ઝારખંડના પાટનગર રાંચીમાં બુધવારે વડાપ્રધાન મોદી બિરસા મેમોરિયલ પાર્ક જઇ રહ્યાં હતા ત્યારે રેડિયમ રોડ પર અચાનક એક મહિલા વડાપ્રધાનની કારની આગળ આવી જતા મોટી સુરક્ષા ચૂક સામે આવી હતી અને પરિણાણે વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મીઓમાં અફરા તફરીનું વાતાવરણ છવાઈ ગયું હતુ. વડાપ્રધાનની કારની આગળ મહિલા આવી જતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કારને ત્યાં થોડી વાર રોકાઈ જવું પડ્યું હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ઝારખંડના રાંચીના પ્રવાસે આવ્યા હતા. સવારે વડાપ્રધાનનો કાર્યક્રમ જેલ ચોક સ્થિત બિરસા મુંડા મેમોરિયલ સહ પાર્ક જઈ બિરસા મુંડાને અંજલિ આપવાનો હતો. પીએમ મોદી સવારે રાજભવનથી નીકળીને બિરસા મુંડા મેમોરિયલ પાર્ક જઈરહ્યા હતા ત્યારે રેડિયમ રોડ પર તેમની સુરક્ષામાં ચૂક જોવા મળી હતી અને એક મહિલા અચાનક કાફલામાં ઘુસીને વડાપ્રધાનની કારની સામે આવી જતા કાર રોકવાની ફરજ પડી હતી.
પીએમ મોદીનો કાફલો અચાનક ઉભી થયેલી સ્થિતિને કારણે રોકાઈ જવાને કારણે તુરત પીએમ મોદીની સુરક્ષામાં તહેનાત એનએસજી અને અન્ય સુરક્ષા ગાર્ડ્સ સાવધાન થઇ ગયા હતા. થોડાક સમય માટે અસમંજસ પ્રવર્તી ગઈ હતી જોકે સુરક્ષા ટીમ અને પોલીસના જવાનોએ સમયસૂચકતા વાપરીને તાબડતોબ પીએમ મોદીની કારની સામે આવી ગયેલી મહિલાને રસ્તાની બાજુમાં લઇ ગયા હતા. ત્યારબાદ પીએમ મોદીનો કાફલો આગળ વધ્યો હતો.