પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ હજાર બાંગ્લાદેશીઓએ નકલી પાસપોર્ટ બનાવ્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. આ નકલી પાસપોર્ટ યુરોપ જવા માટે બનાવવામાં આવ્યા છે. બનાવટી પાસપોર્ટના આધારે બાંગ્લાદેશના નાગરિકો ભારતીય બનીને યૂરોપિયન દેશોની યાત્રા કરી રહ્યા છે. આ ચોંકાવનારા ખુલાસા બાદ ગુપ્તચર વિભાગની ઉંઘ હરામ થઈ ગઈ છે અને કોલકાતા પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
બાંગ્લાદેશીઓ ભારતીય પાસપોર્ટ બનાવીને યુરોપમાં જતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા 5 વર્ષમાં લગભગ 3 હજાર બાંગ્લાદેશીઓએ નકલી ભારતીય પાસપોર્ટ બનાવડાવ્યા છે. આ નકલી ભારતીય પાસપોર્ટ પર બાંગ્લાદેશીઓ યુરોપમાં બેરોક્ટોક પ્રવાસ કરી રહ્યા છે. તાજેતરમાં પોલીસ તપાસ દરમિયાન નકલી ભારતીય પાસપોર્ટ બનાવતી બાંગ્લાદેશની એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશી નાગરિકોને યુરોપમાં વર્ક વિઝા મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિમાંથી નકલી પાસપોર્ટ બનાવતી ગેંગ પહેલા બાંગ્લાદેશના નાગરિકોને ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસણખોરી કરાવે છે અને મોટી રકમ ચૂકવીને તેમનો નકલી ભારતીય પાસપોર્ટ બનાવડાવે છે.
બાંગ્લાદેશી નાગરિકો તે પાસપોર્ટનો ઉપયોગ કરીને વિદેશ પ્રવાસ કરે છે. નકલી પાસપોર્ટ કૌભાંડમાં ગુપ્તચર વિભાગ પશ્ચિમ બંગાળના ત્રણ જિલ્લાઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગેંગ ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા અને બાંગ્લાદેશની સરહદે આવેલા નાદિયા જિલ્લામાં સક્રિય છે. આ તમામ જિલ્લાના પોસ્ટલ વિભાગ, પાસપોર્ટ સેવા કેન્દ્ર અને ડીઆઈબી ઓફિસ પર તપાસ અધિકારીઓ નજર રાખી રહ્યા છે.
નકલી પાસપોર્ટના વધી રહેલા કિસ્સાઓથી વહીવટીતંત્ર સફાળુ જાગ્યું
નકલી પાસપોર્ટના વધી રહેલા મામલાથી વહીવટીતંત્ર ચિંતિત છે. કોલકાતા પોલીસનું ગુપ્તચર વિભાગ હવે તપાસ કરી રહ્યું છે. કોલકાતા પોલીસનો ગુપ્તચર વિભાગ SCO, સુરક્ષા નિયંત્રણ સંસ્થા દ્વારા આ મામલાની તપાસ કરી રહ્યું છે. લાલબજારના સૂત્રોના જણાવ્યા અનુસાર મામલાની ગંભીરતાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ ગુપ્તચર વિભાગ પણ તપાસમાં વ્યસ્ત છે. લાલબજાર પોલીસ હેડક્વાર્ટરથી દસ્તાવેજ ટ્રાન્સફરની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.
પોલીસ કમિશનરની સૂચના પર લાલબજાર પોલીસ હેડક્વાર્ટર દ્વારા નકલી પાસપોર્ટને રોકવા માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. લાલબજાર દ્વારા થોડા દિવસો પહેલા જારી કરાયેલી માર્ગદર્શિકા શહેરના દરેક પોલીસ સ્ટેશનને મોકલી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નવો પાસપોર્ટ બનાવવા માટે જ્યારે અરજી સબમિટ કરવામાં આવે છે, ત્યારે અરજદારને પોલીસ સ્ટેશન બોલાવીને દસ્તાવેજોની ચકાસણી કરવી જરૂરી છે. પોલીસ હેડક્વાર્ટર દ્વારા જારી કરવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે જવાબદાર અધિકારીઓએ વ્યક્તિગત રીતે અરજદારના સરનામે પહોંચીને દરેક બાબતની ખરાઈ કરવી જોઈએ. વિસ્તારના લોકોને તે વ્યક્તિ વિશે પૂછપરછ કરવી જોઈએ.
માલદામાં એક જ વર્ષમાં 16000 પાસપોર્ટ બન્યા
નકલી પાસપોર્ટનો મામલો સામે આવ્યા બાદ પાસપોર્ટ ઓફિસના અધિકારીઓને ડર સતાવી રહ્યો છે કે જો આતંકવાદીઓ પણ આવશે તો પાસપોર્ટ બનાવીને સરળતાથી જઈ શકે છે. ખાસ કરીને માલદામાં બનેલા પાસપોર્ટની સંખ્યા ઘણી ચિંતાજનક છે.
માલદા જિલ્લા પાસપોર્ટ ઓફિસના અધિકારીઓ દાવો કરે છે કે દસ્તાવેજો નકલી છે કે નહીં તે તપાસવા માટે કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાને કારણે આતંકવાદીઓ અથવા ઘૂસણખોરો સરળતાથી પાસપોર્ટ ઓફિસમાં દસ્તાવેજો જમા કરાવી શકે છે. શંકાસ્પદ બાબત એ છે કે માલદામાં પાસપોર્ટ માટેની અરજીઓની સંખ્યા ઘણી વધુ છે. છેલ્લા એક વર્ષમાં 16,000 પાસપોર્ટ બન્યા હોવાનું જાણવા મળે છે.
માલદામાં આટલા બધા પાસપોર્ટ કેમ બનાવવામાં આવી રહ્યા છે? માલદા પાસપોર્ટ ઓફિસના ઈન્ચાર્જ અરુણ કુમાર સરકારે કહ્યું કે જો આધાર કાર્ડ, વોટર કાર્ડ, પાન કાર્ડ સાચા હોય તો તેઓ પાસપોર્ટ આપવા માટે બંધાયેલા છે. વ્યક્તિ તે ભારતમાં કેટલા સમયથી છે? ક્યાં રહે છે, તેને આધાર કાર્ડ કેવી રીતે મળ્યું તે જાણવા માટે તેમની પાસે કોઈ સાધન કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી.
પાસપોર્ટ કેન્દ્રો પર દસ્તાવેજોની ખરાઈ કરવાની કોઈ સુવિધા નથી
રાજ્યના ગુપ્તચર અધિકારીઓનું કહેવું છે કે માલદાના વૈષ્ણવનગર, કાલિયાચક, હબીબપુરમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પાર કરીને ઘણા લોકો પાસપોર્ટ બનાવી રહ્યા છે. એવું પણ ધ્યાનમાં આવી રહ્યું છે કે કેટલાક લોકો થોડા દિવસો પહેલા જ વોટર, આધાર અને પાન કાર્ડ બનાવ્યા બાદ પણ પાસપોર્ટ મેળવી રહ્યા છે. હવે રાજ્યનો ગુપ્તચર વિભાગ અરજદારો પાસેથી 1971 પહેલાના દસ્તાવેજો માંગી રહ્યો છે.
જે લોકોના પાસપોર્ટ ખોવાઈ ગયા છે તેમના દસ્તાવેજોની તપાસ કરતી વખતે ગુપ્તચર એજન્સીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ જ્યારે તેમને ખબર પડી કે (નકલી) પાસપોર્ટ ધારક ઘૂસણખોરી કરીને ભારતમાં આવ્યા હતા અને ઓળખના તમામ દસ્તાવેજો અને પાસપોર્ટ પણ બનાવટી બનાવી લીધા હતા. આ પાસપોર્ટ ફરીથી ઇસ્યુ થતા રોકવા માટે ડીઆઈબી દ્વારા રિપોર્ટ પણ મોકલવામાં આવી રહ્યો છે.
મોટાભાગના પાસપોર્ટ હજ પર જવા માટે બનાવવામાં આવી રહ્યા છે. આ સિવાય મેડિકલ અને એજ્યુકેશનના નામે ઘણા લોકો પાસપોર્ટ બનાવવા માટે આવી રહ્યા છે, પરંતુ તમામ કેસમાં નકલી કે ગેરકાયદેસર દસ્તાવેજો અપાયાની આશંકા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તચર વિભાગ હવે તેમના પર ચાંપતી નજર રાખી રહ્યું છે.