામાં આવ્યો હતો
તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે 1994ના ‘એસઆર બોમાઈ’ કેસમાં ‘ધર્મનિરપેક્ષતા’ને બંધારણના મૂળભૂત માળખાના એક ભાગ તરીકે ગણાવ્યો હતો. ત્યારે એડવોકેટ જૈને દલીલ કરી કે બંધારણમાં 1976નો સુધારો લોકોની વાત સાંભળ્યા વિના પસાર કરવામાં આવ્યો હતો, કારણ કે તે કટોકટી દરમિયાન પસાર કરવામાં આવ્યો હતો અને આ શબ્દોનો સમાવેશ કરવાનો અર્થ લોકોને ચોક્કસ વિચારધારાનું પાલન કરવા માટે દબાણ કરવો એઓ થાય છે. જૈને આ મુદ્દાને મોટી બેંચને મોકલવાની વિનંતી કરતાં કહ્યું કે, ‘જ્યારે પ્રસ્તાવના કટ-ઓફ તારીખ સાથે આવે છે, ત્યારે તેમાં નવા શબ્દો કેવી રીતે ઉમેરી શકાય?’
‘પ્રસ્તાવના અલગ નથી બંધારણનું અભિન્ન અંગ છે’- સુપ્રીમ કોર્ટ
અન્ય અરજીકર્તા, એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે જણાવ્યું હતું કે તેઓ ‘સમાજવાદ’ અને ‘સેક્યુલરિઝમ’ની વિભાવનાઓની વિરુદ્ધ નથી, પરંતુ પ્રસ્તાવનામાં તેમના સમાવેશનો વિરોધ કરે છે. બેન્ચે કહ્યું કે બંધારણની કલમ 368 સંસદને બંધારણમાં સુધારો કરવાની સત્તા આપે છે અને આ સત્તા પ્રસ્તાવના સુધી પણ વિસ્તારિત છે. કોર્ટે કહ્યું, ‘પ્રસ્તાવના અલગ નથી બંધારણનું અભિન્ન અંગ છે.
કયા મુદ્દાઓની સમીક્ષા કરવામાં નહીં આવે તે સુપ્રીમ કોર્ટની બેન્ચે સ્પષ્ટપણે જણાવ્યું
સુપ્રીમ કોર્ટની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટ તેની સમીક્ષા નહીં કરે કે લોકસભા 1976માં બંધારણમાં સુધારો કરી શકતી નથી અને પ્રસ્તાવનામાં સુધારો કરવો એ બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તા છે, જેનો ઉપયોગ માત્ર બંધારણ સભા દ્વારા જ થઈ શકે છે. ઉપાધ્યાયે કોર્ટને એટર્ની જનરલ અને સોલિસિટર જનરલના મંતવ્યો સાંભળવા વિનંતી કરતા દલીલ કરી કે 42મા સુધારાને રાજ્યો દ્વારા બહાલી આપવામાં આવી નથી.
શું તેને પ્રસ્તાવનામાં અલગ ફકરા તરીકે ઉમેરવું જોઈએ?
જેમણે એક અલગ અરજી દાખલ કરી છે તે રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે પાછળથી જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે પણ પ્રસ્તાવનામાં આ શબ્દોનો સમાવેશ કરવાનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે પ્રશ્ન એ છે કે શું તેને પ્રસ્તાવનામાં અલગ ફકરા તરીકે ઉમેરવા જોઈએ. સ્વામીએ કહ્યું કે એવું ન કહેવું જોઈએ કે 1949માં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ અપનાવવામાં આવ્યા હતા
જનતા પાર્ટીની સરકારે પણ સંસદમાં બે તૃતીયાંશ બહુમતી સાથે ટેકો આપ્યો હતો
સ્વામીએ કહ્યું, ‘ફક્ત કટોકટી દરમિયાન સંસદ દ્વારા અપનાવવામાં આવ્યા નહોતા, પરંતુ બાદમાં જેનાથી સમાજવાદ અને ધર્મનિરપેક્ષતાના આ વિશેષ પાસાને જાળવી રાખવામાં આવ્યું તેને જનતા પાર્ટીની સરકારની સંસદે પણ બે તૃતીયાંશ બહુમતી સાથે ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું, ‘અહીં મુદ્દો માત્ર આ જ છે કે શું આપણે એ માનીશું કે તે એક અલગ ફકરાના રૂપમાં હોવું જોઈએ, કારણ કે આપણે એમ ન કહી શકીએ કે આ શબ્દો 1949માં અપનાવવામાં આવ્યા હતા. તેથી તે સ્વીકાર્યા પછી માત્ર એક જ મુદ્દો રહે છે કે આપણે મૂળ ફકરાની નીચે એક અલગ ફકરો મૂકી શકીએ.’
સુપ્રીમ કોર્ટે પૂછ્યું – શું બંધારણની પ્રસ્તાવનામાં સુધારો કરી શકાય?
સુપ્રીમ કોર્ટે 21 ઓક્ટોબરે કહ્યું હતું કે ધર્મનિરપેક્ષતાને હંમેશા ભારતીય બંધારણના મૂળભૂત માળખાનો અભિન્ન ભાગ માનવામાં આવે છે અને ‘સમાજવાદી’ અને ‘સેક્યુલર’ શબ્દોને પશ્ચિમી વિભાવનાઓ તરીકે માનવા જોઈએ નહીં. 9 ફેબ્રુઆરીના રોજ, સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે શું બંધારણની પ્રસ્તાવનામાં સુધારો કરી શકાય, જ્યારે તેની સ્વીકૃતિની તારીખ 26 નવેમ્બર, 1949 ને જાળવી રાખી શકાય.
સુપ્રીમ કોર્ટે સુબ્રમણ્યમ સ્વામીની અરજીને સપ્ટેમ્બર 2022માં સુનાવણીમાં ઉમેરી હતી
અગાઉ સપ્ટેમ્બર, 2022 માં, સુપ્રીમ કોર્ટે સ્વામીની અરજીને ‘બલરામ સિંહ અને અન્ય’ દ્વારા દાખલ કરાયેલા અન્ય પેન્ડિંગ કેસ સાથે સુનાવણી માટે ક્લબ કરી હતી. તેમણે બંધારણની પ્રસ્તાવનામાંથી ‘સમાજવાદી’ અને ‘સેક્યુલર’ શબ્દો દૂર કરવાની વિનંતી કરી હતી. સ્વામીની દલીલમાં કહેવામાં આવ્યું હતું કે પ્રસ્તાવના માત્ર બંધારણની આવશ્યક વિશેષતાઓ જ નહીં પરંતુ મૂળભૂત શરતો પણ દર્શાવે છે જેના આધારે તેને એકીકૃત સમુદાય બનાવવા માટે અપનાવવામાં આવ્યું હતું.