નવેમ્બરમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે એવામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઓક્ટોબરમાં કુલ રૂ. 1,148.38 કરોડના ઈલેક્ટોરલ બોન્ડનું વેચાણ કર્યું હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કરેલા કુલ ઇલેક્ટરોલ બોન્ડના વેચાણમાં સૌથી વધુ વેચાણ (લગભગ 33 ટકા) હૈદરાબાદ શાખામાંથી થયું હોવાની માહિતી એક આરટીઆઈના જવાબમાં મળી હતી એમ ઇન્ડિયન એક્સ્પ્રેસના એક અહેવાલમાં જણાવાયું છે.
4 થી 14 ઓક્ટોબર દરમિયાન ઈલેક્ટોરલ બોન્ડના વેચાણના 28મા તબક્કામાં વેચાણ કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે આ દરમિયાન પાંચ વિધાનસભા ચૂંટણીઓ માટે 9 ઓક્ટોબરના રોજ ચૂંટણી શેડ્યૂલની જાહેરાત કરી હતી. SBIના ડેટા મુજબ, તેની હૈદરાબાદ શાખાએ EBsના રૂ. 377.63 કરોડનું વેચાણ કર્યું હતું, જે તેના કુલ વેચાણના લગભગ 33 ટકા જેટલું થવા જાય છે, પરંતુ જ્યારે એનકેશ કરવાનો સમય આવ્યો ત્યારે રાજકીય પક્ષોએ તેલંગાણાની રાજધાનીમાં માત્ર રૂ. 83.63 કરોડ (7 ટકા) રિડીમ કર્યા હતા. પારદર્શિતા પ્રચારક કોમોડોર લોકેશ કે બત્રા (નિવૃત્ત) દ્વારા કરવામાં આવેલી એક આરટીઆઈના જવાબમાં, SBIએ જણાવ્યું હતું કે ઈલેકટરોલ બોન્ડ (EB) રિડીમ કરવા માટે 25 રાજકીય પક્ષોએ ખાતા ખોલાવ્યા હતા હતા.
ઇલેક્ટરોલ બોન્ડના વેચાણમાં હૈદરાબાદ બાદ ટોચની શાખાઓમાં કોલકાતા બ્રાન્ચમાંથી (રૂ. 255.28 કરોડ), મુંબઇ બ્રાન્ચમાંથી (રૂ. 17790 કરોડ), નવી દિલ્હી બ્રાન્ચમાંથી રૂ. 130.68 કરોડ અને ચેન્નાઇ બ્રાન્ચમાંથી (રૂ. 95.50 કરોડ) સામેલ હતી. ઇલેક્ટરોલ બોન્ડ એનકેશ કરવાનો ટ્રેન્ડ જોઈએ તો જ્યાં મોટાભાગના રાષ્ટ્રીય પક્ષોના બેન્ક ખાતા હોવાની અપેક્ષા છે એવી SBIની નવી દિલ્હી શાખામાંથી રૂ. 800 કરોડ અથવા 70 ટકા એનકેશ કરવામાં આવ્યા હતા. કોલકાતા શાખામાંથી રૂ. 171.28 કરોડ, હૈદરાબાદ, મુંબઇ શાખામાંથી રૂ. 39 કરોડ અને પટણા શાખામાંથી રૂ.25 કરોડ એનકેશ કરવામાં આવ્યા હતા. અર્થાત આ પાંચ ટોચની બ્રાન્ચ હતી જ્યાંથી ઈલેકટરોલ બોન્ડ એનકેશ કરવામાં આવ્યા હતા.
ઈલેકટરોલ બોન્ડ રૂ. 1,000, રૂ. 10,000, રૂ. 1 લાખ, રૂ. 10 લાખ અને રૂ. 1 કરોડના મૂલ્યોમાં ઉપલબ્ધ હોવા છતાં, સૌથી મોટા મૂલ્યના ઈલેકટરોલ બોન્ડ સૌથી વધુ લોકપ્રિય જણાયા છે. વેચાણના તાજેતરના તબક્કામાંનું વિશ્લેષણ કરતાં જણાય છે કે SBIએ 2,012 વ્યક્તિગત ઇલેક્ટરોલ બોન્ડ વેચ્યા, જેમાંથી અડધાથી વધુ લગભગ 1,095 ઇલેક્ટરોલ બોન્ડ રૂ. 1 કરોડના મૂલ્યના હતા.