કોંગ્રેસ પાર્ટીના બે દિગ્ગજ સાંસદ (MP) અને નેતાઓ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) ની મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે તેમની સામે કાર્યવાહી થવાની સંભાવના છે. સોનિયા ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ દાખલ કરવામાં આવી છે, જ્યારે રાહુલ ગાંધી વિરુદ્ધ પણ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ (MP) સોનિયા ગાંધી અને લોકસભા સાંસદ (MP) રાહુલ ગાંધી માટે મુશ્કેલીઓ વધી શકે છે. કારણ કે સંસદમાં કોંગ્રેસના આ બે દિગ્ગજ નેતાઓ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ જારી કરવામાં આવી છે. બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ મુર્મુ પર આપેલા નિવેદનને કારણે સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધવાની સંભાવના છે ત્યારે તે જ સમયે, રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર બોલતા કહ્યું હતું કે ચીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ભારતને પાછળ છોડી દીધું છે અને મોટા ઔદ્યોગિક ક્ષેત્રોમાં ભારતને એક દાયકા પાછળ છોડી દીધું છે.
કોણે આપી વિશેષાધિકાર ભંગની નોટિસ?
ભાજપના સાંસદો (MP) એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ ‘અપમાનજનક અને નિંદાત્મક’ શબ્દોનો ઉપયોગ કરવા બદલ સોનિયા ગાંધી સામે વિશેષાધિકાર ભંગની નોટિસ આપી છે. રાજ્યસભાના સભ્ય સુમેરસિંહ સોલંકીના નેતૃત્વમાં ભાજપના સાંસદો (MP) રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને મળ્યા હતા અને સોનિયા ગાંધી સામે શિસ્તભંગના પગલાંની માગણી કરી હતી. ભાજપના સાંસદો (MP) એ કહ્યું કે સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ પદની ગરિમાનું અપમાન કર્યું છે.
ભાજપના સાંસદોએ નોટિસમાં કહ્યું છે કે આવી ટિપ્પણીઓ ન માત્ર પદની ગરિમાનું હનન કરે છે પરંતુ સંસદીય પ્રક્રિયાઓ અને પરંપરાઓની પવિત્રતાનું પણ ઉલ્લંઘન કરે છે.
BJP MPs move Notice for Breach of Parliamentary Privilege, Ethics and Propriety "through usage of derogatory and slanderous words against President of India with the motive to lower the dignity of the highest office" by Rajya Sabha MP Sonia Gandhi. pic.twitter.com/8N695xgPl6
— ANI (@ANI) February 3, 2025
શું કહ્યું હતું સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ વિશે?
શુક્રવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યા બાદ રાષ્ટ્રપતિ મુર્મુ પર સોનિયા ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને લઈને આ નોટિસ આપવામાં આવી છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સંસદ સંકુલમાં ભાષણ અંગે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં સોનિયા ગાંધી કહેતા સંભળાય છે કે, ‘બિચારા મહિલા, રાષ્ટ્રપતિ અંત સુધીમાં ખૂબ જ થાકી ગયા હતા… તેઓ માંડ માંડ બોલી શકતા હતા.’

રાહુલ ગાંધીની પણ વધી મુશ્કેલી
આ ઉપરાંત ભાજપના સાંસદ (MP) નિશિકાંત દુબેએ સોમવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ગૃહમાં ખોટા નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે વિપક્ષના નેતાએ તેમના તમામ દાવાઓને સાબિત કરવા જોઇએ અન્યથા રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે જો રાહુલ ગાંધી જો તેમના દાવાઓને સાબિત ન કરી શકે તો લોકસભા અધ્યક્ષના નિર્દેશાનુસાર તેમની સામે વિશેષાધિકાર કાર્યવાહી થવી જોઈએ.
સત્તાધારી ભાજપે સોમવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિરોધ પક્ષના નેતાના ભાષણનો જોરદાર વિરોધ કર્યો હતો. ત્યાર બાદ દુબેએ સ્પીકરને પોતાની નોટિસ સુપરત કરી અને દાવો કર્યો કે કોંગ્રેસના નેતા તેમના સાબિતી વગરના આરોપો દ્વારા અફવાઓ ફેલાવવા માટે તેમના સંસદીય વિશેષાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ મોબાઈલ ફોન બતાવીને કહ્યું હતુ કે, ‘તે મેડ ઈન ઈન્ડિયા નથી, પરંતુ એસેમ્બલ્ડ ઈન ઈન્ડિયા છે.’ રાહુલે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આમંત્રણ લાવવા માટે વિદેશ મંત્રી એસ જયશંકરને અમેરિકા મોકલ્યા હતા.
રાહુલ ગાંધીના કેટલાક આરોપો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાર યાદી અને ચૂંટણી કમિશનરની નિમણૂક માટેના કાયદા સાથે પણ સંબંધિત હતા. દુબેએ તેમના પત્રમાં જાતિ ગણતરીની માંગ સાથે સંબંધિત મુદ્દાઓ તેમજ કોંગ્રેસ નેતાના આરોપોનો પણ ઉલ્લેખ કર્યો છે.

