- મધ્યપ્રદેશની 28 બેઠકોની મતગણતરી શરૂ
- ભાજપ 16 બેઠકો ઉપર આને કોંગ્રેસ 8 બેઠકો ઉપર આગળ
- જ્યોતિરાદિત્ય સિંધિયા અને શિવરાજસિંહની પરિક્ષા
મધ્યપ્રદેશની 28 બેઠકોની મતગણતરી શરૂ
મધ્યપ્રદેશની 28 બેઠકો ઉપર યોજાયેલી પેટા ચુંટણીની મતગણતરી આજે શરૂ થઈ ગઈ છે. પેટા ચુંટણીના પરીણામ સત્તાના નવા પરિમાણો ઉભા કરવામાં સફળ થાય એવી સંભાવના. જ્યોતિરાદિત્ય સિંધિયાની ખરા અર્થમાં પરિક્ષા.
ભાજપનું કમળ ખીલશે કે કમલનાથનો કરિશ્મા ચાલશે ?
મધ્યપ્રદેશની 28 બેઠકોની પેટા ચુંટણી અત્યંત રસપ્રદ અને ભાજપ તથા કોંગ્રેસ બંને માટે લિટમસ ટેસ્ટ સમાન બની છે. પરિણામ જેની તરફેણમાં આવશે તે તરફ સત્તાની તુલા નમી શકે છે. ચુંટણી પ્રચારમાં બંને પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું બંને પક્ષોના નેતાઓ એવો દાવો કરી રહ્યા છે કે તેમની તરફેણમાં જ પરિણામ આવશે પરંતુ મતદાતાઓનો મુડ ઈવીએમમાંથી બહાર આવશે ત્યારે જ ખબર પડશે.
તાજી સ્થિતિ ભાજપની તરફેણમાં
મતગણતરી આજે હાથ ધરાઈ છે તાજી સ્થિતિ ભાજપની તરફેણમાં દેખાઈ રહી છે. મતગણતરીના તાજા વલણ ભાજપને 18 બેઠકો ઉપર, કોંગ્રેસ 8 બેઠકો ઉ તથા બસપા 1 બેઠક ઉપર આગળ હોવાના આવી રહ્યા છે. તાજા વલણ જોતા પરિણામો શિવરાજસિંહ ચૌહાણની શક્તિમાં વધારો કરનારા તથા જ્યોતિરાદિત્ય સિંધિયા મતદાતાઓને પ્રભાવિત કરી શકે છે એ સાબિત કરનારા પુરવાર થશે.
મધ્યપ્રદેશ વિધાનસભાની વર્તમાન સ્થિતિ
મધ્યપ્રદેશ વિધાનસભાની કુલ 230 બેઠકોની વર્તમાન પક્ષવાર સ્થિતિ આ મુજબ છે. ભાજપ પાસે 107 બેઠકો , કોંગ્રેસ પાસે 87 બેઠકો, બહુજન સમાજ પાર્ટી પાસે 2 બેઠકો, સમાજવાદી પાર્ટી પાસે 1 બેઠક અને 4 અપક્ષો પાસે બેઠકો છે. 28 બેઠકો ઉપર ચુંટણી યોજાઈ છે. વર્તમાન પરિસ્થિતિ જોતા ભાજપ કે કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી છે નહીં ત્યારે આ 28 બેઠકોની ચુંટણીના પરિણામો ખરા અર્થમાં સરકાર શિવરાજસિંહ ટકાવી શકશે કે કમલનાથની સત્તા વાપસી થશે એ નક્કી કરનારા સાબિત થશે એમાં શંકા નથી.
પેટા ચુંટણી યોજાવાનું કારણ શું ?
મધ્યપ્રદેશની વિધાનસભાની ગત ચુંટણીમાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવી હતી પરંતુ કોંગ્રસના આંતરિક જુથવાદ તથા જ્યોતિરાદિત્ય સિંધિયાની સતત અવગણનાથી કમલનાથની સરકાર વિરુદ્ધ બળવો થયો હતો અને સિંધિયા તરફી 22 ધારાસભ્યએ રાજીનામું આપી દીધું હતું. જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકોના રાજીનામાને પરિણામે કમલનાથે સત્તાની ખુરશી છોડવી પડી હતી અને શિવરાજસિંહ ચૌહાણ ફરીથી મધ્યપ્રદેશની સત્તાની ખુરશી પર આરૂઢ થયા હતા. શિવરાજસિંહ ચૌહાણે સત્તા સંભાળ્યાના થોડોક સમય બાદ ફરીથી કોંગ્રેસમાં ભંગાણ પડ્યું હતું અને વધુ 3 ધારાસભ્યએ પક્ષને તિલાંજલિ આપી હતી. આ ઉપરાંત કોંગ્રસના 2 તથા ભાજપના 1 ધારાસભ્યના અવસાનને કારણે ખાલી પડી હતી.