ભાજપના નેતા નવ્યા હરિદાસે વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ પ્રિયંકા વાડ્રા-ગાંધીની ચૂંટણીમાં જીતને કેરળ હાઈકોર્ટમાં પડકારી છે. તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં આ બેઠક પ્રિયંકા વાડ્રા-ગાંધીએ જીતી હતી. પ્રિયંકા ગાંધીએ તેમની પ્રથમ ચૂંટણી વાયનાડથી લડી હતી અને તેમના પ્રતિસ્પર્ધીને પાંચ લાખથી વધુ મતોથી હરાવીને મોટી જીત મેળવી હતી. વાયનાડની બેઠક પરથી તેમના ભાઈ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક જાળવી રાખીને રાજીનામુ આપ્યું હતું.
અરજીમાં કરાયા આક્ષેપો
નવ્યા હરિદાસે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે પ્રિયંકા વાડ્રા-ગાંધીએ ઉમેદવારી પત્રોમાં તેમની અને તેમના પરિવારની સંપત્તિનો યોગ્ય રીતે ખુલાસો કર્યો નથી જે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે અને ભ્રષ્ટ આચારની શ્રેણીમાં આવે છે. નવ્યા હરિદાસે કહ્યું કે અમે હાઈકોર્ટમાં પ્રિયંકા ગાંધી વાડ્રા વિરુદ્ધ ચૂંટણી અરજી દાખલ કરી છે. અરજીમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે પ્રિયંકા ગાંધી વાડ્રાના ઉમેદવારી પત્રમાં તેમના પરિવારની મિલકતો સહિત ઘણી મહત્વપૂર્ણ માહિતી છુપાવવામાં આવી હતી.
ચૂંટણી પંચ પર પણ સવાલો ઉઠ્યા
નવ્યા હરિદાસે એમ પણ કહ્યું કે તેમણે આ બાબતે અગાઉ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી પરંતુ અપેક્ષા મુજબની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાતું નથી. તેમના વકીલ હરિ કુમાર જી નાયરે કહ્યું કે અરજીમાં પ્રિયંકા વાડ્રા-ગાંધીની ચૂંટણી રદ કરવાની માંગ કરવામાં આવી છે. કારણ કે તેમણે મહત્વની માહિતી છુપાવી હતી અને મતદારોને ગેરમાર્ગે દોર્યા હતા.
ક્યારે થશે સુનાવણી?
કેરળ હાઈકોર્ટમાં 23 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી વેકેશન હોવાથી આ કેસની સુનાવણી જાન્યુઆરીમાં થવાની શક્યતા છે. કોંગ્રેસે નવ્યા હરિદાસની અરજીને સસ્તી લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ ગણાવ્યો છે. રાજ્યસભાના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે આ અરજી ફગાવી દેવામાં આવશે અને નવ્યા હરિદાસને દંડ ફટકારવામાં આવશે. કોંગ્રેસના નેતા મણિકમ ટાગોરે કહ્યું કે ભાજપ પાસે આવી અરજી દાખલ કરવાનો અધિકાર છે. પરંતુ અમને વિશ્વાસ છે કે સત્ય અમારી પડખે છે.
શું છે પ્રિયંકા વાડ્રા-ગાંધીના ઉમેદવારી પત્રમાં
પ્રિયંકા વાડ્રા-ગાંધીએ તેમના નામાંકન પત્રમાં 12 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી હતી. નાણાકીય વર્ષ 2023-24માં તેમની કુલ આવક 46.39 લાખ રૂપિયા હતી. જેમાં ભાડાની આવક અને બેંકોના વ્યાજ અને અન્ય રોકાણોનો સમાવેશ થાય છે. તેમની રૂ. 4.24 કરોડથી વધુની જંગમ સંપત્તિનો સમાવેશ થાય છે. જેમાં ત્રણ બેંક ખાતામાં થાપણો, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, PPF, એક હોન્ડા CRV કાર જે તેમના પતિ રોબર્ટ વાડ્રાએ ભેટમાં આપી હતી, અને 4,400 ગ્રામથી વધુ સોનું સામેલ છે.
પ્રિયંકાની વાડ્રા-ગાંધીની સ્થાવર સંપત્તિ
પ્રિયંકા વાડ્રા-ગાંધીની સ્થાવર મિલકતો કુલ કિંમત 7.74 કરોડ રૂપિયાની છે. જેમાં દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં ખેતીની જમીન અને ફાર્મહાઉસમાં તેમનો અડધો હિસ્સો સામેલ છે. આ સિવાય હિમાચલ પ્રદેશના શિમલામાં તેમની પોતાની રહેણાંક મિલકત છે જેની વર્તમાન કિંમત 5.63 કરોડ રૂપિયા છે. પ્રિયંકા વાડ્રા-ગાંધીએ તેમની જવાબદારીઓ તરીકે રૂ. 15.75 લાખની વિગતો આપી છે. તેમના પતિ રોબર્ટ વાડ્રાની મિલકતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમની જંગમ સંપત્તિ 37.9 કરોડ રૂપિયા અને સ્થાવર સંપત્તિ 27.64 કરોડ રૂપિયા છે.