સંસદમાં ‘જય પેલેસ્ટાઈન’ બોલવું અસદુદ્દીન ઓવૈસીને ઘણું ભારે પડ્યું છે, તેને લઈને એ વખતે દેશભરમાં વિવાદ થયો હતો, ત્યાર બાદ હવે બરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજે ઓવૈસીને નોટિસ ફટકારી છે. સંસદમાં ‘જય પેલેસ્ટાઈન’ કહેવાના મામલે બરેલી કોર્ટે નોટિસ જારી કરીને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીને સમન્સ પાઠવ્યું છે. એક વકીલે મંગળવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કોર્ટે આ કેસની સુનાવણી 7 જાન્યુઆરીએ નક્કી કરી છે.
7 જાન્યુઆરીએ હાજર થવા આદેશ
વકીલ વીરેન્દ્ર ગુપ્તાએ સંસદમાં ‘જય પેલેસ્ટાઈન’ કહેવા માટે ઓવૈસી વિરુદ્ધ દાવો દાખલ કર્યો છે. દાવામાં તેમના પર બંધારણીય અને કાયદાકીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એડવોકેટ વીરેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે તેમણે એમપી-એમએલએ કોર્ટ (MP-MLA Court) માં અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. આ પછી તેમણે ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં રિવિઝન પિટિશન દાખલ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે જિલ્લા ન્યાયાધીશની કોર્ટે અરજી સ્વીકારીને સાંસદ અસદુદ્દીન ઓવૈસીને 7 જાન્યુઆરીએ હાજર થવા નોટિસ પાઠવી છે.
દાવો દાખલ કરનાર એડવોકેટ વીરેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે ઓવૈસીના ‘જય પેલેસ્ટાઈન’ના નારાથી તેમને દુઃખ થયું છે. ઓવૈસીનું નિવેદન ભારતના બંધારણની વિરુદ્ધ અને અપમાનજનક છે. આ અંગે તેણે બરેલીના એમપી-એમએલએ કોર્ટ (MP-MLA Court) માં અરજી કરી હતી, જેને કોર્ટે 12 જુલાઈ, 2024ના રોજ ફગાવી દીધી હતી. આ પછી તેણે આ કેસમાં જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં અપીલ કરી.
ઉલ્લેખનીય છે કે, 4 જૂન, 2024ના રોજ 18મી લોકસભાના ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ઓવૈસીએ 25 જૂન, 2024ના રોજ હૈદરાબાદના સાંસદ તરીકે લોકસભામાં શપથ લીધા હતા. શપથ લીધા પછી, ઓવૈસીએ “જય ભીમ, જય મીમ, જય તેલંગાણા, જય પેલેસ્ટાઈન” ના નારા લગાવ્યા, જેના કારણે તે સમયે ભારે હોબાળો થયો હતો. મામલાએ વેગ પકડતા ઓવૈસીએ આ અંગે સ્પષ્ટતા કરી અને કહ્યું, “દરેક વ્યક્તિ ઘણું બધું કહી રહ્યા છે. મેં એટલું જ કહ્યું, ‘જય ભીમ, જય મીમ, જય તેલંગાણા, જય પેલેસ્ટાઈન’. આ કેવી રીતે બંધારણ વિરુદ્ધ છે, બંધારણની જોગવાઈઓ બતાવો.