Spread the love

રાજસ્થાનમાં સત્તારૂઢ ભાજપે રાજ્યમાં બળજબરીથી થતા ધર્મ પરિવર્તનને રોકવા માટે કડક કાયદો લાવવાનો નિર્ણય કર્યો છે. શનિવારે મુખ્યમંત્રી ભજન લાલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આગામી વિધાનસભા સત્ર દરમિયાન અનેક કડક જોગવાઈઓ ધરાવતું ડ્રાફ્ટ બિલ રજૂ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી (BJP) શાસિત રાજ્યોમાં આવાં બિલ લાવવામાં આવી રહ્યાં છે. અન્ય રાજ્યોના બિલને સ્ટડી કર્યા બાદ આ બિલ ઘડી કાઢવામાં આવ્યું છે.

આ મુદ્દે સંસદીય બાબતોના પ્રધાન જોગારામ પટેલે કહ્યું હતું કે ‘ધ પ્રોહિબિશન ઑફ અનલૉફુલ કન્વર્ઝન ઑફ રિલિજન બિલ 2024 વિધાનસભાના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે. સૂચિત કાયદો વ્યક્તિઓ અથવા સંસ્થાઓને છેતરપિંડી, દબાણ અથવા અન્ય બળજબરીથી કોઈને તેમનો ધર્મ બદલવા માટે દબાણ કરવા માટે પ્રતિબંધિત કરશે. જો લગ્ન ધાર્મિક પરિવર્તનના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે, તો ફેમિલી કોર્ટ પાસે આવા લગ્નોને અમાન્ય જાહેર કરવાની સત્તા હશે. અને એમાં બળજબરીથી ધર્માંતરણ કરાવવા માટે 10 વર્ષના કારાવાસની સજાની જોગવાઈ છે.

મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે જો કોઈ વ્યક્તિ માત્ર ધર્મપરિવર્તન કરાવવાના ઇરાદાથી લગ્ન કરે તો ફૅમિલી કોર્ટને આવાં લગ્નોને ફોક કરવાનો અધિકાર રહેશે.

આવા ગુનામાં જામીન પણ નહીં મળે. આ બિલમાં એ ફરજિયાત બનાવ્યું છે કે જે લોકોએ ધર્મપરિવર્તન કરવું હોય તેમણે 60 દિવસ પહેલાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરવાની રહેશે. ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ નક્કી કરશે કે આ ધર્મપરિવર્તન બળજબરીથી કરવામાં આવી રહ્યું છે કે અરજીકર્તાની પોતાની મરજીથી, જો ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટને લાગશે કે કોઈ લાભ કે ફાયદા માટે આમ કરવામાં આવી રહ્યું નથી તો જ તેઓ તેની પરવાનગી આપશે. આ કાયદાનો ભંગ કરવાના સ્થિતિમાં એક વર્ષથી 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.આ જોગવાઈનો હેતુ પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો અને બળજબરી અટકાવવાનો છે. આ બિલ કાયદો બની ગયા બાદ કોઈ પણ વ્યક્તિ કે ગ્રુપનું ધાકધમકી, છેતરપિંડી કે બળજબરીથી ધર્મપરિવર્તન કરાવી શકાશે નહીં. આ પ્રકારનો ગુનો બિનજામીનપાત્ર અને દખલપાત્ર રહેશે અને આવું કરનારી વ્યક્તિ કે સંસ્થાને સખત સજા કરવામાં આવશે.’

વસુંધરા રાજે સરકાર દરમિયાન બે વખત પસાર થઈ હતી પરંતુ કેન્દ્રીય મંજૂરી નહોતી મળી તે 2008ના બિલમાંની ધાર્મિક સ્વતંત્રતાની જોગવાઈઓ સામેલ થવાની સંભાવના છે.

આ મુદ્દે નાયબ મુખ્ય પ્રધાન પ્રેમ ચંદ ભૈરવાએ કહ્યું હતું કે લોકોને લાલચ આપીને તેઓ જાણતા નથી એવા ધર્મમાં તેમનું પરિવર્તન કરી દેવામાં આવે છે.

BJP શાસિત રાજ્યો જેવાં કે ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં આવા કાયદા બની ગયા છે. ૨૦૨૨માં હિમાચલ પ્રદેશમાં BJPની સરકાર હતી ત્યારે આ કાયદાને વધારે સખત બનાવ્યો હતો.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *