સુપ્રીમ કોર્ટે મંગળવારે દેશની ચૂંટણીમાં બેલેટ પેપરના ઉપયોગને લગતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથ અને પીબી વરાલેની બેન્ચે ટિપ્પણી કરી હતી કે, “જ્યારે તમે ચૂંટણી જીતો છો, ત્યારે ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવતી નથી. જ્યારે તમે હારી જાઓ છો ત્યારે EVM સાથે છેડછાડ કરવામાં આવે છે.”
સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવેલી આ અરજીમાં બેલેટ પેપર દ્વારા મતદાન કરવા સિવાય અન્ય ઘણી માર્ગદર્શિકાની માંગ કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી કે જો કોઈ ઉમેદવાર ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવિત કરવા માટે પૈસા, દારૂ અથવા અન્ય વસ્તુઓની વહેંચણીમાં દોષિત ઠરે તો તેને ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવવો જોઈએ.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, જ્યારે અરજી દાખલ કરનાર કેએ પૌલે કહ્યું કે તેણે પીઆઈએલ દાખલ કરી છે ત્યારે બેન્ચે કહ્યું, “તમારી પાસે રસપ્રદ પીઆઈએલ છે. તમને આ તેજસ્વી વિચારો ક્યાંથી આવ્યા?”
અરજી દાખલ કરનાર વ્યક્તિએ કહ્યું કે તે એવી સંસ્થાનો પ્રમુખ છે જેણે ત્રણ લાખ અનાથ અને ચાલીસ લાખ વિધવાઓને બચાવી છે. આના પર બેન્ચે કહ્યું, “તમે રાજકીય મેદાનમાં કેમ આવી રહ્યા છો? તમારું કાર્યક્ષેત્ર ઘણું અલગ છે.”
‘તમે દુનિયાથી અલગ કેમ નથી થવા માગતા?’
જ્યારે કેએ પૉલે કહ્યું કે તેઓ વિશ્વના 150 દેશોમાં ગયા છે ત્યારે બેન્ચે તેમને પૂછ્યું કે શું મતદાન બેલેટ પેપર દ્વારા થાય છે કે દરેક દેશમાં ઈવીએમનો ઉપયોગ થાય છે. આ અંગે અરજી કરનાર વ્યક્તિએ કહ્યું કે વિદેશમાં બેલેટ પેપર દ્વારા મતદાન થાય છે અને ભારતમાં તેનું પાલન થવું જોઈએ. આ પછી સુપ્રીમ કોર્ટે પૂછ્યું, “તમે દુનિયાથી અલગ કેમ નથી થવા માગતા?”
આ પ્રશ્નના જવાબમાં કેએ પોલે જવાબ આપ્યો કે ભ્રષ્ટાચાર થયો હતો અને આ વર્ષે જૂનમાં ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે તેઓએ 9,000 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. આ પછી ખંડપીઠે પૂછ્યું, “તમે જે દાવો કરી રહ્યા છો તેના પર આનાથી રાહત કેવી રીતે મળશે?” સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે જો તમે બેલેટ પેપર પર પાછા ફરો તો શું ભ્રષ્ટાચાર નહીં થાય?
સુનાવણી દરમિયાન કેએ પોલે દાવો કર્યો હતો કે ઈલોન મસ્કે કહ્યું હતું કે ઈવીએમમાં છેડછાડ થઈ શકે છે. તેમણે ચંદ્રાબાબુ નાયડુ અને વાયએસ જગન મોહન રેડ્ડીનું નામ લેતા પણ આવા દાવા કર્યા હતા. આના પર બેન્ચે કહ્યું, “જ્યારે ચંદ્રબાબુ નાયડુ ચૂંટણી હારી ગયા ત્યારે તેમણે કહ્યું કે ઈવીએમ સાથે ચેડાં થઈ શકે છે. હવે આ વખતે જગન મોહન રેડ્ડી હાર્યા, તેમણે કહ્યું કે ઈવીએમ સાથે ચેડાં થઈ શકે છે.