મનીષ સિસોદિયાની ગયા વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીના કથિત લિકર પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય AAP નેતા સંજય સિંહની 5 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી.
કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ દિલ્હીના કથિત શરાબ નીતિ કૌભાંડમાં AAP નેતા મનીષ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કર્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ ના રીપોર્ટ અનુસાર સીબીઆઈએ કોર્ટને કહ્યું કે આ કેસમાં કેટલાક હાઈ-પ્રોફાઈલ લોકોની ધરપકડ થઈ શકે છે. હાલમાં તપાસ ચાલી રહી છે અને સિસોદિયા તેમાં અવરોધ લાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે 17 નવેમ્બર 2021ના રોજ કેજરીવાલ સરકારે દિલ્હીમાં નવી શરાબની નીતિ લાગુ કરી હતી. આ નીતિ ઉપર થોડાક જ સમયમાં વિવાદમાં આવી હતી. CBI દિલ્હીના કથિત શરાબ કૌભાંડની તપાસ કરી રહી છે. આ કેસમાં ED મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. EDએ તાજેતરમાં તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરની પુત્રી કે. કવિતાની ધરપકડ કરી હતી. આ પહેલા દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને AAP સાંસદ સંજય સિંહની આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ ધરપકડ કરી હતી.
સિસોદિયા તરફથી કોર્ટમાં શું દલીલ કરવામાં આવી?
મનીષ સિસોદિયાની અરજી પર સોમવારે (18 માર્ચ 2024) સુનાવણી થઈ હતી. આ દરમિયાન સીબીઆઈએ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. બીજી તરફ સિસોદિયા વતી હાજર રહેલા વકીલે દાવો કર્યો હતો કે કોર્ટની કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો છે. તેના પર સુપ્રિમ કોર્ટે કહ્યું કે જો કોર્ટની કાર્યવાહી ધીમી ચાલે તો આરોપી ત્રણ મહિનામાં જામીન માટે અરજી કરી શકે છે.
સિસોદિયાની ક્યુરેટિવ પિટિશન ફગાવી દેવાઈ
આ પહેલા 14 માર્ચે સુપ્રીમ કોર્ટે સિસોદિયાની ક્યુરેટિવ પિટિશન ફગાવી દીધી હતી. AAP નેતાએ તેમની જામીન અરજી ફગાવી દીધા બાદ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે તેને પણ ફગાવી દીધી હતી.
AAP નેતા સત્યેન્દ્ર જૈનને પણ ઝટકો લાગ્યો આજે
આ પહેલા સોમવારે AAP નેતા સત્યેન્દ્ર જૈનને પણ સુપ્રીમ કોર્ટનો ઝટકો લાગ્યો હતો. કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટે જૈનને આપેલા વચગાળાના જામીન પણ રદ કર્યા હતા અને જૈનને તાત્કાલિક શરણે થવા જણાવ્યું હતું.