પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા નિતિન રાઉતે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ પર મોટો આરોપ લગાવતા કહ્યું છે કે, ‘જય ભીમ’ બોલવાને કારણે તેમનું નામ મંત્રીની યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનારી ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓની ઝડપ તેજ બની રહી છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા નીતિન રાઉતનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. નીતિન રાઉતે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ પર મોટો આરોપ લગાવ્યો છે.
નીતિન રાઉતે કહ્યું કે,શપથગ્રહણ પહેલા મને બોલાવવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તમારું નામ કેબિનેટમાં છે, તૈયારી શરૂ કરો, પરંતુ જ્યારે શપથ ગ્રહણ થવાનું હતું ત્યારે મને કહેવામાં આવ્યું કે તમારું નામ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું છે. આ કારણે હું ત્રણ મહિના સુધી મંત્રાલયમાં ગયો નથી.
‘જય ભીમ’ બોલવા બદલ મંત્રી પદ ન મળ્યું?
નીતિન રાઉતે વધુમાં જણાવ્યું હતું કે, “મતદારોએ મને જે વિસ્તારમાં ચૂંટ્યો છે તે વિસ્તારના કામો કરાવવા માટે આખરે હું ઘણા મહિનાઓ પછી મંત્રાલય પહોંચ્યો. ત્યાં મારે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને મળવાનું થયું. જ્યારે હું મુખ્યમંત્રીને મળવા ગયો ત્યારે છઠ્ઠી કેબિનેટ મીટિંગ હતી. મારા ગયા પછી કેબિનેટની બેઠક પૂરી થઈ. તે સમયે એકનાથ રાવ ગાયકવાડ રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. તેમણે મને રસ્તામાં મારો હાથ પકડીને રોક્યો અને કહ્યું, “નીતિનભાઈ, તમે વિલાસરાવને મળવા જઈ રહ્યા છો, તેથી હું તમને એક અગત્યની વાત કહેવા માંગુ છું.”
નીતિન રાઉતે આગળ કહ્યું, “મેં કહ્યું કે કહો – ત્યાર બાદ તેમણે કહ્યું કે અહીં નહી અને મને ખૂણામાં લઈ ગયા અને મને કહ્યું કે તમે વિલાસ રાવ દેશમુખને જોરથી જય ભીમ કહો છો ને, આ જય ભીમ બોલવાનું બંધ કરી દો કારણ કે તેના કારણે જ તમે તમારું મંત્રી પદ ગુમાવ્યું. ત્યાર બાદ મેં કહ્યું, “મને કહો કે જય ભીમ બોલવાને કારણે જો હું મારું મંત્રી પદ જતું હોય તો મારા માટે આનાથી મોટું ગૌરવ બીજું શું હોઈ શકે.”
તમને જણાવી દઈએ કે નીતિન રાઉત ઉત્તર નાગપુર સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ ઉપર લગાવેલા આરોપોને કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે.