Spread the love

  • પતિને કોંગ્રેસ આપી શકે છે ટિકિટ
  • પત્નીને જેજેપીએ ટિકિટ આપી
  • આગામી મહિને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી

રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં આગામી મહિને 25 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સ્થિતિમાં દરેક પક્ષો પોતાની રણનીતિ નક્કી કરવા અને ઉમેદવારોની પસંદગી અને જાહેરાત કરી રહ્યા છે ત્યારે રાજસ્થાનમાં એક બેઠક પર પતિ અને પત્ની બન્ને સામસામે ચૂંટણી લડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

રાજસ્થાનમાં દાંતા રામગઢની વિધાનસભાની ચૂંટણીને લઈને ઉત્સુકતા અને રોમાંચ સર્જાયો છે જ્યાં પતિ વિરેન્દ્રસિંહને કોંગ્રેસ તરફથી મળવાની સંભાવના છે જ્યારે વિરેન્દ્રસિંહના પત્ની રીટા ચૌધરીને જનનાયક જનતા પાર્ટી (JJP) તરફથી ચૂંટણી લડવા ટિકિટ મળી છે. આ બેઠકની ચર્ચા અત્યારે ટોક ઓફ ધ ટાઉન બની છે.

વિરેન્દ્રસિંહના પિતા નારાયણસિંહ પીસીસી ચીફ અને સાત ટર્મ સુધી કોંગ્રેસના સાત ટર્મના ધારાસભ્ય પણ રહી ચુક્યા છે, પિતા નારાયણસિંહ અને પુત્ર વિરેન્દ્રસિંહ બન્ને કોંગ્રેસ સાથે વર્ષોથી સંકળાયેલા છે. વિરેન્દ્રસિંહના પત્ની રીટા ચૌધરી પણ રાજકીય રીતે સક્રીય છે અને ઓગસ્ટમાં હરિયાણાની જનનાયક જનતા પાર્ટી (JJP) સાથેમાં જોડાયા હતા. જનનાયક જનતા પાર્ટી (JJP)એ રાજસ્થાનમાં પાર્ટીના મહિલા સંગઠનના પ્રદેશ અધ્યક્ષ રીટા ચૌધરીને બનાવ્યા ત્યારથી તેમણે મતવિસ્તારમાં પોતાનો રાજકીય આધાર મજબૂત કરવા સખત મહેનત કરી. સોમવારે જેજેપીએ રીટા ચૌધરી સહિત છ ઉમેદવારોની યાદી બહાર પાડી ત્યારે આશ્ચર્યજનક રીતે અનેક લોકો જેજેપીમાં જોડાયા હતા.

તેમના પતિ સાથે સંભવિત રાજકીય જંગ વિશે પૂછવામાં આવતા ચૌધરીએ કહ્યું, ‘કોંગ્રેસે હજુ સુધી આ બેઠક પર તેના ઉમેદવાર જાહેર કર્યા નથી તેથી હું આ અંગે ટિપ્પણી કરીશ નહી, પરંતુ લોકો પરિવર્તન ઈચ્છે છે.’ ચૌધરીએ કહ્યું કે તે વિકાસ, પાણીની સમસ્યા અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ચૂંટણી લડશે. આગળ બોલતા રીટા ચૌધરીએ કહ્યું કે, ‘લોકો ખુશ છે કારણ કે તેઓ પરિવર્તન જોવા માંગે છે. હવે પક્ષે મને દાંતા રામગઢ બેઠક પરથી ઉમેદવાર તરીકે પસંદ કરી છે અને મને મારી જીતનો વિશ્વાસ છે,”.

જોકે રીટા ચૌધરીના પતિ વિરેન્દ્રસિંહે કહ્યું કે ચૂંટણી તેમની વચ્ચે ‘સીધો ચૂંટણી જંગ’ હશે. તેમણે કહ્યું કે, ‘જેજેપીએ તેમને (રીટા ચૌધરીને) મેદાનમાં ઉતાર્યા છે અને હું પણ નામાંકન મેળવવાની આશા રાખું છું. આવી સ્થિતિમાં, ચોક્કસપણે પતિ-પત્ની વચ્ચે સીધો ચૂંટણી જંગ હશે,’. વીરેન્દ્ર સિંહે વધુમાં કહ્યું કે, તેમણે મતવિસ્તારમાં ત્રણ સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને નવી શાળાઓ જેવા અનેક કલ્યાણકારી પ્રોજેક્ટ હાથ ધર્યા છે અને વિકાસના મુદ્દા પર ચૂંટણી લડશે.’

ઉલ્લેખનીય છે કે રિટા ચૌધરીએ દાંતા રામગઢની બેઠક પર ચૂંટણી લડવા કોંગ્રેસ પાસે 2018ની ચૂંટણીમાં ટિકિટ માગી હતી પણ કોંગ્રેસે તેમને ટિકિટ આપવાનું નકારીને તેમના પતિને ટિકિટ આપી હતી. આ વખતની ચૂંટણીમાં જનનાયક જનતા પાર્ટી (JJP)ના મહિલા અધ્યક્ષ એવા રિટા ચૌધરીને જનનાયક જનતા પાર્ટી (JJP)એ ટિકિટ આપી છે જ્યારે આ જ બેઠક પરથી ચૂંટણી લડવા જો કોંગ્રેસ તેમના પતિ વિરેન્દ્રસિંહને ટિકિટ આપશે તો રસપ્રદ માહોલ સર્જાશે. રાજસ્થાનના રાજકીય ઇતિહાસમાં કદાચિત આ પ્રથમ વખત એવું બની શકે છે કે પતિ પત્ની એક જ બેઠક પરથી ચૂંટણી જંગ લડતા હોય. જોકે હજુ ચૂંટણીને વાર છે ત્યારે અનેક સંભાવનાઓથી સભર રાજકારણ કઈ તરફ પડખું બદલે તે કહી શકાય નહી છતાં અત્યારે તો ચિત્ર એવું બન્યું છે કે રાજસ્થાનની દાંતા રામગઢ વિધાનસભા બેઠક પર પતિ-પત્ની વચ્ચે ટક્કર જોવા મળી શકે છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.