– ABVP કર્ણાવતી મહાનગરના સૌપ્રથમ મહિલા મંત્રી
– ABVP રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિદ્યાર્થી પાંખ
– ABVP ભારતનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન
ABVP કર્ણાવતી મહાનગરના મંત્રી તરીકે પ્રાર્થનાબેન અમીનની પુનઃ વરણી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિદ્યાર્થી પાંખ એવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કર્ણાવતી મહાનગરના મંત્રી તરીકે પ્રાર્થનાબેન અમીનની આજે મળેલી બેઠકમાં પુનઃ વરણી કરવામાં આવી હતી. પ્રાર્થનાબેન અમીનની પુનઃ વરણીને ઉપસ્થિત કાર્યકર્તાઓએ ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના ગગનભેદી નારા સાથે વધાવી લીધી હતી. આ ઉપરાંત કાર્યકર્તાઓએ “ફૂલ નહીં ચિનગારી હૈ, યહ ભારત કી નારી હૈ” તથા “અબળા નહીં તુફાન હૈ, યહ ભારત કી શાન હૈ” ના નારાઓથી સમગ્ર હૉલને ગજવી દીધો હતો.
પ્રાર્થનાબેન અમીનનો પરિચય
પ્રાર્થનાબેન અમીન મૃદુભાષી, કુશળ અને કુનેહભર્યા સંગઠક તરીકે વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓમાં પ્રિય છે. આ ઉપરાંત તેઓ ઉત્તમ શ્રોતા છે. સંગઠનના નિર્ધારિત લક્ષ્ય પાર પાડવા નિર્યાયક પગલા ભરવા અગ્રેસર રહે છે. પ્રાર્થનાબેને પોતાનો સ્નાતકની પદવી એલ. ડી. આર્ટ્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં ફર્સ્ટ ક્લાસ સાથે મેળવી છે અને હાલમાં અનુસ્નાતકનો અભ્યાસ કરી રહ્યા છે. કોલેજના પ્રથમ દિવસથી જ પ્રાર્થનાબેન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા છે. કોલેજના પ્રથમ વર્ષ દરમિયાન તેમણે એલ. ડી. આર્ટ્સ કોલેજના કેમ્પસ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ વિવિધ જવાબદારી સંભાળી હતી અને ગયા વર્ષે વર્ષ 2020-21 માટે તેમને કર્ણાવતી મહાનગરના મંત્રી તરીકે નિયુક્તિ પામ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રાર્થનાબેન અમીન કર્ણાવતી મહાનગરના મંત્રી તરીકે જવાબદારી સંભાળનારા સૌપ્રથમ મહિલા મંત્રી છે. પોતાના કાર્યકાળમાં સૌને સાથે રાખીને સંગઠન મજબૂત કરવા માટે તેમણે કરેલા અથાક પરિશ્રમના સાક્ષી કર્ણાવતી મહાનગરના પ્રત્યેક કાર્યકર્તા છે.