Congress
Spread the love

દિલ્હી (Delhi) ના ચુંટણી જંગમાં કોંગ્રેસ (Congress) 10 વર્ષ બાદ દિલ્હીમાં મજબૂત રીતે લડત આપશે એવું દેખાય છે. કોંગ્રેસના પ્રદર્શનની સીધી અસર આમ આદમી પાર્ટીના પ્રદર્શન પર પડશે. કહેવામાં આવી રહ્યું છે કે જો કોંગ્રેસ (Congress) ને 10 લાખથી વધુ વોટ મળે છે તો આમ આદમી પાર્ટી નું ટેન્શન વધી શકે છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી આમ તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર ગણાય છે પરંતુ આ ચુંટણીને ત્રિકોણીય જંગ બનાવવા માટે કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી છે. કોંગ્રેસ (Congress) પાર્ટીએ તમામ મોટા ચહેરાઓને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે તથા પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ તેમની તમામ શક્તિ સાથે પ્રચારમાં જોડાયા છે. કોંગ્રેસના નેતા સંદીપ દિક્ષિતે ANI સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલ ઉપર જબરદસ્ત પ્રહાર કર્યો હતો. રાજકીય નિષ્ણાતો કહી રહ્યા છે કે કોંગ્રેસનો પ્રયાસ તેની ગુમાવેલી વોટબેંક પરત મેળવવાનો છે.

2013 પહેલા કોંગ્રેસ (Congress) ની જે વોટબેંક હતી તે આમ આદમી પાર્ટીએ કબજે કરી લીધી હોવાનું જણાય છે. આ સ્થિતિમાં જો દિલ્હી (Delhi) વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ (Congress) જોરદાર વાપસી કરશે તો અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને નુકસાન થઈ શકે છે. આ દાવાઓ સિવાય પણ બે સવાલો રાજકીય વર્તુળોમાં છે.

પ્રથમ, શું દિલ્હી (Delhi) વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ (Congress) પોતાનો ખોવાયેલો જનાઆધાર પાછી મેળવી શકશે? અને બીજો કોંગ્રેસને કેટલા મતો આમ આદમી પાર્ટીને મુશ્કેલીમાં મુકવા માટે મેળવવા પડશે?

શું છે દિલ્હીમાં કોંગ્રેસ (Congress) ની રણનીતિ?

કોંગ્રેસે દિલ્હી (Delhi) માં આમ આદમી પાર્ટીને મુખ્ય વિરોધી પક્ષ તરીકે જાહેર કરી છે. કોંગ્રેસની સમગ્ર રણનીતિ આમ આદમી પાર્ટીની મજબૂત મોરચાબંધી પર આધારિત છે. દિલ્હીમાં મજબૂત ઉમેદવારો ઉતારવાની સાથે કોંગ્રેસ (Congress) દલિત અને મુસ્લિમ ફોર્મ્યુલા પર આગળ વધી રહી છે.

કોંગ્રેસે આમ આદમી પાર્ટીના ટોચના ત્રણ નેતાઓ પર પ્રહાર કરવાની રણનીતિ બનાવી હોવાનું જણાય છે. આ સિવાય પાર્ટીના ત્રણ મોટા નેતા મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારમાં ઝંપલાવશે. રાહુલ ગાંધી પોતે નવી દિલ્હી (New Delhi)બેઠક પરથી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પ્રચાર કરવાના હોવાનું જાણવા મળે છે.

રાહુલ ગાંધી પણ 3 દિવસ માટે દિલ્હી ચુંટણી પ્રચાર કરવાના છે, જેને આધાર બનાવી કોંગ્રેસ (Congress) લગભગ 20 સીટો જીતવાની નેમ રાખી રહી છે.

કોંગ્રેસના કેટલા મત મળે તો આમ આદમી પાર્ટીનું ટેન્શન વધશે?

મોટો સવાલ એ છે કે દિલ્હી (Delhi) માં કોંગ્રેસ (Congress)ને કેટલા વોટ મળે છે, તેની સીધી અસર આમ આદમી પાર્ટીના પ્રદર્શન પર પડશે? આ પ્રશ્નના ઉત્તર 3 મુદ્દામાં સમજવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

પ્રથમ: ભાજપને મળતા રહેલા મત

કોંગ્રેસે દિલ્હી (Delhi) ની 2008ની ચૂંટણી નવા સીમાંકન સાથે યોજાઈ હતી. આ ચૂંટણીમાં કુલ 57 લાખ મત પડ્યા હતા, જેમાંથી ભારતીય જનતા પાર્ટીને 22.4 લાખ મત મળ્યા હતા. ટકાવારીની દૃષ્ટિએ જોવામાં આવે તો આ ચૂંટણીમાં ભાજપને 36.34 ટકા મત મળ્યા હતા અને 23 બેઠકો મળી હતી

2013માં દિલ્હી (Delhi) માં લગભગ 78 લાખ વોટ પડ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપને 33.3 ટકા વોટ મળ્યા હતા. જો આંકડાઓ પર નજર કરીએ તો ભાજપને લગભગ 26 લાખ મત મળ્યા હતા. ભાજપે ચૂંટણીમાં 31 બેઠકો જીતી હતી જે 2008માં મળેલી 23 બેઠકો કરતાં 8 વધુ હતી.

