દિલ્હીમાં પોતાની સત્તાને જાળવીને અને એક નવા રાજ્ય પંજાબમાં સરકાર બનાવ્યા બાદ તથા ગુજરાતની ચુંટણી બાદ રાષ્ટ્રીય પક્ષ બની ગયા બાદ અરવિંદ કેજરીવાલ તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચુંટણીમાંના ત્રણ રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પોતાની પાર્ટીનો વ્યાપ વધારવાનો પ્રયાસ કરી જોયો છે. અરવિંદ કેજરીવાલે મધ્યપ્રદેશમાં 66 બેઠકો, રાજસ્થાનની 85 બેઠકો અને છત્તીસગઢની 53 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેના દમ પર કેજરીવાલ દિલ્હી અને પંજાબમાં ચુંટણી જીત્યા હોવાનું કહેવાય છે તેવી જ રીતે કેજરીવાલે આ ત્રણ રાજ્યોમાં પણ મફત વીજળી, પાણી અને શિક્ષણના વાયદા આપ્યા હતા.
AAP એ એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં 200 થી વધુ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. પોતાના ઉમેદવારોના પ્રચાર માટે કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રેલીઓ અને રોડ શો પણ કર્યા હતા પરંતુ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીને કોઈ ફાયદો થયો હોવનું આવેલા પરિણામોમાં જણાતુ નથી. ત્રણેય રાજ્યોમાં આમ આદમી પાર્ટીને મળેલા મતોને જોતા રાજકીય નિષ્ણાતો એવું માની રહ્યા છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ આ ત્રણેય રાજ્યોના મતદારોએ કેજરીવાલ અને તેમની પાર્ટીના વાયદાઓને સજ્જડ રીતે ફગાવી દીધા છે.
આમ આદમી પાર્ટીને મળ્યા નોટા કરતા પણ ઓછા મત
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ આ ત્રણેય રાજ્યોમાં આમ આદમી પાર્ટી એક પણ સીટ જીતી શકી નથી એટલું જ નહી મોટાભાગની બેઠકો પર AAPના ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત થઈ છે. આમ આદમી પાર્ટીને તથા તેના ઉમેદવારોને મતદારોએ કેટલી ખરાબ રીતે નકારી દીધા એ આમ આદમી પાર્ટીને મળેલા મતોની ટકાવારી જોતા સ્પષ્ટ થાય છે. રાજસ્થાનમાં આમ આદમી પાર્ટીને સમગ્ર રાજ્યમાંથી કુલ 0.38% મત મળ્યા જ્યારે નોટા પર કુલ 0.96% ટકા મત પડ્યા છે, એવી જ રીતે મધ્યપ્રદેશમાં નોટા પર કુલ 0.98% મત પડ્યા જ્યારે આમ આદમી પાર્ટીને કુલ 0.54% મત મળ્યા. આમ આદમી પાર્ટીની હાલત છત્તીસગઢમાં પણ સારી જોવા મળી નથી, છત્તીસગઢમાં આમ આદમી પાર્ટી કુલ 0.93% મત મેળવી શકી જ્યારે નોટા પર 1.26% મત પડ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ તેલંગાણા અને મિઝોરમમાં ઉમેદવારો ઉભા રાખ્યા નથી.