- ચુશુલના યુદ્ધ મેદાનમાં ચીનને ધુળ ચટાડી દેનારા વીર
- પેંગોંગ ત્સો સરોવરની શ્રીજપ-1 પોસ્ટથી ત્રણ ત્રણ વખત ચીની સેનાને પીછેહઠ કરાવી
- ચાઈનીઝ લશ્કરના અમાનવીય અત્યાચારો સહન કરીને જીવંત પરત ફરેલા જાંબાઝ
પરમવીર ચક્રથી સન્માનિત જાંબાઝ મેજર ધનસિંહ થાપા
પ્રથમ ભાગમાં મેજર ધનસિંહ થાપાના જન્મ, બાળપણ તથા તેમના ભારતીય સેનામાં પ્રવેશના જીવન પ્રવાસને જોયો હતો. મેજર ધનસિંહ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા હિમાચલ પ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ હિલ સ્ટેશન સિમલામાં થયો હતો. તેઓ 28 ઑગસ્ટ 1949 ના દિવસે ભારતીય સેનામાં જોડાયા હતા. મેજર ધનસિંહ થાપાનુ પોસ્ટીંગ 8મી ગોરખા રાઈફલ્સની 1લી બટાલિયનમાં થયું હતું. તેમણે 1962ના ભારત ચીન યુદ્ધ વખતે લડાખના પેંગોંગ સરોવર સરહદ પર તહેનાત હતા.
ભારતીય સેનામાં સતત પ્રમોશન
મેજર ધનસિંહ થાપા 1949 માં ભારતીય સેનામાં જોડાયા બાદ 21 મી ફેબ્રુઆરી 1951 નાં દિવસે ટેમ્પરરી રૂપે સેકન્ડ લેફ્ટેનન્ટ કમિશન કરાયા. પોતાને સોંપવામાં આવેલા કાર્યને ખંત અને નિષ્ઠાપૂર્વક કરવાની આદતને લીધે સેકન્ડ લેફ્ટેનન્ટ ધનસિંહ થાપા સૌમાં પ્રિય તથા સન્માન ધરાવતા હતા. બે વર્ષ બાદ 21 મી ફેબ્રુઆરી 1953 નાં દિવસે તેમનું પ્રમોશન લેફ્ટેનન્ટ તરીકે કરવામાં આવ્યું. લેફ્ટેનન્ટ ધનસિંહ થાપા હંમેશા પોતાના કાર્ય પ્રત્યે પ્રામાણિકતા અને નિષ્ઠાપૂર્વક કરવાની ધગશ હંમેશા એમને પડખે રહી. સતત પ્રમોશન મળવા એ કાંઈ એટલું સહેલું નથી હોતું. હજુ લેફ્ટેનન્ટ ધનસિંહ થાપા ટેમ્પરરી હોદ્દો ધરાવતા હતા. લેફ્ટેનન્ટ ધનસિંહ થાપા સતત પ્રમોશન મેળવતા હતા ત્યારે ભારત અને ચીન વચ્ચે 29 એપ્રિલ 1954 નાં રોજ પેકિંગ માં પંચશીલ કરાર થયા. આખરે 29 મી સપ્ટેમ્બર 1956 ના દિવસે એમનો ટેમ્પરરી હોદ્દો કાયમી બન્યો અને તેમને લેફ્ટેનન્ટ તરીકે કમિશન્ડ કરવામાં આવ્યા.
ભારત અને ચીન વચ્ચે પંચશીલ કરાર
ભારતને સ્વતંત્રતા મળ્યાને હજુ એક વર્ષ પણ નહોતું થયું ત્યાં જ હળાહળ ભારતદ્વેષના પાયા ઉપર રચાયેલા અને ભારત સાથે કાયમી દુશ્મનાવટની માનસિકતા સાથે છુટા પડેલા પાકિસ્તાને કાશ્મીર ઉપર હુમલો કરી ભારતીય સેનાના દમનો પરચો ખાઈ ચુક્યું હતું. હજુ સ્વતંત્રતાનો દસકો પણ નહોતો થયો ત્યાં હિમાલય પારથી ચીનની ચાલાકીઓ શરૂ થઈ ગઈ હતી. ચીનનો ડોળો ભારત અને ચીન વચ્ચે બફર સ્ટેટ એવા તિબેટ ઉપર મંડાયેલો હતો વધારામાં ચીનની દાઢ અક્સાઈ ચીન તરફ સળકી હતી. તત્કાલીન નાયબ વડાપ્રધાન તથા ગૃહમંત્રી સરદાર પટેલ, કાયદામંત્રી ડૉ. આંબેડકર જેવા દિર્ઘદ્રષ્ટા નેતાઓ ચીનની ખંધાઈની ગંધ પારખી શક્યા અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુને પોતાના વિચારો જણાવ્યા પણ ખરા પરંતુ બંનેના વિચારો લક્ષમાં લેવામાં આવ્યા નહોતા. આખરે ભારત અને ચીન વચ્ચે 29 એપ્રિલ 1954 નાં રોજ પેકિંગ માં પંચશીલ કરાર થયા. જ્યારે ભારત ચીન વચ્ચે પંચશીલ કરાર થયા અને વાતાવરણ હિંદી ચીની ભાઈ ભાઈ ના નારાથી ગુંજી ઉઠ્યું હતું ત્યારે કોને ખબર હતી કે બંને દિર્ઘદ્રષ્ટાઓએ આપેલી ચીનની ખંધાઈની ચેતવણી આટલી ઝડપથી સાચી પડશે અને ચીન પંચશીલ કરાર તથા હિંદી ચીની ભાઈ ભાઈ ના નારાને ન ગણકારીને છેવટે ભારત સાથે દગો કરશે ? ભારતીય સેના એ વખતે પુરી સજ્જ નહોતી, હથિયારો જુનવાણી હતા અને સામે પક્ષે ચીન સંપૂર્ણ તૈયારી કરીને બેઠું હતું.
ચીન દાદાગીરીથી તિબેટ ગળી ગયું અને ભારત સાથે સરહદે સશસ્ત્ર અથડામણો શરૂ કરી
ભારત અને ચીન વચ્ચે પંચશીલ કરાર થયા જોકે ભારતીય જનતામાં ચીન પ્રત્યે વિશ્વાસ ઓછો હતો. દેશમાં જ્યારે હીંદી ચીની ભાઈ ભાઈના નારા ગૂંજતા હતા ત્યારે ચીન ભારત અને ચીન વચ્ચે બફર સ્ટેટ એવા તિબેટને ગળી જવાની પુરતી તૈયારી કરી બેઠું હતું. ભારત સાથે પંચશીલ કરાર કર્યા બાદ પાંચમા વર્ષે ચીને પોતાનો અસલી રંગ દેખાડવાની શરૂઆત કરી દીધી. ચીની સેના પીપલ્સ લિબરેશન આર્મી નિર્દોષ તિબેટીયન બૌદ્ધો ઉપર અમાનવીય અત્યાચારો કરી રહી હતી એની સામે સમગ્ર તિબેટમાં ભારેલો અગ્નિ હતો જે 10 મી માર્ચ 1959 નાં દિવસે તિબેટની રાજધાની લ્હાસામાં જ્વાળામુખી બનીને ફાટ્યો. ચીની પિપલ્સ લિબરેશન આર્મીએ તિબેટના બૌદ્ધ ધાર્મિક નેતા દલાઈ લામાને બંદીવાન બનાવવા માટે આગળ વધી રહી હતી. અનેક તિબેટીયન બૌદ્ધ ભિખ્ખુઓનો સંહાર કરવામાં આવ્યો અનેકને પકડીને જેલમાં અમાનવીય અત્યાચારો સહન કરવા પુરી દેવાયા. આ સમગ્ર ઘટનાક્રમમાં તિબેટીયન બૌદ્ધ ધાર્મિક નેતા દલાઈ લામા પોતાની માતૃભૂમિને છોડવા વિવશ બની ગયા આખરે દલાઈ લામાએ ભારત સરકાર પાસે રાજકીય આશ્રય માંગ્યો જે ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો. દલાઈ લામાએ જ્યાં મેજર ધનસિંહ થાપાનો જન્મ થયો હતો તે જ રાજ્ય હિમાચલપ્રદેશના ધર્મશાળા ખાતે નિવાસ કર્યો. ભારત સરકાર દ્વારા દલાઈ લામાને અપાયેલા રાજ્યાશ્રય બાદ ચીને ભારત ચીન સરહદો ઉપર સશસ્ત્ર અથડામણો શરૂ કરી. વારંવાર સીમાની મર્યાદા તોડતી ચીનના સૈનિકો સાથે ભારતીય સેનાની સશસ્ત્ર અથડામણો થવા લાગી. ચીન દ્વારા કરવામાં આવી રહેલી સશસ્ત્ર અથડામણો વચ્ચે ભારત સરકારે ચીનના પેટ્રોલિંગ તથા સૈન્ય લોજિસ્ટીકને અવરોધિત કરવા હેતુ રક્ષણાત્મક ફોરવર્ડ પોલીસી અમલમાં મૂકી. ફોરવર્ડ પોલીસી હેઠળ ભારતે ચીન સરહદ મેકમોહન લાઈન તથા ચાઈનીઝ પ્રીમિયર ચોઉ એન્લાઈ જેને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ઘોષિત કરી હતી એના પૂર્વ ભાગમાં ચોકીઓ ઉભી કરી.
અપૂર્ણ : વધુ આવતા રવિવારે
[…] […]
🙏
[…] મેજર ધનસિંહ થાપાની શૌર્યગાથાનો ભાગ 2 […]