- ચુશુલના યુદ્ધ મેદાનમાં ચીનને ધુળ ચટાડી દેનારા વીર
- પેંગોંગ ત્સો સરોવરની શ્રીજપ-1 પોસ્ટથી ત્રણ ત્રણ વખત ચીની સેનાને પીછેહઠ કરાવી
- ચાઈનીઝ લશ્કરના અમાનવીય અત્યાચારો સહન કરીને જીવંત પરત ફરેલા જાંબાઝ
લેફ્ટેનન્ટ કર્નલ ધનસિંહ થાપાના શૌર્ય અને સાહસની વીરગાથા
લેફ્ટેનન્ટ કર્નલ ધનસિંહ થાપા ભારતીય ભૂમિ સેનાની 8મી ગોરખા રાયફલ્સની 1લી બટાલીયનમાં ઓફિસર હતા અને તેમને 1962 નાં ભારત ચીન યુદ્ધ સમયે દર્શાવેલા શૌર્ય અને સાહસ બદલ સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મેજર ધનસિંહ થાપાના શૌર્ય અને સાહસની વીરગાથાનુ વર્ણન કરતા લેખનું પ્રથમ પ્રકરણ
ચીને પ્રતિબંધિત ફોરવર્ડ પેટ્રોલ ફરીથી શરૂ કર્યું
ચીને અગાઉ પ્રતિબંધિત ફોરવર્ડ પેટ્રોલ શરૂ કર્યું આ ઉપરાંત લદ્દાખ સરહદે ચોકીઓ ઉભી કરવાની શરૂઆત કરી. બીજી તરફ ભારતે પણ રક્ષણાત્મક પગલાં લેવાની શરૂઆત કરી અને ચોકીઓ ઉભી કરી. ચીન દ્વારા સતત ઉશ્કેરણીજનક પગલાંને કારણે સરહદે વારેઘડીએ અથડામણો થવા લાગી હતી. ભારત દ્વારા ચીનના રાજદ્વારી રીતે વિવાદને દૂર કરવાના પ્રસ્તાવનો અસ્વીકાર કરાયા બાદ ચીને સરહદ ઉપર 1960-62 સુધી સશસ્ત્ર અથડામણ કરીને દબાણ ઉભું કરવાનું શરૂ કર્યું હતું. 30મી એપ્રિલ 1962ના દિવસથી લદ્દાખ સરહદે ચીને ફોરવર્ડ પેટ્રોલ ફરીથી શરૂ કર્યું. એક તરફ હિંદી ચીની ભાઈ ભાઈ ના નારાથી દેશ ગુંજતો હતો ત્યારે જ ચીનની લુચ્ચાઈ બહાર આવી રહી હતી. ભારતમાં પંચશીલના સિદ્ધાંતોની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી ત્યારે જ ચીન ભારતની સરહદમાં ઘુસવાના પેંતરા કરી રહ્યું હતુ.
ચીને હીંદી ચીની ભાઈ ભાઈ અને પંચશીલના સિદ્ધાંતોને નેવે મૂકીને ભારત પર હુમલો કર્યો
ચીનની ઉપર કદી વિશ્વાસ કરી શકાય નહીં તથા તિબેટનું રક્ષણ થવું જોઈએ, તિબેટ ભારત અને ચીન વચ્ચે રક્ષણાત્મક કુદરતી દિવાલ છે જો ચીન તિબેટ ઓહિયા કરી જશે તો ભારત સાથે એની સીધી સરહદો વધી જશે જે ભવિષ્યમાં ભારતીય ઉપખંડ માટે ઉચિત નથી તથા ભારતના સાર્વભૌમત્વ સામે ખતરો ઉભો થશે એવી ચેતવણી સરદાર પટેલ, ડૉ. આંબેડકર જેવા દિર્ઘદ્રષ્ટા નેતાઓએ આપી હતી પરંતુ તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ આ ચેતવણીઓ ગણકારી નહીં અને હવે ચીન લદ્દાખ સરહદ તથા અરૂણાચલ પ્રદેશ સરહદ પર ભારતીય જમીન ઉપર ડોળા જમાવી રહ્યું હતું. આખરે ચીનની લુચ્ચાઈ તથા ભારતની વિદેશનીતિની નિષ્ફળતા સામે આવી ગઈ. 21મી ઓક્ટોબરે ચીનની સેનાએ ભારતીય સરહદે આક્રમક કાર્યવાહીની શરૂઆત કરી. ચીન જેને વિવાદાસ્પદ વિસ્તાર ગણતું હતું એવા 3225 કિલોમીટર સરહદી વિસ્તારમાં સશસ્ત્ર ઘુસણખોરી સાથે આક્રમણ કર્યું. લદ્દાખ સરહદ, સમગ્ર મેકમોહન લાઈન તથા અરૂણાચલ પ્રદેશમાં યુદ્ધ જાહેર કર્યું. ચીનની સેના શૌર્ય અને સાહસ સિવાય શસ્ત્રો તથા અન્ય બાબતોમાં અદ્યતન હતું. ચાઈનીઝ સેના પૂર્વ થિયેટરમાં તવાંગ તથા પશ્ચિમ થિયેટરમાં રેઝાંગ લા અને ચુશુલ આંચકી લેવા સક્ષમ હતી એવું કહે છે.
મેજર ધનસિંહ થાપાના શૌર્ય અને સાહસની ગાથાનુ વર્ણન કરતા લેખનું દ્વિતીય પ્રકરણ
લડાઈ હવે શરૂ થઈ ગઈ હતી..
ચીન હવે એનો અસલી લુચ્ચા શિયાળ જેવો ચહેરો લઈ વિશ્વ સમક્ષ આવી ગયું હતું. હીંદી ચીની ભાઈ ભાઈ અને પંચશીલના સિદ્ધાંતો હવામાં ઉડી ગયા હતા. 19 – 20 ઓક્ટોબરની રાત્રે ભારતીય રક્ષા ક્ષેત્રમાં પૂર્વમાં હુમલો કર્યો. એ જ રાત્રે ચીની સેનાએ અંધારામાં જ લદ્દાખના ગલવાન, ચીપ ચાપ અને પેંગોંગ વિસ્તારમાં હુમલો કરીને ફરી વળી. ભારતીય સેનાએ પોતાના ટાંચા સાધનો તથા શૌર્ય અને સાહસના સથવારે પ્રતિકાર કર્યો. 21 મી ઑક્ટોબરે ચીની સેના શીરજપ અને યુલા ઉપર કબજો મેળવવાના ઈરાદે પેંગોંગ સરોવરની ઉત્તર તરફ આગળ વધી. શીરજનની શીરજપ પોસ્ટ 1 ને 8મી ગોરખા રાયફલ્સની 1લી બટાલિયને બનાવી હતી. શીરજપ પોસ્ટ એ ફોરવર્ડ પોલીસીના અમલનો હિસ્સો હતી. આ પોસ્ટ ચુશુલ એરફિલ્ડના રક્ષણ માટે વ્યુહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ હતી. શીરજપ પોસ્ટ 1લી બટાલિયનની ડી કંપનીના મેજર ધનસિંહ થાપાના તાબા હેઠળ હતી.
વધુ આવતા અંકે