‘આરોપો સાબિત કરો અથવા ક્ષમા માગો’
નિશિકાંત દૂબેએ રાહુલ ગાંધી ઉપર સાંસદો (MP)ને લોકસભા અને રાજ્યસભામાં કરેલી ટિપ્પણીઓ માટે વિશેષાધિકાર આપતા બંધારણના અનુચ્છેદ 105નો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. દુબેએ આરોપ લગાવ્યો કે, ‘આ મુદ્દાઓ ઉઠાવીને રાહુલ ગાંધીએ ન માત્ર ઐતિહાસિક અને નક્કર તથ્યોને બેશરમીથી વિકૃત કર્યા છે પરંતુ આપણા દેશની મજાક ઉડાવવાનો અને આપણા ગણતંત્રની પ્રતિષ્ઠાને હાનિ પહોંચડવાનો પ્રયાસ કર્યો છે.’
નિશિકાંત દૂબેએ કહ્યું કે બિરલાએ ગાંધીને તેમના દાવા સાબિત કરવા કહ્યું હતું જ્યારે કોંગ્રેસના નેતાએ આજ સુધી તેમ કર્યું નથી. વિપક્ષી નેતા પર કટાક્ષ કરતા દુબેએ કહ્યું કે આ ‘વિદ્વાન’ વ્યક્તિએ ન તો તેની અસ્પષ્ટ અફવાઓનો પુરાવો આપ્યો છે કે ન તો સંસદના પવિત્ર પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આપણા દેશ અને ચૂંટાયેલી સરકારને બદનામ કરવા બદલ માફી માંગી છે.’

શું છે વિશેષાધિકાર ભંગ?
વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ (Privilege Motion) એ ભારતીય સંસદ અને ધારાસભાઓમાં એક વિશેષ પ્રક્રિયા છે, જેનો ઉપયોગ જ્યારે સભ્ય, સમિતિ અથવા ગૃહના વિશેષાધિકારોનું ઉલ્લંઘન કરે ત્યારે કરવામાં આવે છે. આ દરખાસ્ત ત્યારે લાવવામાં આવે છે જ્યારે એવું લાગે છે કે સંસદ અથવા વિધાનસભાના વિશેષાધિકારોનું કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા તો કોઈ સભ્ય દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
વિશેષાધિકારનો ઉદ્દેશ ગૃહની ગરિમા અને સભ્યોના અધિકારોનું રક્ષણ કરવાનો છે. આ વિશેષાધિકારો ભારતીય બંધારણના અનુચ્છેદ 105 (સંસદ માટે) અને કલમ 194 (રાજ્ય વિધાનસભાઓ માટે)માં આપવામાં આવ્યા છે.
શું છે પ્રક્રિયા અને કેટલી સજા થઈ શકે?
સંસદના કોઈપણ સભ્યએ આ પ્રસ્તાવ લોકસભાના અધ્યક્ષ અથવા રાજ્યસભાના અધ્યક્ષ સમક્ષ રજૂ કરવાનો હોય છે. જો સ્પીકર અથવા અધ્યક્ષ તેને યોગ્ય માને તો તેને વિશેષાધિકાર સમિતિ (Privilege Committee) ને મોકલવામાં આવે છે. સમિતિ આ મામલાની તપાસ કરે છે અને તેનો અહેવાલ ગૃહને સુપરત કરે છે. જો ગૃહને લાગે છે કે વિશેષાધિકારનો ભંગ થયો છે, તો દોષિત વ્યક્તિ સામે કાર્યવાહી થઈ શકે છે. પગલાંઓમાં ચેતવણી અથવા ઠપકો, જેલની સજા, ગૃહમાંથી સસ્પેન્શન અને દંડ જેવી સજાનો સમાવેશ થાય છે.
[…] કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ આ ઘટનાને ગેરવહીવટ અને બેદરકારી […]
[…] નેતૃત્વ વચ્ચે તણાવ વધી રહ્યો છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) ને મળ્યા છતાં થરૂરને ન તો કોઈ સ્પષ્ટ […]
[…] આવ્યું છે. એ જ રીતે બે કે ત્રણ વખત સાંસદ (MP) રહી ચૂકેલા સાંસદોનું વધારાનું […]