બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માયાવતીએ રવિવારે ચૂંટણીમાં ગડબડનો આરોપ મૂક્યો હતો, રાજ્યની નવ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો તેના એક દિવસ પછી તેમણે કહ્યું હતું કે હવે તેમની પાર્ટી કોઈપણ પેટા ચૂંટણી લડશે નહી. ઉત્તર પ્રદેશમાં નવ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં BSP ઉમેદવારો સાત મતવિસ્તારોમાં ત્રીજા સ્થાને રહ્યા હતા, જ્યારે બે બેઠકો પર તેઓ આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) અને AIMIMના ઉમેદવારોને પાછળ રાખીને પાંચમા સ્થાને રહ્યા હતા.
રવિવારે પત્રકારો સાથે વાત કરતા BSPના વડા માયાવતીએ કહ્યું હતું કે, ‘અમારી પાર્ટીએ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી દેશનું ચૂંટણી પંચ દેશમાં ચુંટણીમાં ગડબડ રોકવા માટે યોગ્ય કડક પગલાં નહીં લે ત્યાં સુધી અમારી પાર્ટી દેશમાં કોઈ પેટાચૂંટણી લડશે નહીં. તેમણે કહ્યું, ‘જ્યારે સામાન્ય ચૂંટણીઓમાં સરકારી તંત્ર સત્તા પરિવર્તનથી ડરતુ હોવાથી આ બાબતમાં થોડું રક્ષણ મળી રહે છે. અગાઉ માયાવતીએ કહ્યું હતું કે, ‘આ વખતે જે રીતે મતદાન થયું અને જે પરિણામો આવ્યા છે તેને લઈને લોકોમાં સામાન્ય ચર્ચા છે કે દેશમાં અગાઉ જ્યારે બેલેટ પેપરથી ચૂંટણી યોજાતી હતી ત્યારે સત્તાનો દુરુપયોગ કરીને ખોટુ મતદાન કરવામાં આવતું હતું અને હવે ઇવીએમ દ્વારા મતદાન થાય છે ત્યારે પણ કરવામાં આવે છે.
માયાવતીએ દાવો કર્યો કે, હવે આ પ્રવૃત્તિઓ સામાન્ય ચૂંટણીને બદલે ખાસ કરીને પેટાચૂંટણી દરમિયાન વધુ ખુલ્લેઆમ થઈ રહી છે. તેમણે કહ્યું, ‘આપણે ઉત્તર પ્રદેશની પેટાચૂંટણીમાં આ જોયું. મહારાષ્ટ્રમાં ચૂંટણીને લઈને પણ આવી જ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આપણા દેશમાં લોકશાહી માટે આ એક મોટી ચેતવણી છે.
માયાવતીએ કહ્યું, ‘આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, અમારી પાર્ટીએ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી ભારતનું ચૂંટણી પંચ મતદાનમાં થતી ગડબડ રોકવા માટે કડક પગલાં નહીં લે ત્યાં સુધી અમે દેશભરમાં, ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં કોઈ પણ પેટાચૂંટણીમાં ભાગ લઈશું નહીં. હું અહીં પેટાચૂંટણીનો ખાસ ઉલ્લેખ કરી રહી છું.”