મણિપુર 3 મે, 2023 થી કુકી-ઝો અને મેઇતેઈ લોકો વચ્ચે વંશીય હિંસાથી પ્રભાવિત છે. 250 થી વધુ લોકો માર્યા ગયા છે અને 60,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. હાલમાં રાજ્યમાં ભારતીય સેના, આસામ રાઈફલ્સ, CRPF અને મણિપુર પોલીસ સહિત લગભગ 60,000 સુરક્ષાકર્મીઓ તૈનાત છે. આ દરમિયાન પૂર્વ ચીફ જસ્ટિસે સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે.
મણિપુરમાં રવિવારે જાતિય હિંસાના 600 દિવસ પૂર્ણ થયા. સ્થિતિને કાબૂમાં લેવા માટે કેન્દ્રએ વારંવાર રાજ્યમાં વધુ સૈનિકો મોકલ્યા છે. હાલમાં, રાજ્યમાં ભારતીય સેના, આસામ રાઈફલ્સ, CRPF અને મણિપુર પોલીસ સહિત લગભગ 60,000 સુરક્ષાકર્મીઓ તૈનાત છે. આ દરમિયાન મણિપુરને નવા રાજ્યપાલ પણ મળ્યા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા મંગળવારે જારી કરાયેલા નોટિફિકેશનમાં પાંચ રાજ્યોના નવા રાજ્યપાલોની નિમણૂક અંગે માહિતી આપવામાં આવી છે. જેમાં સૌથી અચંબિત કરનારુ નામ ભારતના ભૂતપૂર્વ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાનું છે જેમની મણિપૂરના રાજ્યપાલ તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ ઘટનાક્રમ વચ્ચે હવે મણિપુર હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસે મણિપુર હિંસા અંગે મોટું નિવેદન આપ્યું છે.
મણિપુર હિંસા પાછળ અદ્રશ્ય શક્તિઓનો હાથ
ધ હિન્દુમાં પ્રકાશિત અહેવાલ મુજબ, મણિપુર હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સિદ્ધાર્થ મૃદુલે મંગળવારે (24 ડિસેમ્બર, 2024) કહ્યું હતું કે મણિપુરમાં ચાલી રહેલી જાતિ હિંસા પાછળ ‘અદૃશ્ય હાથ’ હોવાનું જણાય છે. જસ્ટિસ મૃદુલ TMP મણિપુર, મૈતેઈ એલાયન્સ અને મણિપુર ઈન્ટરનેશનલ યૂથ સેન્ટર દ્વારા આયોજિત ‘અન્ડરસ્ટેન્ડિંગ ધ બેરિયર્સ ટુ વાયોલન્સ ઇન નોર્થ-ઈસ્ટ ઈન્ડિયા એન્ડ મણિપુરઃ ધ વે ફોરવર્ડ’ પર એક પેનલ ચર્ચામાં બોલતા તેમણે કહ્યું કે જ્યારે પણ સ્થિતિ સામાન્ય થવા લાગે છે ત્યારે કોઈને કોઈ હિંસાનો નવો ડોઝ આપે છે. ‘આ કોનો હાથ છે, તે મને હજી સ્પષ્ટ નથી થયું.’
મણિપુરમાં 60,000 સૈનિકો તૈનાત
ન્યાયમૂર્તિ મૃદુલે જણાવ્યું હતું કે, 60,000 સૈનિકો સાથે પણ સરકાર કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં અસમર્થ સાબિત થઈ રહી છે. “આની પાછળ ઘણા કારણો હોઈ શકે છે.” મણિપુરમાં શાંતિ અને સામાન્યતા પાછી ફરવી જ જોઈએ તેના પર ભાર મૂકતા, તેમણે કહ્યું, ‘જો આપણે એવી રાહ જોઇશું કે સંઘર્ષનો થાક ઓસરે પછી કશું કરીશું, તો બચાવવા જેવું કંઈ બચશે નહીં’.
મણિપુર હિંસામાં 250 થી વધુ લોકોના મોત
મણિપુર 3 મે, 2023 થી કુકી-ઝો અને મેઇતેઈ લોકો વચ્ચે વંશીય હિંસાથી પ્રભાવિત છે. 250 થી વધુ લોકો માર્યા ગયા છે અને 60,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. 21 નવેમ્બરે નિવૃત્ત થયેલા જસ્ટિસ મૃદુલે રાજ્યમાં મોંઘવારી અને વધતી જતી બેરોજગારી પર પ્રકાશ પાડતા કહ્યું, જ્યારે પણ હું દિલ્હીથી ઇમ્ફાલ પાછો જતો ત્યારે હું મારી સાથે શાકભાજી લેતો જતો હતો. ખીણમાં સરકારી અને યુનિવર્સિટીઓમાં નોકરી સિવાય કોઈ રોજગાર નથી.
વિસ્થાપિત લોકોને પોતાના ઘરે પરત ફરવા સુરક્ષા આપવી જોઈએ
દરેક જગ્યાએ ભાવોમાં ઉછાળો આવ્યો છે કોઇ ચીજની પહેલા જેટલી માંગ નથી. ખીણ સુધી પહોંચવાનો હવાઈ માર્ગ એકમાત્ર રસ્તો છે, દિલ્હીથી ઈમ્ફાલ સુધી માત્ર થોડી જ ફ્લાઈટ્સ ચાલે છે. તેમણે સૂચન કર્યું કે બંને સમુદાયના આંતરિક રીતે વિસ્થાપિત લોકોને તેમના ઘરે પાછા જવા માટે સુરક્ષા પ્રદાન કરવી જોઈએ. તેમણે કહ્યું, ‘મેં રાહત શિબિરોની મુલાકાત લીધી છે; ત્યાં હું સતત સાંભળતો હતો કે અમે ઘરે પાછા જવા માંગીએ છીએ. આ રાહત શિબિરોમાં રહેતા દરેક વ્યક્તિને તેમના ઘરે પાછા મોકલવામાં આવે અને તેમના જીવન જ નહીં પરંતુ તેમની સંપત્તિ અને આજીવિકાની પણ સુરક્ષા કરવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરવી વધારે પડતી છે? રાહત શિબિરોમાં લગભગ 60,000 લોકો છે અને મણિપુરમાં પણ 60,000 થી વધુ સૈનિકો છે, અને જો આપણે દરેક વ્યક્તિની સુરક્ષાને ધ્યાનમાં લઈએ તો પણ તે પૂરતું હશે.” તેમણે કહ્યું કે તેમને આશા છે કે મણિપુર હિંસા ઉત્તર-પૂર્વને અસ્થિર કરવાના મોટા ષડયંત્રનો ભાગ ન હોય.