તેલંગાણામાં હજુ 30 મી નવેમ્બરે મતદાન થવાનું છે ત્યાં અત્યારથી પરિણામોને લઈને અટકળોનું વાતાવરણ ગરમ થઈ ગયું છે. રાજકીય પંડિતો એવું અનુમાન લગાવી રહ્યા છે કે રાજ્યના ચૂંટણી પરિણામો ચોંકાવનારા હોઈ શકે છે. શરૂઆતમાં બીઆરએસ ત્રીજી વાર સત્તા મેળવશે એવું નક્કી છે તે પ્રકારનું ચિત્ર દેખાતું હતું પરંતુ જેમ જેમ પ્રચાર જામતો ગયો અને મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ નવા જ સમીકરણો આકાર લેતા હોય તેવું જણાય છે. શરુઆતના ચિત્રથી વિપરીત હવે રાજ્યની લગભગ ત્રીજા ભાગની બેઠકો પર ચૂંટણી જંગ બીઆરએસ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કસોકસનો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
તેલંગાણાની કુલ 119 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે જેમાંથી 70-75 બેઠકો પર કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે. જ્યારે ભાજપ હૈદરાબાદ અને તેની આસપાસની ત્રણ ડઝન બેઠકો પર મજબૂત હોવાનો મત છે. ત્રીજી બાજુ બીઆરએસ છેલ્લા 10 વર્ષથી સત્તા પર છે તેથી મજબૂત હોવાની ધારણા છે અને તેનાથી વિપરીત બીઆરએસને એન્ટિઇન્કબન્સીનો સામનો કરવો પડી શકે છે એવા પણ વરતારા છે. આમ જોતાં આ બેઠકો પર ચૂંટણી જંગ ત્રિકોણીય અને રસાકસીભર્યો રહેશે એવું દેખાઈ રહ્યું છે. ચૂંટણી નિષ્ણાતો ના મત મુજબ જો જ્યાં ત્રિકોણીય જંગ થવાની સંભાવના છે તે બેઠકો પર ભાજપ 15 ટકા કે તેનાથી વધુ મતમાં હિસ્સો મેળવે તો તેનાથી બીઆરએસને ફાયદો અને કોંગ્રેસને નુકસાન થવાણી સંભાવના વધુ જણાય છે. આમ થવાનું કારણ જણાવતા ચૂંટણી નિષ્ણાતો જણાવે છે કે બીઆરએસ છેલ્લા 10 વર્ષથી સત્તામાં છે જ્યારે આ પહેલા કોંગ્રેસ સત્તા સંભાળી ચૂકી છે તેથી બીઆરએસના વિરોધી મતો કોંગ્રેસને બદલે ભાજપની ઝોળીમાં પડશે પરંતુ તેનાથી ઊલટું થાય અને મતદાર ભાજપથી અળગો રહે તો કોંગ્રેસને તેનો સીધો ફાયદો થઇ શકે છે.
કોંગ્રેસ તરફથી બીઆરએસ-ભાજપ સંબંધોનો હંમેશા પ્રચાર કરાયો છે તો ભાજપ પણ પ્રચારમાં બીઆરએસ સામે પ્રચારની તલવાર તાણીને ઊભો રહેલો દેખાઈ રહ્યો છે ત્યારે જો ચૂંટણીના પરિણામો બીઆરએસની તરફેણમાં પણ ત્રિશંકુ વિધાનસભા તરફના રહે તો સરકાર રચવામાં બીઆરએસને ટેકાની જરૂર પડશે અને વર્તમાન ચિત્ર જોતાં ભાજપ બીઆરએસને સરકાર રચવામાં ટેકો આપવાથી દૂર રહેશે એવી સંભાવના છે. સૌથી મોટું ફેક્ટર એ છે કે જો ભાજપ જ્યાં અત્યારે મજબૂત દેખાય છે તે હૈદરાબાદની બેઠકો પર ભાજપની મજબૂતી મતોમાં પરિવર્તિત થાય તો ઓવૈસીની એમઆઇએમના ગઢમાં ગાબડું પડશે અને તેને પરિણામે ઓવૈસીની છબી જે મુસ્લિમના એકમાત્ર નેતા તરીકેની બનાવવાની કોશિશ ઓવૈસી તરફથી થાય છે તેને મોટો ફટકો પડશે. કોંગ્રેસની સ્થિતિ ગયા વખત કરતાં સારી રહેવાની ધારણા છે જેના કારણોમાં એક તો પાડોશી રાજ્ય કર્ણાટકમાં તે સત્તા પર હોવાના કારણે અને આ પહેલા થયેલી અન્ય રાજયોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું ચૂંટણી મેનેજમેન્ટ ઘણું સુધર્યું છે તે દેખાયું છે, આ ઉપરાંત કોંગ્રેસ બીઆરએસના શાસનના વિરોધમાં ઊભી થયેલી લહેરનો લાભ ઉઠાવવાનું પહેલાથી જ નક્કી કરી ચૂકી છે અને તેથી જ આ વખતે વધારે બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે.