Spread the love

  • કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર થવાની શક્યતા
  • ભારત જોડો યાત્રાનો બીજા ભાગરુપે પદયાત્રા
  • મતદારોને રિઝવવાનો મેગા પ્રયાસ

ગુજરાતમાં કોંગ્રેસ 20 ઓગસ્ટથી પદયાત્રા શરૂ કરશે

કેટલાક સમયથી એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે, કોંગ્રેસના ભુતપુર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો બીજો ભાગ ગુજરાતથી શરૂ કરવામાં આવશે. આ સંદર્ભમાં ચર્ચાઓ કોંગ્રેસની બેઠકમાં થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આવનારા સમયમાં કોંગ્રેસ મતદારોને રિઝવવા માટે મોટા પાયે જનસંપર્કની શરૂઆત કરશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આગામી 20 ઓગસ્ટે ભુતપુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિથી કોંગ્રેસ ગુજરાતમાં પદયાત્રા શરૂ કરશે. આ પદયાત્રામાં કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ જોડાશે અને મતદારો સાથે સંપર્ક કરશે. જિલ્લા દીઠ અને લોકસભાની બેઠક પ્રમાણે જનસંપર્ક કરવાનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે. 

ગુજરાત કોંગ્રેસમાં નવો જોમ અને જુસ્સો ફૂંકવા હાઈકમાન્ડે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. એ દરમિયાન આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની એક બેઠક મળી હતી. આ બેઠકમાં 2024ની લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આગામી સમયમાં કોંગ્રેસના સંગઠનમાં પણ ફેરફાર થવાની શક્યતાઓ બેઠકમાં વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત નવા સંગઠનને લઈને પણ તૈયારીઓની ગતિ વધારી દેવાઈ છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની પણ આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હોવાની ચર્ચા છે. 


Spread the love