કેન્દ્ર સરકાર સંસદના વર્તમાન સત્રમાં જ ‘વન નેશન-વન ઈલેક્શન’ બિલ રજૂ કરી શકે છે. સંસદમાંથી બિલને ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવશે.
સપ્ટેમ્બરમાં કેન્દ્રીય કેબિનેટે વન નેશન-વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘પ્રથમ તબક્કામાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી એકસાથે યોજાશે. આ પછી 100 દિવસમાં બીજા તબક્કામાં નાગરિક ચૂંટણીઓ યોજવી જોઈએ.
વન નેશન વન ઇલેક્શન પર વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટ 18 હજાર 626 પેજનો છે.
આ પેનલ 2 સપ્ટેમ્બર 2023ના રોજ બનાવવામાં આવી હતી. આ રિપોર્ટ સ્ટેકહોલ્ડર્સ-નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ 191 દિવસના સંશોધનનું પરિણામ છે. સમિતિએ તમામ એસેમ્બલીનો કાર્યકાળ 2029 સુધી લંબાવવાનું સૂચન કર્યું છે.
કોવિંદ પેનલની ભલામણમાં 5 સૂચનો
આગામી લોકસભા ચૂંટણી એટલે કે 2029 સુધી તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ લંબાવવામાં આવે. ત્રિશંકુ વિધાનસભા (કોઈની પાસે બહુમતી નથી) અને અવિશ્વાસની દરખાસ્તના કિસ્સામાં, બાકીની 5-વર્ષની મુદત માટે નવી ચૂંટણીઓ યોજવામાં આવી શકે છે. પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થઈ શકે છે, ત્યારબાદ બીજા તબક્કામાં 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી થઈ શકે છે. ચૂંટણી પંચ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને એક જ મતદાર યાદી અને મતદાર ઓળખ કાર્ડ તૈયાર કરશે. કોવિંદ પેનલે એકસાથે ચૂંટણી યોજવા માટે સાધનો, માનવબળ અને સુરક્ષા દળોના આગોતરા આયોજનની ભલામણ કરી છે.
કાયદો બનાવવામાં કઈ અડચણો આવી શકે?
કોવિંદ સમિતિએ 18 બંધારણીય ફેરફારો સૂચવ્યા છે, જેમાંથી મોટા ભાગનાને રાજ્યની વિધાનસભાઓની સંમતિની જરૂર નથી. કેટલાક બંધારણીય ફેરફારો માટે સંસદમાં બિલ પસાર કરવા જરૂરી રહેશે. એક મતદાર યાદી અને સિંગલ વોટર આઈડી કાર્ડ માટે અડધાથી વધુ રાજ્યોની મંજૂરીની જરૂર પડશે. શક્ય છે કે કોવિંદ કમિટીના રિપોર્ટ પર લો કમિશન પણ પોતાનો રિપોર્ટ રજૂ કરે. સૂત્રોનું કહેવું છે કે કાયદા પંચે 2029માં લોકસભા, વિધાનસભા, સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોની ચૂંટણી એકસાથે યોજવાનું સૂચન કરવું જોઈએ. આ સિવાય ગઠબંધન સરકાર અને ત્રિશંકુ વિધાનસભા જેવી પરિસ્થિતિમાં કાયદા પંચે નિયમોની માગ કરવી જોઈએ.
એક દેશ, એક ચૂંટણી લાગુ કરવા માટે અનેક રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ ઘટાડવામાં આવશે. જે રાજ્યોમાં 2023ના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યાં તેમનો કાર્યકાળ લંબાવી શકાય છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમામ પક્ષો લો કમિશનના પ્રસ્તાવ પર સહમત થશે તો તેને 2029થી જ લાગુ કરવામાં આવશે. ઉપરાંત, આ માટે ડિસેમ્બર 2026 સુધીમાં 25 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવી પડશે.