USAID
Spread the love

USAID ના ભંડોળથી ભારતમાં કયું કાવતરું ઘડવામાં આવ્યું? તેની તપાસ શરુ થવામાં છે. નરેન્દ્ર મોદી સરકારે ‘ભારતની સાર્વભૌમત્વ સાથે સમાધાન કરનારા અથવા આંતરિક પ્રક્રિયાઓમાં હસ્તક્ષેપ કરનારા’ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ભારતે વિગતવાર યાદીની આપલે કરી લીધી છે જેમાં NGO, પ્રભાવશાળી લોકો, પત્રકારો, વિદ્વાનો અને થિંક ટેન્કના નામ સામેલ છે. બંને દેશોની સરકારો આ યાદીની સમીક્ષા કરી રહી છે અને ટ્રાન્ઝેક્શનની વિગતો પર કાર્યવાહી કરશે. સૂત્રોએ જણાવ્યું કે આ યાદી અમેરિકન અને ભારતીય પ્રશાસન પાસે ઉપલબ્ધ છે અને તેને તપાસનો આધાર બનાવાશે.

USAID પાસેથી ભંડોળ મેળવનાર ઉપર તવાઈ આવશે?

હાલમાં, સરકારે USAID પાસેથી ભંડોળ મેળવનાર કેટલીક વ્યક્તિઓને પ્રશ્નાવલિ મોકલવાનું શરૂ કરી દીધું છે. વિદેશ પ્રવાસોની વિગતો પણ માંગવામાં આવી રહી છે. કેટલાક ‘અસામાન્ય’ વ્યવહારો પણ નોંધાયા છે, જેની વિગતવાર તપાસ કરવામાં આવશે.

સૌપ્રથમ ચિંતાનો વિષય એ છે કે શું 2024ની લોકસભા ચૂંટણીમાં દખલ કરવાનો કે પ્રભાવિત કરવાનો પ્રયાસ થયો હતો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પ્રશાસન દ્વારા રચિત અને જેનું નેતૃત્વ એલોન મસ્ક કરે છે એ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) એ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જૉ બાયડનના શાસન દરમિયાન ભારતમાં ‘મતદાતા ટર્નઆઉટને પ્રભાવિત’ કરવા માટે યુએસ કરદાતાઓના નાણા દ્વારા પુરી પાડવામાં આવેલી USAID ની $21 મિલિયન ગ્રાન્ટ રદ કરી છે. DOGE એ તેની જાહેરાત કરીને જણાવ્યું હતું કે આ $21 મિલિયન ‘ચૂંટણી અને રાજકીય પ્રક્રિયા મજબૂતીકરણ માટેના કન્સોર્ટિયમ’ (Consortium for Elections and Political Process Strengthening) માટે ફાળવવામાં આવેલા $486 મિલિયનના તોતિંગ બજેટનો ભાગ છે.

આરોપો બાબતે ગંભીર છે પીએમ મોદી

સૂત્રોના જણાવ્યા અનુસાર, નરેન્દ્ર મોદી સરકારે જ્યારે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવાનું માત્ર ચૂંટણી પંચનું જ ક્ષેત્ર છે ત્યારે ‘ભારતની ચૂંટણી પ્રક્રિયાને દેશ બહારની સહાય અને સત્તાઓ માટે ખોલવાની’ બાબતની ગંભીર નોંધ લીધી છે. ઉલ્લેખનીય છે કે 2024 માં કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં એક રેલીમાં વડા પ્રધાને કહ્યું હતું કે, “દુનિયા અને ભારતમાં ઘણી શક્તિઓ છે જે મોદીને હરાવવા માટે એક થઈ છે.” સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે અહેવાલ અને યાદી અનેક પાનામાં વિસ્તરેલી છે અને કેન્દ્ર ઉતાવળ કરવા માંગતું નથી. મોદી અને ટ્રમ્પ વહીવટીતંત્ર બંનેએ આ ઘટનાક્રમોને ગંભીરતાથી લીધા છે અને તેનો અંત લાવવા માંગે છે.

જોકે, વિપક્ષ આનાથી પ્રભાવિત નથી. કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના અધ્યક્ષ પવન ખેડાએ સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરતા પૂછ્યું કે, વિપક્ષ 2024 માં પોતાને હરાવવા માટે પૈસા શા માટે લે? પરંતુ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે વિપક્ષની પ્રચારની શૈલી દર્શાવે છે કે વિપક્ષ એવી છાપ ઊભી કરવા માગતો હતો કે લોકશાહી અને બંધારણ ખતરામાં છે, જેનાથી તેમને રાજકીય ફાયદો મળશે, પરંતુ આવું થયું નહી.

કોંગ્રેસે ‘શ્વેતપત્ર’ લાવવાની માંગ કરી

કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય જયરામ રમેશે કહ્યું, “USAID વર્તમાન દિવસોમાં સમાચારોમાં છે. USAIDની સ્થાપના 3 નવેમ્બર, 1961ના રોજ થઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા દાવા ઓછામાં ઓછા કહેવા પુરતા વાહિયાત છે. તેમ છતાં, ભારત સરકારે શક્ય તેટલી વહેલી તકે ભારતમાં સરકારી અને બિન-સરકારી સંસ્થાઓને USAIDના દાયકાઓ સુધીના સમર્થનની વિગતો હોય એવું એક શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ.”

આ દરમિયાન જ્યોર્જ સોરોસનું નામ પણ ચર્ચામાં છે. કોંગ્રેસ પાર્ટીએ તેના સત્તાવાર ફેસબુક પેજ પર નરેન્દ્ર મોદી અને જ્યોર્જ સોરોસ વચ્ચેના સંબંધોને ઉજાગર કરતો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે સોરોસે ભારત સરકારને અસ્થિર કરવાનું કાવતરું ઘડ્યું હતું.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “USAID ના ભંડોળથી ભારતમાં કયું કાવતરું ઘડવામાં આવ્યું? મોદી સરકારે શરુ કરી તપાસ, કોંગ્રેસની ચિંતા જુદી”
  1. […] પર પ્રહારો કર્યા હતા અને તેમના પર યુએસએઆઈડી (USAID) એટલે કે યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *