- રાહુલ ગાંધીના રાજીનામા બાદ સોનિયા ગાંધી વર્તમાન કાર્યવાહક પ્રમુખ નિમાયા
- 2021 માં કોંગ્રેસને નવા પ્રમુખ મળી શકે છે.
- નવા કોંગ્રેસ પ્રમુખ ગાંધી-નેહરુ પરિવારમાંથી જ હશે કે પછી બીજા કોઈ ?
કોંગ્રેસ પ્રમુખપદની ચુંટણીનો સમય નજીક
કોંગ્રેસ પ્રમુખ પદની ચુંટણી નજીક આવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસમાંથી રાહુલ ગાંધીને ફરીથી કોંગ્રેસ પ્રમુખ પદ ઉપર બેસાડવાની તૈયારી ચાલી રહી હોય, તખ્તો ગોઠવાઈ રહ્યો હોય એવું જણાય છે. શ્રીમતી સોનિયા ગાંધી વર્તમાન સમયમાં કોંગ્રસના કાર્યવાહક પ્રમુખ તરીકે કાર્યરત છે. શ્રીમતી સોનિયા ગાંધીનું સ્વાસ્થ્ય સારું નથી રહેતું તે સર્વવિદિત છે તેમને વારંવાર સારવાર અર્થે અમેરિકાની મુલાકાત લેવાની જરૂર પડે છે. હમણાં પણ દિલ્હીમાં પ્રદુષણ વધતા તેમને દિલ્હી છોડીને અન્ય સ્થાને જવાની સલાહ આપવામાં આવી હતી જેને અનુસરીને શ્રીમતી સોનિયા ગાંધી રાહુલ ગાંધી સાથે ગોવા શિફ્ટ થયા છે. સમગ્ર સ્થિતિ જોતાં 2021મા કોંગ્રેસ પક્ષને નવા પક્ષ પ્રમુખ ચોક્કસ મળશે એવું પ્રતિત થઈ રહ્યું છે.
G 23 ની ગતિવિધિઓ ઉપર સૌની નજર
ઑગસ્ટમાં કોંગ્રેસ પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાં જડમૂળથી પરિવર્તન કરવાની માંગ કરીને કોંગ્રેસ તથા રાષ્ટ્રીય રાજનીતિમાં ધરતીકંપ મચાવી દેનારા કોંગ્રસના દિગ્ગજ ગણાતા 23 નેતાઓ રાજકીય ગલીઓમાં કોંગ્રસના G-23 તરીકે ઓળખાય છે. આ G-23 નું વલણ કેવું રહેશે તેની ઉપર સૌની નજર મંડાયેલી છે. આ G-23 એટલે સોનિયા ગાંધી-રાહુલ ગાંધીના નેતૃત્વ સામે પ્રશ્નાર્થ કરનારા કપિલ સિબ્બલ સહિતના નેતાઓ એવું માને છે કે કોંગ્રેસમાં લોકશાહી પ્રક્રિયા દ્વારા ચુંટણી થવી જોઈએ અને આ ચુંટણીમાં રાહુલ ગાંધી ઉમેદવારી નોંધાવે કે અન્ય કોઈ ઉમેદવાર તરીકે ઉભા રહે પરંતુ G-23 એટલે કે સોનિયા ગાંધીને પત્ર લખનાર ગ્રુપના નેતાઓએ પોતાનો ઉમેદવાર પક્ષ પ્રમુખ તરીકે ઉભો રાખવો જ જોઈએ.
કોંગ્રેસમાં અંદરોઅંદર ચાલી રહી છે ખેંચતાણ
કોંગ્રેસમાં બિહાર વિધાનસભા તથા અન્ય પેટા ચુંટણીમાં થયેલા પાર્ટીના રકાસને કારણે આંતરિક ઉકળાટ જબરદસ્ત વ્યાપેલો દેખાય છે. બિહારમાં તો મહાગઠબંધનની હાર માટે કોંગ્રેસને જ જવાબદાર માનવામાં આવી રહી છે. જોકે એ વાતમાં તથ્ય નથી એવું માનવું પણ ખોટું ગણી શકાય કારણ કે આ વખતે કોંગ્રેસના ફાળે 70 બેઠકો આવી હતી જેમાંથી કોંગ્રેસ માત્ર 19 જ બેઠકો જીતી શકી છે જ્યારે 2015 માં કોંગ્રસના ફાળે 41 બેઠકો આવી હતી જેમાંથી કોંગ્રેસ 27 બેઠકો જીતી હતી. આ ચુંટણીમાં બે બાબતો ધ્યાન કેન્દ્રિત કરતી હતી જેમાં પ્રથમ કોંગ્રેસ દ્વારા ચુંટણી પ્રચારમાં જેટલું ધ્યાન અપાવું જોઈએ તેટલું ધ્યાન ન આપવામાં આવ્યું અને બીજું જે આરજેડીના નેતા શિવાનંદ તિવારીએ કહ્યું હતું તે કે રાહુલ ગાંધી જ્યારે ચુંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો હતો ત્યારે બહેન પ્રિયંકા ગાંધીના સિમલા સ્થિત ઘેર પિકનિક માણતા હતા. રાહુલ ગાંધીએ બિહાર ચુંટણી પ્રચાર માટે માત્ર 3 જ દિવસ આપ્યા હતા. બિહાર વિધાનસભા ચુંટણી તથા અન્ય પેટા ચુંટણીમાં કોંગ્રેસના નિરાશાજનક દેખાવ સામે પાર્ટીના દિગ્ગજ નેતાઓ કપિલ સિબ્બલ અને પી. ચિદમ્બરમ બળાપો વ્યક્ત કરી ચુક્યા છે જેને પગલે પક્ષમાં ઘમાસાણ મચી જવા પામ્યું છે.
કપિલ સિબ્બલ અને અધીર રંજન ચૌધરી સામસામે
કોંગ્રસના નેતા તથા સર્વોચ્ચ અદાલતના વકીલ કપિલ સિબ્બલે હમણાં જ એવું કહ્યું કે, ‘દેશની સૌથી મોટી પાર્ટી દોઢ વર્ષથી પ્રમુખ વગર કામ કરી રહી છે આ કેટલી વિચિત્ર લાગે તેવી વાત છે. કાર્યકરો, નેતાઓ વગેરેને પોતાના પ્રશ્નોના ઉત્તર મેળવવા, નિરાકરણ મેળવવા જવું હોય તો કોની પાસે જાય ? હું જે સત્ય છે એ કહું છું તેથી કોઈનાથી સહન થતું નથી.’ કોંગ્રેસ વર્કિંગ કમીટીના સભ્યોની ચુંટણી થતી નથી પરંતુ વરણી કરવામાં આવે છે. સૌથી પહેલાં તો કોંગ્રેસ પાર્ટીએ પોતાના બંધારણ મુજબ લોકશાહી પધ્ધતિથી કામ કરવું પડશે. કપિલ સિબ્બલના આ બયાન બાદ લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ બીજો મોરચો ખોલ્યો છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, ‘ જે લોકો કોંગ્રેસની ઉપેક્ષા કરે છે તે બધા કાંતો બીજી પાર્ટીમાં જોડાઈ જાય કાંતો પોતાની નવી જ પાર્ટી બનાવી લે. અધીર રંજન ચૌધરીનો ઈશારો સીધો કપિલ સિબ્બલ તરફ હોય તે સ્પષ્ટ દેખાય છે.
અન્ય પાર્ટીઓ પણ કોંગ્રેસને ફટકા મારી રહી છે
કપિલ સિબ્બલ બાદ પી. ચિદમ્બરમ પણ એવા જ સૂરમાં પોતાના અભિપ્રાય આપી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીમા જબરદસ્ત ઘમાસાણ મચી જવા પામ્યુ છે એ સ્પષ્ટ છે. આ તો અંદરની તથા કોંગ્રસના જ નેતાઓના બોલ છે કોંગ્રેસ ઉપર અન્ય પાર્ટીઓ પણ ફટકા મારી રહી છે. જેમાં મોખરે દિલ્હી નાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દેખાય છે. અરવિંદ કેજરીવાલે એવું કહ્યું કે, ‘ કોંગ્રેસનુ પતન થઈ રહ્યું છે. કેટલાય રાજ્યોમાં લોકોએ ભાજપથી કંટાળીને કોંગ્રેસને મત આપ્યા તો કોંગ્રસના ધારાસભ્યો જ ભાજપમાં જોડાઈ ગયા અને ભાજપની સરકાર બનાવી દીધી. બીજી તરફ ડાબેરીઓ તરફથી કોંગ્રેસ માટે તીખી આલોચના કરવામાં આવી છે. બિહારની ચુંટણીના પરિણામો બાદ ડાબેરીઓ કોંગ્રેસને પોતાનું ઘર સરખું કરવાની સલાહ આપી રહ્યા છે. સીપીઆઈના મુખપત્ર ‘ન્યુ એજ’ માં એવું લખ્યું છે કે, ‘ જો કોંગ્રેસે બિહારમાં થોડી વધારે સમજણ બતાવી હોત તો બિહારનું પરિણામ જુદુ જ હોત. દુર્ભાગ્યે મહાગઠબંધનને નિષ્ફળતા મળી હોવા છતાં પણ કોંગ્રેસનો પ્રતિસાદ અત્યંત નબળો હતો. આ જ અર્થની વાત સીપીએમના મુખપત્ર ‘પીપલ્સ ડેમોક્રસી’ માં છપાઈ છે.
કોંગ્રેસની આંતરિક ચુંટણી પદ્ધતિ
કોંગ્રેસ પક્ષ પ્રમુખની આ વખતની ચુંટણી ડિજિટલ ચુંટણી હશે. આ વખતે ડિજિટલ પદ્ધતિ દ્વારા કોંગ્રેસ પ્રમુખ નક્કી કરવામાં આવશે. આ માટે કોંગ્રેસ અધ્યક્ષપદની ચુંટણીમાં મતદાન કરનારા મતદારોને બારકોડેડ ડિજિટલ કાર્ડ આપવામાં આવશે. કોંગ્રેસના અધ્યક્ષ પદની ચુંટણીમાં ભારતભરમાંથી લગભગ 1500 જેટલા ડેલિગેટ મતદાન કરવાપાત્રતા ધરાવે છે. આ દરેક મતદાતાઓને બારકોડ ધરાવતા ડિજિટલ કાર્ડ આપવામાં આવશે.
કોંગ્રેસ પક્ષ પ્રમુખની ચુંટણીમાં રાહુલ ગાંધી ઉમેદવારી કરશે ?
કોંગ્રેસ પક્ષ પ્રમુખની ચુંટણીનો કાર્યક્રમ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે એવી શક્યતા દેખાઈ રહી છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને ભુકંપ મચાવનારા G-23 ગ્રુપના કપિલ સિબ્બલ એવું તથા અન્ય અસંતુષ્ટ જૂથના નેતાઓ એવું માને છે કે આ ચુંટણી ખરેખર તો રાહુલ ગાંધીને જ ફરીથી પક્ષ પ્રમુખ બનાવવાની કવાયત હશે. એવું કહેવાય છે કે કોંગ્રેસની અંદરથી જ એક જુથ એવું મજબુતાઈપૂર્વક માની રહ્યું છે કે હવે કોંગ્રેસનુ અધ્યક્ષ પદ ગાંધી-નેહરુ પરિવાર સિવાયના નેતાને આપવામાં આવે. પોતાના મતને વજનદાર બનાવવા આ જૂથના નેતાઓ રાહુલ ગાંધીએ કહેલું વાક્ય કે, ‘મારે કે ગાંધી પરિવારના કોઈ સભ્યને કોંગ્રેસ પ્રમુખ બનવું નથી.’ જણાવી રહ્યા છે. જોકે આ બધી બાબતો, ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે સૌથી મોટો તથા મહત્વપૂર્ણ પ્રશ્ન એ જ છે કે, ‘ શું રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખ પદ માટે ઉમેદવારી કરશે ખરા ?’