જમ્મુ-કાશ્મીરના સરકારી વિભાગમાં આતંકવાદીઓના કનેક્શનનો ખુલાસો થયો છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવતા બે સરકારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરતા તેમને નોકરીમાંથી તગેડી મુક્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકની કમર તોડવા માટે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બે સરકારી કર્મચારીઓના આતંકવાદીઓ સાથે સંબંધ હોવાની હકીકત સામે આવ્યા બાદ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ તે બન્ને સરકારી કર્મચારીઓને નોકરીમાંથી પાણીચુ પકડાવી દીધુ છે.
બે સરકારી કર્મચારીઓને નોકરીમાંથી અપાયું પાણીચુ
એલજી મનોજ સિંહાએ આતંકવાદી સમર્થકો અને OGW સામે પગલાં લેવાનો સંકલ્પ લીધો હતો. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રાજ્યની સુરક્ષાના હિતમાં બે સરકારી કર્મચારીઓને નોકરીમાંથી તગેડી મૂક્યા છે.
અબી રહેમાન નાયકા અને ઝહીર અબ્બાસ વિરુદ્ધ કાર્યવાહી
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની કાયદા અમલીકરણ એજન્સીઓના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા સંપૂર્ણ તપાસ કર્યા બાદ તેમના આતંકવાદીઓ સાથે સંબંધો હોવાનું સિદ્ધ થયા હતા તે જોતા લેફ્ટનન્ટ ગવર્નરે ભારતીય બંધારણની ધારા (311)(2)(C) નો ઉપયોગ કરીને અબી રહેમાન નાયકા અને ઝહીર અબ્બાસને સરકારી નોકરીમાંથી પાણીચુ પકડાવી દીધુ છે.
આતંકવાદીઓને આશ્રય આપનારાઓ વિશે ADGPએ શું કહ્યું?
જમ્મુ ઝોનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (ADGP) આનંદ જૈને ચેતવણી આપી છે કે જે લોકો રાષ્ટ્રવિરોધી ઈરાદા ધરાવતા હશે કે આતંકવાદીઓને ટેકો આપતા હશે તેમણે ગંભીર પરિણામો ભોગવવા પડશે. જૈને નાગરિકોને સતર્ક રહેવા વિનંતી કરી હતી અને જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તેની જાણ કરીને કાયદા અમલીકરણ એજન્સીઓને સહકાર આપવા જણાવ્યું હતું. જૈને કહ્યું, ‘જે લોકો રાષ્ટ્રવિરોધી ઈરાદા ધરાવે છે અથવા આતંકવાદીઓને કોઈપણ પ્રકારનું સમર્થન આપે છે તેમને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.’
જૈને આતંકવાદીઓની ઇકોસિસ્ટમ અને નેટવર્ક પર લગામ લગાવીને પ્રદેશની શાંતિ જાળવવાનો જમ્મુ કાશ્મીર પોલીસનો સંકલ્પ વ્યક્ત કર્યો અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોની મિલકતો જપ્ત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ADGPએ કહ્યું કે 29 ફરાર આતંકવાદીઓની સંપત્તિની ઓળખ કરી લેવામાં આવી છે. તેમની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તે ટૂંક સમયમાં પૂર્ણ થશે જેનાથી આતંકવાદીઓ પર વધુ લગામ લાગશે.