ભારતે શુક્રવારે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બહાવલપુરમાં એક જાહેર સભામાં મસૂદ અઝહરે આપેલા તાજેતરના કથિત ભાષણના અહેવાલોને પગલે આ માંગ કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મસૂદ અઝહરે 1924માં ખિલાફતના અંતના 100 વર્ષ પૂરા થવા પર તુર્કિયેમાં આપેલા ભાષણમાં ભારત, વડાપ્રધાન મોદી અને ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ વિરુદ્ધ વાંધાજનક વાતો કહી હતી. આ ભાષણ જૈશના ડિજિટલ પ્લેટફોર્મ પર 3 ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું હતું.
આજથી લગભગ પચીસ વર્ષ પહેલા ભારતીય વિમાનનું આતંકવાદીઓએ અપહરણ કર્યું હતુ અને ભારતે વૈશ્વિક શરમજનક સ્થિતિમાં આવીને આતંકવાદી મસૂદ અઝહરને છોડવો પડ્યો હતો. જ્યારે આતંકવાદી મસૂદ અઝહરને છોડવાની પ્રક્રીયામાં ઉપસ્થિત રહેલા જમ્મુ અને કાશ્મીરના તત્કાલિન ડીઆઈજી એસપી વૈદ્યે પોતાના અનુભવ શું હતા તે કહ્યા હતા.
ભૂતપૂર્વ પોલીસ અધિકારી એસપી વૈદ્ય આતંકવાદી મૌલાના મસૂદ અઝહરની મુક્તિને યાદ કરીને ખૂબ જ નિરાશ જોવા મળ્યા હતા. તેમણે કહ્યું, મેં મારા જીવનમાં ક્યારેય આટલી નિરાશા ક્યારેય નહોતી અનુભવી. મસૂદને છોડવાની આપણા દેશને ભારે કિંમત ચૂકવવી પડી છે. IC-814 અપહરણ પહેલા મસૂદ અઝહરને કોટ ભલવાલ જેલમાંથી છોડાવવા માટે અનેક કાવતરા ઘડવામાં આવ્યા હતા.
જમ્મુ અને કાશ્મીરના તત્કાલિન ડીઆઈજી એસપી વૈદ્યએ એક ખાનગી સમાચાર ચેનલ સાથે વાત કરતા આઈસી 814 હાઈજેકની આખી કહાની સંભળાવી હતી. તેમણે આતંકવાદી મસૂદ અઝહરને જેલમાંથી એરપોર્ટ લઈ જવાની વાત પણ કહી હતી. એસપી વૈદ્યે કહ્યું કે મસૂદ અઝહર કોટ ભલવાલ જેલમાં હતો. તેને જમ્મુ એરપોર્ટ પર લઈ જવામાં આવ્યો હતો. તે સમયે મારુ લોહી ઉકળી રહ્યું હતું જો મારી મરજી ચાલતી હોત તો મેં તેનું ગળું દબાવીને તેને પતાવી દીધો હોત.
એસપી વૈદ્ય જમ્મુ-કાશ્મીરના ડીજીપી પણ રહી ચૂક્યા છે. આ આખી વાત 24 ડિસેમ્બર 1999ની છે. આતંકવાદી મસૂદ અઝહરને પ્લેન હાઇજેકના સાત દિવસ બાદ એટલે કે 31 ડિસેમ્બર 1999ના રોજ મુક્ત કરવામાં આવ્યો હતો. તત્કાલિન ડીઆઈજી એસપી વૈદ્યને મૌલાના મસૂદ અઝહરને કોટ ભલવાલ જેલમાંથી જમ્મુ ટેકનિકલ એરપોર્ટ લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. IC-814 અપહરણ પર, ડૉ. એસપી વૈદ્યે કહ્યું, મને પોલીસ હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યો અને મૌલાના મસૂદ અઝહરને છોડાવવા માટે કોટ ભલવાલ જેલમાં જવા માટે કહેવામાં આવ્યું. મને એ જાણીને અત્યંત આશ્ચર્ય થયું કે સરકારે આતંકવાદીઓ સમક્ષ ઘુંટણ પર આવી ગઈ છે. દેશ માટે આ સૌથી શરમજનક ક્ષણ હતી. હું જેલમાં ગયો અને આતંકવાદી મસૂદને મુક્ત કરવા જેલ સુપ્રિટેન્ડેન્ટને કહ્યું.