2015માં બીજેપીની સીટો 31થી ઘટીને 3 થઈ ગઈ હતી, પરંતુ 2015માં લગભગ 85 લાખ વોટ પડ્યા હતા, જેમાંથી બીજેપીને 32 ટકા એટલે કે 29 લાખ વોટ મળ્યા હતા.

2020માં ભાજપની બેઠકો 3થી વધીને 8 થઈ ગઈ. આ ચૂંટણીમાં લગભગ 90 લાખ મત પડ્યા હતા અને ભાજપ ગઠબંધનને 37 લાખ મત મળ્યા હતા. જો છેલ્લી 4 ચૂંટણીના ટ્રેક રેકોર્ડ પર નજર કરીએ તો ભાજપના મતોની સંખ્યામાં બહુ ફેરફાર થયો નથી. ભાજપના મતોની સંખ્યામાં જ વધારો થયો છે.

બીજું: આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને મળતા રહેલા મત

2008 માં આમ આદમી પાર્ટીનો ઉદ્ભવ નહોતો થયો. 2013માં આમ આદમી પાર્ટીએ 28 સીટો જીતી હતી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને લગભગ 23 લાખ વોટ મળ્યા હતા. 8 બેઠકો જીતનાર કોંગ્રેસને 19 લાખ મત મળ્યા હતા. 2008માં કોંગ્રેસને 24 લાખ વોટ મળ્યા હતા.

2015ની ચૂંટણીમાં AAPની સીટો 28 થી વધીને 67 થઈ ગઈ જ્યારે કોંગ્રેસની બેઠકો 8 થી ઘટીને શૂન્ય થઈ ગઈ હતી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 48.7 લાખ અને કોંગ્રેસને 8.5 લાખ વોટ મળ્યા હતા. 2020માં આમ આદમી પાર્ટીની સીટો 67 થી ઘટીને 62 થઈ ગઈ. જો કે કોંગ્રેસની શૂન્ય બેઠકોમાં કોઈ ફરક પડ્યો ન હતો. 2020માં કોંગ્રેસને 2 લાખ વોટ મળ્યા જ્યારે આમ આદમી પાર્ટીને 49 લાખ વોટ મળ્યા હતા.

જો છેલ્લી 3 ચૂંટણીના ડેટા પર નજર કરીએ તો કોંગ્રેસના મત સરળતાથી આમ આદમી પાટી તરફ વળ્યા હોવાનું જણાઈ આવે છે.

ત્રીજું : સૌની નજર આ વખતે શું થશે તેના પર છે

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ વખતે દિલ્હીમાં કુલ 1.5 કરોડ મતદારો છે, જેઓ 5 ફેબ્રુઆરીએ ધારાસભ્યો અને સરકારને ચૂંટવા માટે તેમના મતનો ઉપયોગ કરશે. નિષ્ણાતોનું માનવું છે કે મતદાનની ટકાવારી 70ની આસપાસ રહી શકે છે. દિલ્હીમાં આ ચૂંટણીમાં લગભગ 1 કરોડ વોટ પડવાની સંભાવના દર્શાવાઈ રહી છે.

આવી સ્થિતિમાં જો કોંગ્રેસ 10 લાખથી વધુ વોટ મેળવવામાં સફળ થાય તો જ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી શકે છે. 2020માં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વોટનો તફાવત 12 લાખનો હતો. 2025ના ચૂંટણી જંગમાં આ અંતરને ઓછું કરવા, પોતાનો વોટ શેર વધારવા માટે ભાજપે પણ મજબૂત રણનીતિ તૈયાર કરી છે.

હવે જો કોંગ્રેસ 2013ની જેમ 19 લાખ કે તેથી વધુ વોટ મેળવવામાં સફળ થાય તો જ આમ આદમી પાર્ટીની હાલત રાજકીય રીતે ખરાબ થઈ શકે છે નહીં તો કોંગ્રેસ દિલ્હીમાં માત્ર વોટ કટવા પાર્ટી બનીને રહી જવાની સંભાવના છે. જો ટકાવારીની દ્રષ્ટિએ જોવામાં આવે તો હાલમાં દિલ્હીમાં કોંગ્રેસ પાસે 4 ટકા વોટ શેર છે કોંગ્રેસે તેને 10-12 ટકાની આસપાસ લઈ જવો પડે જે આમ તો ઘણુ અઘરુ દેખાય છે પરંતુ ચુંટણીમાં મતદાતાનો મૂડ પારખવો સંભવ નથી ત્યારે કશુ પણ થઈ શકે છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “5, 10 કે 15 લાખ…દિલ્હી (Delhi) ના ચુંટણી જંગમાં કોંગ્રેસ (Congress) ના કેટલા વોટ આમ આદમી પાર્ટીનું ટેન્શન વધારશે? ત્રણ મુદ્દામાં સમજો”
  1. […] જો દેખાઈ રહેલા વલણોને ધ્યાનમાં લઈએ તો દિલ્હી વિધાનસભા ચુંટણીમાં ભાજપને દિલ્હીમાં બહુમતી મળશે કાં […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *