- ખેડૂતોએ કેન્દ્ર સરકારના વાતચીતનો પ્રસ્તાવ સ્વીકાર્યો
- આજે બપોરે 2 વાગ્યે વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે થશે વાતચીત
- ખેડૂત નેતાઓ કૃષિ સંબંધિત કાયદા રદ્ કરાવવાની જીદ પર અડગ
આજે બપોરે 2 વાગ્યે થશે મંત્રણા
કેન્દ્ર સરકાર દ્વારા વાતચીત કરવાના પ્રસ્તાવનો ખેડૂત નેતાઓએ સ્વીકાર કર્યો છે. કેન્દ્ર સરકારે 30 ડિસેમ્બરે મંત્રણા માટે ખેડૂતોને આમંત્રણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ સંબંધિત ત્રણ કાયદાઓનો વિરોધ કરતા પંજાબના ખેડૂતો દિલ્હીની બોર્ડર ઉપર બેઠા છે. પંજાબમાં ખેડૂતો દ્વારા સૌથી વધુ વિરોધ કરવામાં આવી રહ્યો છે. એકૃષિ વિરોધ કરતા લોકો દ્વારા અનેક મોબાઈલ ટાવર્સને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આંદોલનકારીઓએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવનો સ્વીકાર કરતા આશાની કિરણ ઉભી થઈ છે.
પચીસ દિવસો બાદ ફરીથી મંત્રણાના ટેબલ ઉપર આવશે કેન્દ્ર સરકાર અને આંદોલનકારીઓ
આદોલનકારી ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે પચીસ દિવસો બાદ ફરીથી મંત્રણાના દ્વાર ખુલ્યા છે. સરકાર દ્વારા કરવામાં આવેલી પહેલનો ખેડૂત નેતાઓ દ્વારા સ્વીકાર કરવામાં આવતા આજે બપોરે બે વાગ્યે વિજ્ઞાન ભવનમાં ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે વાતચીતનો દોર ફરી શરૂ થશે. છેલ્લે પાંચમી ડિસેમ્બરે ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે વાતચીત થઈ હતી જેમાં ખેડૂત નેતાઓ દ્વારા કૃષિ વિષયક ત્રણેય કાયદાઓ રદ કરવાની જીદ પકડી રાખતા કોઈ નિર્ણય થઈ શક્યો નહોતો.
ખેડૂત નેતાઓ કૃષિ વિષયક ત્રણેય કાયદાઓ રદ કરાવવાની જીદે ચઢ્યા છે
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ સંબંધિત ત્રણ કાયદાઓનો વિરોધ સૌથી વધુ વિરોધ પંજાબના ખેડૂતો કરી રહ્યા છે. શરૂઆતના તબક્કામાં નવા કાયદામાં લઘુત્તમ ટેકાના ભાવ અંગે સ્પષ્ટતા અને તેનો કાયદામાં ઉમેરો કરવાની તથા એપીએમસી રદ નહીં થાય તેવી માગણી કરી રહેલા ખેડુતો હવે ત્રણે કાયદાઓ સંપૂર્ણ રદ કરવામાં આવે એવી માંગણી કરી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચાના નેતાએ જણાવ્યું હતું કે ત્રણેય કાયદાઓ રદ કરવા તથા લઘુત્તમ ટેકાના ભાવ અંગે કાયદાકીય ગેરંટી આપવાની અમારી માંગણી ચર્ચાના એજન્ડાનો ભાગ હોવા જોઈએ. સરકાર દ્વારા 26 મી ડિસેમ્બરે આપવામાં આવેલા પત્રના જવાબમાં અમે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું છતાં સરકારના પત્રમાં તેવો ઉલ્લેખ નથી જોકે અમે સરકાર સાથે વાટાઘાટો કરવાના પ્રસ્તાવ સાથે સહમત થયા છીએ.
કયા વિષયો ઉપર વાતચીત થઈ શકે છે
સરકાર દ્વારા એવી વાત કરવામાં આવી છે કે સરકાર ખુલ્લા મનથી દરેક મુદ્દા ઉપર ચર્ચા કરવા તથા તેના તાર્કિક ઉકેલ લાવવા તૈયાર છે. કૃષિ સચિવ સંજય અગ્રવાલે કહ્યું કે, મીટીંગ માટે ખેડૂત સંગઠનો દ્વારા પ્રસ્તાવિત MSP (લઘુત્તમ ટેકાના ભાવ) પ્રાપ્તિ પ્રણાલી અને પાકનું વિદ્યુત સંશોધન વિધેયક અને દિલ્હી-NCR (રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર) માં વાયુ પ્રદૂષણની બાબતના વટહુકમ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.