ડીઆઈજી એસપી વૈદ્ય આગળ કહે છે કે આતંકવાદી મૌલાના મસૂદ અઝહરને મુક્ત કરવામાં આવ્યો મેં સૈનિકોને તેના ચહેરાને મંકી કેપથી ઢાંકવાનો આદેશ આપ્યો જેનો આતંકી મસૂદ અઝહરે ઇનકાર કરતા મેં તેને અમારી ભાષામાં જોરથી તેને ઘૂંટણિયે પડવા અને મંકી કેપ પહેરવાની ફરજ પાડી. જેલની બહાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા ઊભુ હતું. આતંકવાદી મસૂદ અઝહરની બોડી લેંગ્વેજ ઘમંડી હતી. અમે તેનો ચહેરો ઢાંકીને તેને જમ્મુના ટેકનિકલ એરપોર્ટ પર લઈ ગયા. જો મારી મરજી ચાલતી હોત તો મેં તેને જીવતો ના જવા દીધો હોત. મેં તેનું ગળું દબાવીને પતાવી દીધો હોત. પરંતુ હું ફરજ સાથે બંધાયેલો અધિકારી હતો, મારે તેને જમ્મુ ટેકનિકલ એરપોર્ટ પર વિદેશ મંત્રાલયના અધિકારીઓને સોંપવો પડ્યો. તે દિવસે હું ખૂબ જ નિરાશ હતો. આપણે તેને નહોતો છોડવો જોઈતો.
મારા જીવનમાં આટલી નિરાશા ક્યારેય નહોતી થઈ…
આતંકવાદી મૌલાના મસૂદ અઝહરની મુક્તિને યાદ કરીને એસપી વૈદ્ય ખૂબ જ નિરાશ જોવા મળ્યા હતા. તેમણે કહ્યું, મેં મારા જીવનમાં ક્યારેય આટલે નિરાશાનો અનુભવ નથી કર્યો. આ આખો ઘટનાક્રમ મને જીવનભર પરેશાન કરતી રહેશે. આતંકી મસૂદ અઝહરને મુક્ત કરીને આપણા દેશને ભારે કિંમત ચૂકવવી પડી હતી. આતંકી મસૂદ અઝહરને કોટ ભલવાલ જેલમાંથી છોડાવવા માટે IC-814 અપહરણ પહેલા અનેક કાવતરા ઘડવામાં આવ્યા હતા. એકવાર 7 આતંકવાદીઓના જૂથે કોટ ભલવાલ જેલ પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું જેથી આતંકી મસૂદ અઝહર ભાગી શકે. જોકે અમારી પાસે પહેલેથી જ ઇનપુટ હોવાથી અને અમે તે આતંકવાદીઓને સફળતાપૂર્વક ઠાર કર્યા હતા.
આતંકી મસૂદને ભગાડવા માટે સુરંગ ખોદવામાં આવી હતી
એસપી વૈદ્યે જણાવ્યું કે બીજો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આતંકી મસૂદ અઝહરને ભગાડવા માટે જેલમાં સુરંગ ખોદવામાં આવી હતી. અમે તે પ્રયાસને નિષ્ફળ બનાવવામાં પણ સફળ રહ્યા. એસપી વૈદ્યે કહ્યું કે સિસ્ટમમાં એવા ઘણા અધિકારીઓ હતા જે આતંકવાદીઓના સંપર્કમાં હતા. નહીંતર આતંકી મસૂદ અઝહરને ભગાડવા માટે જેલમાં સુરંગ ખોદવામાં સફળતા ન મળી હોત. કમનસીબે, સિસ્ટમમાં એવા ભ્રષ્ટ લોકો છે જેઓ દેશને વેચી પણ શકે છે. આપણે IC-814 હાઇજેકને કારણે ઊભી થયેલી કટોકટીનો સામનો કરી શક્યા નહિ. આપણી અસમર્થ અમલદારશાહી કંઈ કરી શકી નથી. તેઓએ ગડબડ કરી અને દેશને શરમજનક સ્થિતિમાં મૂક્યો.