શરાબ આબકારી નીતિ કેસમાં ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને શુક્રવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટ દ્વારા તેમને રાહત મળી નહોતી અને કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 10 નવેમ્બર સુધી લંબાવી હતી. કોર્ટમાં સંજયને હાજર કરવામાં આવ્યા તે પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સંજયસિંહની મુક્તિની માંગણી સાથે પાર્ટી ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓ ભાજપ કાર્યાલય તરફ કૂચ કરવાના હતા, પરંતુ પોલીસે તેમને અટકાવ્યા હતા અને અટકાયત કરી.
ઉલ્લેખનીય છે કે દિલ્હી શરાબ પોલિસીમાં મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ 4 ઓક્ટોબરે લગભગ 10 કલાકના દરોડા બાદ સંજય સિંહની ધરપકડ કરી હતી. 5 ઓક્ટોબરે સંજયસિંહને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં કોર્ટે તેમને 10 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર મોકલી આપ્યા હતા. બાદમાં વધુ ત્રણ દિવસના રિમાન્ડ લંબાવવામાં આવ્યા હતા. કોર્ટે સંજય સિંહને મીડિયા સાથે વાત ન કરવાની પણ સલાહ આપી હતી. આ કેસમાં છેલ્લી સુનાવણી 13 ઓક્ટોબરે થઈ, જ્યાં કોર્ટે તેમને 27 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. દિલ્હી હાઈકોર્ટે 20 ઓક્ટોબરે આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહની જામીન અરજી એમ કહીને ફગાવી દીધી હતી કે તેમને રાહત આપવાનો કોઈ આધાર નથી.