વીજળી ચોરીના મામલામાં ઉત્તર પ્રદેશના સંભલથી સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક સામે 1 કરોડ 91 લાખ રૂપિયાની રકમ વસુલવાની નક્કી કરવામાં આવી છે. ગુરુવારે વિદ્યુત વિભાગની ટીમે ભારે સુરક્ષા વ્યવસ્થા સાથે ઝિયાઉર રહેમાન બર્કના ઘરની તપાસ કરી હતી. તપાસ દરમિયાન વીજળી વિભાગની ટીમને મીટરમાં ખામી જણાઈ હતી. વીજળી વિભાગે મીટર રીડિંગ અને તથ્યોના આધારે વીજ ચોરીનો કેસ નોંધ્યો છે અને હવે દંડની રકમ નક્કી કરી છે.
સાંસદ વિરુદ્ધ વીજળી અધિનિયમ, 2003ની કલમ 135 (ચોરી અથવા વીજળીનો અનધિકૃત ઉપયોગ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, બર્કના પિતા પર પણ તેમના ઘરે વીજળી વિભાગ દ્વારા તપાસ દરમિયાન સરકારી અધિકારીઓને કથિત રીતે ધમકી આપવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
વીજ જોડાણ અંગે સઘન તપાસના આદેશ
સંભલમાં હિંસા પછી વિદ્યુત વિભાગના નિરીક્ષણ અભિયાન દરમિયાન મોટા પાયે વીજળી ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવતા, મુરાદાબાદના ડિવિઝનલ કમિશનરે ગુરુવારે ડિવિઝનના તમામ ધાર્મિક સ્થળો પર વીજળી જોડાણો અંગે સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા છે. મંડલના કમિશનર અંજનેય કુમાર સિંહે સંભલના એસપી સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક સામે વીજળી ચોરીનો કેસ નોંધાયા બાદ આ સૂચનાઓ આપી છે.
વિભાગીય સમીક્ષા બેઠક દરમિયાન સિંહે નારાજગી વ્યક્ત કરી અને અધિકારીઓને યોગ્ય મીટર સ્થાપિત કરવા અને અનધિકૃત વીજળીના વપરાશને રોકવા માટે નિર્દેશ આપ્યો હતો. ડિવિઝનલ કમિશનર ઓડિટોરિયમમાં યોજાયેલી બેઠકમાં બિજનૌર, રામપુર, અમરોહા અને સંભલના જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
સિંહે વીજળી ચોરીની ઘટનાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી અને વીજળી વિભાગના અધિકારીઓને ડિવિઝનના તમામ જિલ્લાઓમાં સ્થિત મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા અને ચર્ચોમાં વીજળી મીટર લગાવવા અને ચલાવવા અંગે તપાસ અભિયાન હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે નિરીક્ષણ અભિયાન દરમિયાન અધિકારીઓએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ધાર્મિક સ્થળોના મીટરમાંથી વીજળી અન્ય લોકોને ગેરકાયદેસર રીતે વિતરિત કરવામાં આવી રહી નથી અને વિવિધ હેતુઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. સિંહે અધિકારીઓને જર્જરિત ઈલેક્ટ્રીક થાંભલાઓને તાત્કાલિક દૂર કરવા અને દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો.