બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા તથા રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા લગ્નના બંધનથી જોડાઈ ગયા છે. હજુ આ યુગલને લગ્નની શુભકામના મેળવી રહ્યું છે ત્યાં તેમના લગ્ન સમારોહ પાછળ કરવામાં આવેલા ખર્ચ બાબતે શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.
ઉદયપુરમાં આવેલી લક્ઝરી હોટેલ એવી ધ લીલા પેલેસમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા શુક્રવારે સપરિવાર ઉદયપુર પહોંચ્યા હતા જ્યારે રવિવારે ઉદયપુરની એક લક્ઝરી હોટલમાં રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્નનો સમારોહ યોજાયો હતો. આ લગ્નમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત આમ આદમી લગ્ન સમારોહમાં શામેલ થયા હતા. ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ પત્ની ગીતા બસરા સાથે તથા પૂર્વ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સહિત અન્ય સેલીબ્રીટીઝ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા.
શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે રાઘવ ચઢ્ઢાએ વર્ષ 2020-21માં ફાઈલ કરેલા ઈન્કમ ટેક્સ રીટર્ન જેમાં રાઘવ ચઢ્ઢાએ પોતાની આવક 2.44 લાખ દર્શાવી છે તેનો હવાલો આપતા ટ્વીટ કરીને ભગવંત માનને સવાલ પૂછ્યો છે કે, રાઘવ ચઢ્ઢાની અઢી લાખની આવક છે, જ્યારે તેમણે જે સ્થળે લગ્ન કર્યા છે, ત્યાંનું બિલ 10થી 15 કરોડનું હશે. શું આપ સરકાર પંજાબથી આ ફંડની ચૂકવણી કરશે? પંજાબની મશીનરીનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે,ત્યાં મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ મોકલવામાં આવ્યા હતા.
સુખબીર સિંહ બાદલે ભગવંત માન સરકાર પર જબરદસ્ત હુમલો કરતા કહ્યું છે કે, ‘પાકિસ્તાનની જે પરિસ્થિતિ છે, તેવી જ પરિસ્થિતિ પંજાબમાં જોવા મળી રહી છે. પંજાબની GDP 32 ટકા પર લાવ્યા હતા, જે 50 ટકા સુધી પહોંચી ગઈ છે. એક સમય એવો આવશે જ્યારે પંજાબ સરકાર પાસે વેતન આપવા માટે પૈસા નહીં હોય.